ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંઘ પન્નૂએ આમ આદમી પરતું અને CM કેજરીવાલ પર ખાલિસ્તાનીઓ પાસે કરોડો રૂપિયાનું ફંડ લેવાનો આરોપ લગાવ્યો છે. આતંકવાદી પન્નૂએ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલે ખાલિસ્તાનીઓ સાથેની મુલાકાતમાં આતંકવાદી ભુલ્લરને મુક્ત કરવાનો વાયદો પણ કર્યો હતો. એક વિડીયો જાહેર કરીને પન્નૂએ આ પ્રકારના આરોપો લગાવ્યા છે.
ખાલિસ્તાન સમર્થક આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટીસના લિડર પન્નૂએ CM કેજરીવાલ, આમ આદમી પાર્ટી અને પંજાબના CM ભગવંત માન પર આરોપ લગાવતો એક દોઢ મિનીટનો વિડીયો જાહેર કર્યો છે. આ વિડીયોમાં પન્નૂએ મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડ બાદ આ પ્રકારના ગંભીર આરોપો લગાવ્યા છે.
પન્નૂએ આ વિડીયોમાં કહ્યું છે કે, “અરવિંદ કેજરીવાલ પોતાને ઈમાનદાર હિંદુ કહે છે, પરંતુ તે બેઈમાન હિંદુ છે. જયારે 2014માં તેમની પાસે સત્તા નહોતી, ત્યારે તેણે અમેરિકા આવીને ન્યુયોર્કમાં ખાલિસ્તાનીઓને વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો પ્રોફેસર દેવિંદર પાલ સિંઘ ભુલ્લરને 5 કલાકની અંદર જ છોડી મુકવામાં આવશે.” પન્નૂએ કેજરીવાલ પર વચન તોડવાનો પણ આરોપ લગાવ્યો. પન્નૂએ કહ્યું કે ભુલ્લરને તો ન છોડવામાં આવ્યો, પણ ખાલિસ્તાનીઓની વાત કરવાવાળા લોકોને પંજાબમાં ભગવંત માનની સરકાર રોકી રહી છે.
આ પછી પન્નૂએ કે ભગવંત માન અને CM કેજરીવાલ પર ખાલિસ્તાનીઓ પાસે કરોડો રૂપિયાનું ફંડ લેવાનો આરોપ લગાવ્યો છે. પન્નૂએ કહ્યું કે, “વર્ષ 2014-2022 વચ્ચે ખાલિસ્તાનીઓએ AAPની સરકાર બનાવવા માટે 16 મીલીયન ડૉલર (લગભગ ₹133 કરોડ)ની મદદ આપી.”
પન્નૂએ આરોપ લગાવ્યો કે પંજાબમાં અરવિંદ કેજરીવાલના ઈશારે ભગવંત માન ખાલિસ્તાનીઓ વિરુદ્ધ ખોટા પોલીસ એન્કાઉન્ટર કરાવી રહ્યા છે. પન્નૂએ કેજરીવાલને ‘હિસાબ-કિતાબ’ કરવાની ધમકી પણ આપી છે. પન્નૂએ ખાલિસ્તાની અમૃતપાલને લઈને પણ વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે જે દેવિંદર પાલ સિંઘ ભુલ્લરની વાત પન્નૂએ કરી, તેણે 1993માં દિલ્હીમાં એક ગાડીમાં બોમ્બ લગાવીને બ્લાસ્ટ કર્યો હતો. ભુલ્લરના આ આતંકવાદી કૃત્યમાં 9 લોકોના મોત નીપજ્યા હતા અને 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભુલ્લરે આ બ્લાસ્ટ યુથ કોંગ્રેસ કાર્યાલયની બહાર કર્યો હતો. આ બ્લાસ્ટમાં તે સમયના યુથ કોંગ્રેસ અધ્યક્ષ એમએસ બિટ્ટા ઘાયલ થયા હતા. ભુલ્લર હજુ પણ જેલમાં બંધ છે. તેને ફાંસીની સજા આપવામાં આવી હતી, પરંતુ બાદમાં આ સજાને આજીવન કારાવાસમાં બદલી દેવામાં આવી હતી.
પન્નૂના આ આરોપો પર આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા સામે નથી આવી. આમ આદમી પાર્ટીએ આ આરોપોનો જવાબ પણ નથી આપ્યો. નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લીકર પોલીસીમાં કૌભાંડ મામલે ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેવામાં જોવાનું તે છે કે ખાલિસ્તાની આતંકવાદીના આરોપો પર પાર્ટી હવે શું જવાબ આપે છે.