ગોધરામાં (Godhra) મુસ્લિમ ટોળાંએ (Muslim Mob) પોલીસ સ્ટેશન (Police Station) પર હુમલો કર્યો હોવાના મામલે હવે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આ મુસ્લિમ ટોળાંએ પોલીસ સ્ટેશનમાં ઘૂસીને તોડફોડ તો કરી જ હતી, પણ ત્યાં રહેલા જરૂરી સરકારી દસ્તાવેજો પણ સળગાવી દીધા હતા. તે સિવાય સીસીટીવી કેમેરાના કેબલ પણ તોડી નાખ્યા હોવાનો આરોપ છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે 88 લોકો વિરુદ્ધ નામજોગ અને 300ના ટોળાં સામે ગુનો દાખલ કર્યો છે અને 17ની ધરપકડ કરી છે.
ગોધરા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના PIએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે, ગોધરામાં રહેતા ઝાકિર અહેમદ જાભાએ અગાઉ વિવાદિત વીડિયો વાયરલ કર્યા હતા, જેને લઈને નવરાત્રિમાં આવા કોઈ વિડીયો વાયરલ કરીને અશાંતિ સર્જવાના પ્રયાસો ન થાય એ હેતુથી પોલીસે તેને સમજાવવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. FIR અનુસાર, ઝાકિરે પોલીસે સહયોગ આપવાની જગ્યાએ ખોટા આરોપો લગાવવાના શરૂ કરી દીધા હતા.
વધુમાં કહેવાયું છે કે મુસ્લિમ શખ્સે ઉશ્કેરણીજનક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો, જેમાં પોલીસ પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા. તેણે આ વિડીયો મુસ્લિમ સમાજના વિવિધ ગ્રુપ્સમાં શેર કર્યો હતો. આ વિડીયોના કારણે 300થી 400નું મુસ્લિમ ટોળું બી-ડિવિઝન પોલીસ મથકે ઘસી આવ્યું હતું અને ગેરકાયદે મંડળી બનાવીને નારાબાજી, અપશબ્દો બોલવા લાગ્યું હતું.
આરોપ છે કે, આ ટોળામાં રહેલા શખ્સોએ પોલીસ સ્ટેશન તરફ પથ્થરો વરસાવવાના શરૂ કરી દીધા અને પોલીસ સ્ટેશનમાં ઘૂસવાના પ્રયાસો આદરી દીધા હતા. હિંસક ટોળાએ પોલીસ સ્ટેશનમાં પ્રવેશીને અધિકારીની ચેમ્બરનો દરવાજો તોડી નાખ્યો હોવાનો પણ આરોપ છે. પોલીસ સ્ટેશનની બહાર મુકાયેલા ફૂલછોડના કુંડા, સરકારી સીસીટીવીના કેબલો અને અન્ય વાયરો પણ તોડી કાઢ્યા હતા.
પોલીસે નોંધેલી FIRમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ટોળાંએ પોલીસ ચોકી નંબર 4નો મુખ્ય દરવાજો તોડી નાખીને સરકારી ઇમારતમાં પ્રવેશ કરી ફર્નિચર અને અન્ય સરકારી સામાનને નુકસાન પહોંચાડ્યું હતું. સરકારી રેકોર્ડ્સ અને જરૂરી દસ્તાવેજો સળગાવી દઈને મહત્વની ફાઈલોને પણ નષ્ટ કરી દેવામાં આવી હતી. ટોળાના પથ્થરમારાના કારણે બે પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા હતા.
પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને ગુનાહિત મામલાઓ હેઠળ ઝાકિર અહેમદ જાભા સહિત 88 નામજોગ તેમજ 300થી વધુ અજાણ્યા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તે સિવાય પોલીસે 17 મુસ્લિમ આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. હાલ જાણવા મળી રહ્યું છે કે બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.


