લીડરશિપ, નેતાગીરી મામલે ગુજરાત આમ તો સમૃદ્ધ પ્રદેશ રહ્યો છે. મોહનદાસ ગાંધીના વિચારો, અમુક કામો સાથે આમ તો આ લખનારને ભારે મતભેદ છે, પણ પૂર્વગ્રહ બાજુ પર મૂકીને કહીએ તો એ વાત નકારી શકાય એમ નથી કે ગાંધીએ દેશને નેતૃત્વ પૂરું પાડ્યું હતું. ગુજરાતી દ્વારા દેશને નેતૃત્વ પૂરું પાડવાનું કામ છેક નરેન્દ્ર દામોદરદાસ મોદી સુધી ચાલ્યું આવ્યું છે. આ બધા નેતાઓ મહેનત કરીને, લોકોનો વિશ્વાસ જીતીને, ક્ષમતા પુરવાર કરીને અહીં સુધી પહોંચ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા ન હતું એટલે મહેનત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. હવે જમાનો બદલાયો છે હવે જેમને નેતા થવાના, આગેવાની લેવાના અભરખા હોય તેઓ ગ્રાઉન્ડ પર ઓછા ને સોશિયલ મીડિયા પર વધારે જોવા મળે છે.
ગુજરાતમાં 2015થી આંદોલનોનો એક નવો દોર શરૂ થયો તેમાં આવા નેતાઓ ઠીકઠાક પ્રમાણમાં ફૂટી નીકળ્યા. અમુક સમાજના ખભે ચડીને વિધાનસભા પહોંચી ગયા તો અમુકે ક્રાંતિ લાવી દેવાની, ધરમૂળમાંથી બધું બદલી નાખવાની વાતો કરીને માર્ગ પકડ્યો. અમુક સફળ થયા તો તેમની પાછળ બીજા અમુક ચાલ્યા આવ્યા. એમ કરીને આવાઓની હવે ઠીકઠાક વસ્તી થઈ ગઈ છે.
આટલી પૂર્વભૂમિકા પછી એ નોંધવાનું રહે કે ક્યાંક આવી જ એકાદ કેટેગરીમાં ફિટ બેસતા કોંગ્રેસ નેતા, પૂરેપૂરા વામપંથના રંગે રંગાયેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી હાલ ચર્ચામાં છે. મેવાણીએ એક કાર્યક્રમમાં પોલીસ વિશે આપત્તિજનક ભાષણ આપ્યા પછી હવે અમુક ઠેકાણે તેમનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ અને ઇકોસિસ્ટમ જીગ્નેશના ફેવરમાં વાતાવરણ બનાવવાનાં પ્રયાસોમાં લાગ્યાં છે. ઇકોસિસ્ટમની મહેનત અને કામ જોતાં તેઓ સફળ પણ થઈ રહ્યા હોય એમ લાગે છે. એટ લિસ્ટ, સોશિયલ મીડિયા પર તો ખરું જ.
આ બધામાં યુટ્યુબરિયાઓની જમાત પૂરેપૂરી સહયોગ આપી રહી છે. આમ સામાન્ય દહાડામાં કોઈ ભાજપ નેતા જરા પણ કંઈ આડુંઅવળું કશુંક બોલી નાખે તો બે દિવસ સુધી વિડીયોનો મારો આપણા માથે ચલાવનારી ગેંગ હવે જીગ્નેશે બફાટ કર્યા પછી ભાજપ નેતાઓના આવા જૂના વિડીયો સામે લાવીને મુદ્દા ભટકાવવાના પ્રયાસો કરી રહી છે.
જીગ્નેશે જે વાત કહી એ સારી ભાષામાં, સારા શબ્દોમાં કહી શકાઈ હોત. ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો કાયમ વિવાદોમાં રહે છે એ જગજાહેર છે. ભૂતકાળમાં પણ શંકરસિંહ જેવા અનેક નેતાઓ આ મુદ્દે ખુલીને બોલી ચૂક્યા છે. દારૂબંધીના સમર્થનમાં અને વિરોધમાં બોલનારા ઘણા છે. એ હકીકત છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો લાગુ હોવા છતાં બેફામ દારુ વેચાય છે. તેમાં પોલીસની ભૂમિકા, ભ્રષ્ટાચાર વગેરે પણ અવગણી શકાય તેમ નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે આખા પોલીસ વિભાગને ઘસડી લાવીને તેમના પટ્ટા ઉતારવાની વાત સુધી પહોંચી જવાય. ધારાસભ્યએ તો બિલકુલ નહીં.
વળી મેવાણીને વધારે ફૂટેજ મળતું જોઈને જેની પાર્ટી સોશિયલ મીડિયા પર જ ચાલે છે એ ગોપાલ ઈટાલિયાએ પણ ઝંપલાવી દીધું છે. કારણ કે ગોપાલ બે-ત્રણ દિવસ સુધી યુટ્યુબ ચેનલો પર ન દેખાય તો બંને તરફે બેચેની થવા માંડે છે. ગોપાલે પણ હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે અને પોલીસવાળી વાત આખી બાજુ પર રહી ગઈ છે.
કહેવાની વાત માત્ર એટલી છે કે ગોપાલ અને જીગ્નેશ વગેરેને નક્કર કામો થાય એમાં, સમસ્યાઓના સમાધાનોમાં કે લોકોની તકલીફ ઓછી થાય તેમાં રસ ઓછો અને આ રીતે આમ કરી નાખીશું અને તેમ કરી નાખીશુંની વાતો અને ફાંકા ફોજદારીમાં રસ વધારે છે.
સરકારોને સવાલો કરવાના હોય, દારૂબંધી વિશે પણ પૂછવાનું હોય, પોલીસ વિભાગમાં થતા ભ્રષ્ટાચાર વિશે પણ પૂછવાનું હોય, પણ મર્યાદામાં રહીને. એક ધારાસભ્ય તરીકે, એક જનપ્રતિનિધિ તરીકે બોલતા હોઈએ ત્યારે આ બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે. પણ આ ક્રાંતિવીરોની સમસ્યા એ છે કે એવું કરવાથી તેમને કોઈ સાંભળતું નથી, એટલે ચેનલોમાં દેખાવા માટે, પોતે કશુંક કરી રહ્યા છે એ દર્શાવવા માટે આવાં ગતકડાં કરતા રહેવું પડે છે.


