CJIના સમર્થનમાં સુપ્રીમ કોર્ટની બહાર પહોંચ્યા માત્ર 5 વકીલ, જૂતું ફેંકાયાની ઘટના બાદ થવાનું હતું વિરોધ પ્રદર્શન

સોમવારના (6 ઑક્ટોબર) રોજ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈ પર જૂતું ફેંકાયાની ઘટનાના વિરોધમાં સુપ્રીમ કોર્ટની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે તૈયારીઓ પણ કરવામાં આવી હતી અને મોટી ભીડને કારણે પરિસ્થિતિ વધુ વણસી ન જાય તે માટે સુપ્રીમ કોર્ટની બહાર આશરે 50 પોલીસ અધિકારીઓને પણ તહેનાત કરવામાં આવ્યા હતા.

પત્રકાર પ્રભાકર કુમાર મિશ્રાએ X પર આ પ્રદર્શનનો એક વિડીયો પણ શેર કર્યો છે. મિશ્રાએ લખ્યું છે કે, “મુખ્ય ન્યાયાધીશ ગવઈ પરના હુમલા સામે સુપ્રીમ કોર્ટની બહાર વિરોધ પ્રદર્શન થયું હતું. લગભગ 50 પોલીસ અધિકારીઓ, કવરેજ માટે 20 કેમેરા અને કુલ પાંચ વકીલો વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા.”

ઉલ્લેખનીય છે કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં 71 વર્ષીય વકીલ રાકેશ કિશોરે ભારતના મુખ્ય ન્યાયાધીશ પર જૂતું ફેકવાનો પ્રયાસ કર્યો હતો. વકીલે દાવો કર્યો હતો કે તેઓ ભગવાન વિષ્ણુ વિશે મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીથી રોષે ભરાયા હતા. આ ઘટના બાદ પીએમ મોદીએ મુખ્ય ન્યાયાધીશ ગવઈ સાથે વાત પણ કરી હતી.