તાજેતરમાં ‘અમદાવાદ મીડિયા’ નામક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જઈને સ્ટિંગ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના આધારે જે-તે વિસ્તારના PI વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જોકે ત્યારપછી પોલીસે અમદાવાદ મીડિયા (Ahmedabad Media FIR) વિરુદ્ધ એક FIR નોંધી દીધી, જેમાં ડ્રોન ઉડાવીને જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
નોંધનીય છે અમદાવાદ મીડિયાએ 29 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મત વિસ્તાર ઘાટલોડિયામાં સ્ટિંગ ઑપરેશન કર્યું હતું. મીડિયા આઉટલેટનું કહેવું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા નંબર-2ની બાજુમાં અને રહેણાંક વિસ્તારમાં આ દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો અને સાથે બુટલેગરોનાં નામ પણ આપવામાં આવ્યાં હતાં.
અમદાવાદ મીડિયાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરવામાં આવેલા સ્ટિંગના વિડીયોમાં બુટલેગર હસતો જોવા મળી રહ્યો છે. જોકે આ વિડીયો વાયરલ થયા બાદ બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય ઘાટલોડીયાના પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ કંડોરીયાને ફરજ પરથી હટાવીને કંટ્રોલરૂમ ખાતે લીવ રિઝર્વમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે કડક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા.
આ મામલે અમદાવાદ મીડિયાના જૈમિન ચાંદેગરાનું કહેવું છે કે આ ઑપરેશન કર્યા બાદ આખા અમદાવાદ શહેરમાંથી દારૂના અડ્ડા ચાલતા હોવાની તેમને 300થી વધુ ફરિયાદો મળી હતી. ત્યારબાદ તેમની વિરુદ્ધ હવે FIR દાખલ કરવામાં આવી છે. જેમાં આરોપ છે કે તેમણે ડ્રોન ઉડાવ્યું હતું, જે જાહેરનામાનો ભંગ છે.
વાસ્તવમાં અમદાવાદ પોલીસે થોડા સમય પહેલાં એક જાહેરનામું બહાર પાડીને શહેરમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ આદેશના ઉલ્લંઘન બદલ જ પોલીસે FIR દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.
એક એવી મીડિયા ચેનલ જેણે હમેંશા સત્યનો પક્ષ રાખ્યો છે, સત્યને પીરસ્યું છે અને લોકહિતના કાર્યો કર્યા છે. @Ahmedabad_media જ્યારે લોન્ચ થયું ત્યારથી હું વ્યક્તિગત રીતે એમનો મોટો ચાહક રહ્યો છું અને એમની પાસેથી ઘણું શીખતો આવ્યો છું.
— Sagar Patoliya (@kathiyawadiii) August 12, 2025
એમનું દરેક કાર્ય સરાહનીય છે એવોર્ડ ન આપો કંઈ… pic.twitter.com/m0ftJA4lTw
ફરિયાદ ઘાટલોડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા દાખલ કરાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું કે, પત્રકારોએ સક્ષમ અધિકારીની મંજૂરી મેળવ્યા વગર ડ્રોનથી વિડીયો ઉતાર્યો હતો. જે પોલીસ કમિશનરના જાહેરનામાનું ઉલ્લંઘન છે, તેમજ સુરક્ષા કારણોસર અમદાવાદ શહેરને નો ડ્રોન ફ્લાય ઝોન ઘોષિત કરવામાં આવ્યું છે, છતાં મંજૂરી વગર ડ્રોન ઓપરેટ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે.
જોકે અમદાવાદ મીડિયાના સંચાલકોનું કહેવું છે કે તેમણે અગાઉ આ પ્રકારના જાહેરનામા વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મળી શક્યું ન હતું. જાણકારી અનુસાર, તેઓ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા હાજર થવા માટે પ્રક્રિયા કરી રહ્યા છે. બીજી તરફ પોલીસે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.


