વર્તમાનમાં તહેવારોની ઋતુ ચાલી રહી છે, હવે નવરાત્રિના તહેવાર માટે અત્યારથી જ ગુજરાતીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વખતની જેમાં ગરબા ક્લાસીસ પણ પૂરજોશમાં ચાલી રહ્યા છે. આવા સમયે જૂનાગઢમાં ગરબા ક્લાસમાં જતી યુવતીઓ સાથે છેડતી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને શહેફાઝ અને આમિર નામક 2 શખ્સોની ધરપકડ કરી હતી.
અહેવાલ અનુસાર, આ ઘટના જૂનાગઢના ખલીલપુર રોડ પર બની હતી. 22 ઑગસ્ટની રાત્રે યુવતીઓ ગોલ્ડન ફાર્મ પાસે આવેલા ગરબા ક્લાસમાંથી પરત ફરી રહી હતી. આ દરમિયાન એક સગીર સહિત 3 મુસ્લિમ શખ્સોએ યુવતીઓની છેડતી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર યુવતીઓ પરત ફરી રહી હતી ત્યારે આરોપીઓએ બાઈક પર એ જ રસ્તેથી 3-4 આંટા માર્યા હતા.
આ દરમિયાન શેહફાઝ ઇકબાલ સુમરા અને આમીર રફીકભાઈએ યુવતીઓને અભદ્ર ઈશારા પણ કર્યા હોવાનો આરોપ છે. જ્યારે યુવતીઓએ આ શખ્સોને રોકીને પૂછ્યું કે, ‘તમે વારંવાર અહીંથી કેમ પસાર થાઓ છો અને અમારી સામે કેમ જુઓ છો?’ ત્યારે આરોપીઓએ યુવતીઓને ધમકાવવાનું શરૂ કરી દીધું. આરોપીઓએ યુવતીઓને કહ્યું હતું કે, “અમે અહીંથી જ નીકળીશું, જો તમે વિરોધ કરશો તો પછી માથાકૂટ થશે.”
ગરબા પ્રેક્ટિસ કરી ઘરે પરત ફરતી યુવતીઓની છેડતી કરી ધમકી આપનારા શખ્સોને તાત્કાલીક પકડી કાયદાનું ભાન કરાવતી જૂનાગઢ પોલીસ.@CMOGuj @sanghaviharsh @GujaratPolice @IGP_JND_Range #JunagadhPolice #BeforeAfter #PoliceAction #WomensSafety #RespectWomen #ZeroTolerance #LawAndOrder pic.twitter.com/U9UKqobQJt
— SP Junagadh (@SP_Junagadh) August 24, 2025
આ દરમિયાન જ એક મુસ્લિમ સગીર પણ ત્યાં આવી પહોંચ્યો હતો. આ ત્રણેય આરોપીઓએ યુવતીઓની છેડતી કરી હતી અને તેમને ધાક-ધમકી આપી હતી. જોકે, ત્યાંથી પસાર થતા કોઈક વ્યક્તિએ યુવતીઓને હેરાન થતી જોઈને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીઓની ધરપકડ કરી હતી.
પછીથી આ ઘટના અંગે જૂનાગઢ SPએ વિડીયો જારી કરીને નિવેદન આપ્યું હતું. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે અને પોલીસે જાહેરમાં બંને પાસે માફી મંગાવી હતી. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું અને જાહેરમાં બંને આરોપીઓને કાન પકડાવીને માફી મંગાવી હતી.
વિડીયોમાં સાંભળી શકાય છે કે આરોપીઓ કહી રહ્યા છે કે ‘અમારી ભૂલ થઈ ગઈ…ફરીથી આવી હરકત નહીં કરીએ.’ આ મામલે જૂનાગઢ SPએ આપેલ માહિતી અનુસાર, બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં આગામી સમયમાં નવરાત્રિ નજીક આવતી હોવાથી બહેન-દીકરીઓ, મહિલાઓ અને ગરબા ક્લાસીસના સંચાલકોને વિનંતી કરી હતી કે આવા કોઈ ઈસમો આસપાસ જોવા મળે તો 100 નંબર, 112 નંબર કે મહિલા હેલ્પલાઈન 181 પર તાત્કાલિક જાણ કરવી.


