અમેરિકાના કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ, ’ટર્નિંગ પોઈન્ટ યુએસએ’ના CEO અને સહ-સ્થાપક ચાર્લી કર્કની બુધવારે એક કાર્યક્રમ દરમિયાન ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. તેઓ યૂટા વેલી યુનિવર્સિટીની એક ડિબેટ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ગયા હતા, જ્યાં બનાવ બન્યો.
ચાર્લીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના લોકો પૈકીના માનવામાં આવતા હતા. હત્યા બાદ ટ્રમ્પે એક નિવેદન પણ આપ્યું.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ઘટનાને અમેરિકા માટે ‘ડાર્ક મોમેન્ટ’ ગણાવી અને દેશમાં આવી રાજકીય હિંસાને ઉશ્કેરણી આપવા માટે વામપંથી કટ્ટરતાને જવાબદાર ગણાવી. તેમણે કર્કને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, તેઓ દેશભક્ત હતા અને સત્ય અને સ્વતંત્રતા માટે વીરગતિ પામ્યા છે.
અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, કર્કને ગોળી વાગ્યા બાદ તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં મૃત ઘોષિત કરવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીમાં કર્કના કાર્યક્રમનો અગાઉથી જ વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને એક પિટિશન પણ સાઇન કરવાનું કેમ્પેઇન ચાલ્યું હતું. જોકે યુનિવર્સિટીએ કાર્યક્રમ રદ કરવાની ના પાડી દીધી હતી. ઘટનામાં બે સંદિગ્ધની અટકાયત કરવામાં આવી હતી, પણ તેમને પછીથી છોડી મૂકવામાં આવ્યા. હાલ એજન્સીઓ તપાસ કરી રહી છે.

