તત્કાલીન ગૃહમંત્રી પર જૂતું ફેંકનાર ગોપાલ ઈટાલિયા પર જ હવે કોઈ જૂતું ફેંકી ગયું! ચાલુ સભાએ હોબાળો

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ચાલુ સભાએ જૂતું ફેંકવાનો મામલો સામે આવ્યો છે.

ઘટના જામનગરની આમ આદમી પાર્ટીની એક સભામાં બની હોવાનું કહેવાય છે. સભા દરમિયાન ગોપાલ સ્ટેજ પર ઉભો રહીને ભાષણ કરી રહ્યો હતો ત્યારે જ અચાનક એક વ્યક્તિએ સ્ટેજ પાસે આવીને જૂતું કાઢીને સીધું ગોપાલ તરફ ફેંક્યું હતું.

જૂતું ગોપાલની બાજુમાંથી નીકળી ગયું અને ગોપાલ ભાષણ અટકાવીને કશું સમજે તે પહેલાં સ્ટેજ પર લોકો એકઠા થઈ ગયા હતા.

બીજી તરફ જૂતું ફેંકનારને ‘આપ’ સમર્થકોએ માર માર્યો હોવાનું પણ કહેવાય રહ્યું છે. સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ પછીથી સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલાં ગોપાલ જ્યારે પોતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતો હતો ત્યારે તેણે તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર આ જ રીતે જૂતું ફેંક્યું હતું. આજે તેની ઉપર જૂતું ફેંકાયું છે. ‘આપ’ અને ગોપાલની પ્રતિક્રિયા આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં આવી નથી.