અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 10 ડિસેમ્બર, 2015ના રોજ વ્હાઇટ હાઉસમાં એક વિશેષ કાર્યક્રમમાં ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’ પ્રોગ્રામ ઔપચારિક રીતે લોન્ચ કર્યો હતો. આ પ્રોગ્રામને તેમણે ‘ગિફ્ટ’ તરીકે વર્ણવ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે આ પ્રોગ્રામ વિદેશી પ્રતિભાઓને અમેરિકામાં સ્થાયી કરશે અને અમેરિકન અર્થતંત્રને બિલિયન્સ ડોલરની આવક આપશે. ખાસ કરીને ભારત ચીન અને ફ્રાન્સ જેવા દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને કુશળ વ્યક્તિઓને આકર્ષવા માટે બનાવાયેલ આ પ્રોગ્રામ EB-5 વિઝા કરતા વધુ સરળ અને ઝડપી છે.
આ પ્રોગ્રામ લોન્ચ કરતા ટ્રમ્પે કહ્યું, “આપણે આવા દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓને પરત મોકલીએ છીએ જે આપણી ટોપ કોલેજોમાં ટોપ પર હોય છે– આ એક શરમની વાત છે.” ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન (2017-2021) ઇમિગ્રેશન પોલિસીને કડક બનાવવાના પ્રયાસોમાં H-1B વિઝા અને સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જેનાથી ભારતીય IT કંપનીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી. પરંતુ બીજા કાર્યકાળમાં (2025થી) ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ અપનાવી છે. તેમણે 19 સપ્ટેમ્બર 2025ના રોજ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને આ પ્રોગ્રામની શરૂઆત કરી હતી.
આ પ્રોગ્રામ અમેરિકન કંપનીઓની જરૂરિયાતના કારણે શરૂ કરવામાં આવ્યો છે. એપલના CEO ટિમ કુકે ટ્રમ્પને કહ્યું હતું કે, “અમે ટોપ વિદ્યાર્થીઓને હાયર કરીએ છીએ, પણ વિઝાની અનિશ્ચિતતાને કારણે તેમને અહીં રોકી શકતા નથી.” IBMના ભારતીય મૂળના CEO અરવિંદ કૃષ્ણા અને Dellના માઇકલ ડેલ જેવા બિઝનેસમેન્સે પણ આને સમર્થન આપ્યું છે. પરિણામે 10 ડિસેમ્બરે આ પ્રોગ્રામ માટે અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોગ્રામ EB-5નું (ઇન્વેસ્ટર વિઝા) આધુનિકીકરણ છે.
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ શું છે? તેના પ્રકારો
ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ એ વિદેશી નાગરિકો માટે એક ઝડપી ઇમિગ્રેશનનો રસ્તો છે, જે EB-1 (એક્સ્ટ્રાઓર્ડિનરી એબિલિટી) અથવા EB-2 (એડવાન્સ્ડ ડિગ્રી/નેશનલ ઇન્ટરેસ્ટ વેવર) કેટેગરી હેઠળ પર્મનેન્ટ રેસિડન્સી આપે છે. આ વિઝાના મુખ્ય ત્રણ પ્રકારો છે. ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ કાર્ડ, કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ અને પ્લેટિનમ કાર્ડ. આમાંથી પ્લેટિનમ કાર્ડ હજી વેઇટ લિસ્ટમાં છે પરંતુ તેના માટે અરજીઓ આવવાની શરૂ થઈ ગઈ છે.
આ ત્રણેય માટે અરજદારે યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને નોન-રિફંડેબલ $15,000ની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. ત્યારબાદ જે લોકોએ માત્ર પોતાના માટે અરજી કરી હોય તેમણે ગોલ્ડ કાર્ડ વિઝાને લાયક બનવા માટે યુ.એસ. ટ્રેઝરીમાં $1 મિલિયનનું યોગદાન આપવું પડશે. આ સિવાય જે કંપનીઓ પોતાના વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરે છે, તેમણે પ્રતિ કર્મચારી માટે $2 મિલિયનનું યોગદાન આપવું પડશે. જોકે, કંપનીઓ આ કાર્ડને રિયુઝ કરી શકે છે.
આ ઉપરાંત હાલ વેઇટલિસ્ટમાં રહેલ પ્લેટિનમ કાર્ડ $5 મિલિયનના યોગદાન પર વિદેશી આવક પર ટેક્સ એક્સેમ્પ્શન આપે છે. આ તમામ કાર્ડ્સ અમેરિકાના 50 રાજ્યો અને ટેરિટરીઝમાં વેલિડ છે. આ કાર્ડના આધારે 5 વર્ષ પછી અમેરિકન નાગરિકતા માટે અરજી પણ કરી શકાય છે.
ગોલ્ડ કાર્ડ કેવી રીતે કામ કરે છે?
આ પ્રોગ્રામની કાર્યપદ્ધતિ નાણાકીય યોગદાન પર આધારિત છે. અમેરિકનના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરીટી (DHS), USCIS, ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ સંચાલિત કરે છે. આ કાર્ડ માટે અરજી કરવા માટે સૌ પ્રથમ trumpcard.gov પર જઈને ગોલ્ડ, કોર્પોરેટ અથવા પ્લેટિનમમાંથી (વેઇટલિસ્ટ) કોઈ એકની પસંદગી કરવાની હોય છે. ત્યારબાદ માંગેલી વિગતો ભર્યા બાદ $15,000 પ્રોસેસિંગ ફી ભરવાની હોય છે. જો કોઈ પરિવારનું સભ્ય પણ સામેલ હોય તો પ્રત્યેક વ્યક્તિદીઠ વધારા $15,000 ભરવાના હોય છે.
ત્યારબાદ USCIS રાષ્ટ્રીય સુરક્ષા, ક્રિમિનલ રેકોર્ડ, ફાઇનાન્શિયલ હિસ્ટરી તપાસે છે. આમાં FBI, CIA અને અન્ય એજન્સીઓ સામેલ છે. પ્રોસેસ પૂરી થવામાં અપેક્ષિત રીતે અઠવાડિયાં લાગે, પણ કેટલીક નેશનાલિટીઝ (જેમ કે ભારત) માટે વિઝા ક્વોટાને કારણે 1 વર્ષ સુધી વિલંબ પણ થઈ શકે છે. વેટિંગ પાસ થયા પછી વ્યક્તિગત માટે $1 મિલિયન અથવા કોર્પોરેટ માટે $2 મિલિયન ACH ડેબિટ અથવા SWIFT વાયર ટ્રાન્સફર દ્વારા US ટ્રેઝરીમાં જમા કરવામાં આવે છે.
આ પ્રક્રિયા પછી સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓનલાઇન અથવા કોન્સ્યુલેટમાં વિઝા માટે ઈન્ટરવ્યુ લે છે. ત્યારપછી મેડિકલ એક્ઝામિનેશન બાદ EB-1/EB-2 સ્ટેટસ મળે છે. આ બધી પ્રોસેસમાં લગભગ 2-4 અઠવાડિયાં લાગી શકે છે. કાર્ડ મળ્યા પછી અમેરિકામાં રહેવા, કામ કરવા, પ્રોપર્ટી ખરીદવા અને 5 વર્ષ પછી સિટીઝનશિપ મેળવવા પરવાનગી મળી જાય છે. આ ઉપરાંત કોર્પોરેટ કાર્ડમાં 1% વાર્ષિક મેઇન્ટેનન્સ ફી અને 5% ટ્રાન્સફર ફી છે.
કોણ અરજી કરી શકે?
ગોલ્ડ કાર્ડ માટે અરજી કરવાની યોગ્યતા ‘અમેરિકાને સબસ્ટાન્શિયલ બેનિફિટ’ પર આધારિત છે. આ માટે ચોક્કસ શૈક્ષણિક કે પ્રોફેશનલ બેકગ્રાઉન્ડ હોવું જરૂરી છે. જેમકે અમેરિકન ટોપ યુનિવર્સિટીઓમાંથી (હાર્વર્ડ, MIT, વ્હાર્ટન, NYU સ્ટર્ન) ગ્રેજ્યુએટ્સ અથવા કુશળ પ્રોફેશનલ્સ (એન્જિનિયર, ડોક્ટર, એન્ટ્રેપ્રિન્યોર) આ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત અરજદાર પર કોઈ ક્રિમિનલ કેસ ન હોવો જોઈએ.
ભારતીય વિદ્યાર્થીઓ માટે ગોલ્ડ કાર્ડનો શું ફાયદો છે?
ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને ભારત અને ચીન જેવા દેશોના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કર્યો છે, જેઓ અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાંથી (જેમ કે હાર્વર્ડ, વ્હાર્ટન કે MIT) સ્નાતક થયા પછી પણ કાયમી ધોરણે રહેવા માટે સંઘર્ષ કરે છે. હાલમાં ભારતીય નાગરિકો માટે EB-2/EB-3 ગ્રીન કાર્ડની રાહ જોવાનો સમય દાયકાઓ સુધી લંબાઈ શકે છે. ગોલ્ડ કાર્ડ EB-1/EB-2 ક્લાસિફિકેશન હેઠળ ઓછું વેઈટિંગ અને નાણાકીય યોગદાનના આધારે ઝડપી મંજૂરી સુનિશ્ચિત કરશે.
યુએસ કંપનીઓ કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ દ્વારા $2 મિલિયનનું યોગદાન આપીને તેમના પ્રતિભાશાળી વિદેશી કર્મચારીઓ જેમાં મોટાભાગે ભારતીય વિદ્યાર્થીઓ હોય છે તેમના માટે કાયમી નિવાસની વ્યવસ્થા કરી શકશે. આનાથી યુએસમાં તેમની નોકરીની સ્થિરતા વધશે. ગોલ્ડ કાર્ડ કાયમી નિવાસનો દરજ્જો આપે છે, જે ધારકોને યુએસના સામાન્ય નાગરિકત્વ પ્રોસેસ દ્વારા થોડાં વર્ષો પછી નાગરિકતા માટે અરજી કરવાનો માર્ગ ખોલે છે.
આમ, ટ્રમ્પનો ગોલ્ડ કાર્ડ એ ભારતીય વિદ્યાર્થીઓ માટે યુએસમાં અભ્યાસ કર્યા પછી નોકરી કરીને કાયમી ધોરણે સ્થાયી થવા માટે ધનિકો માટેનો એક ઝડપી અને સરળ માર્ગ બની શકે છે, જે ખાસ કરીને STEM ક્ષેત્રના સ્નાતકો માટે આકર્ષક છે. નોંધનીય છે કે આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય H-1B વિઝા લોટરી અને ત્યારબાદ ગ્રીન કાર્ડની લાંબી રાહ જોવાની સિસ્ટમનો અંત લાવવાનો છે.


