સુરત શહેરમાં એક રિક્ષાચાલકે એક બાળકી સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાની ઘટના સામે આવી છે. આરોપીની ઓળખ અખ્તર તરીકે થઈ છે. પીડિતાની ઉંમર માત્ર 11 વર્ષની છે. જેને તે પોતાની રિક્ષામાં શાળાએ લેવા-મૂકવા જતો હતો અને પરત ફરતી વખતે અડપલાં કરતો હતો. એક મહિલા જોઈ જતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને ત્યારબાદ પરિવારે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના સગરામપુરા ખાતે રહેતો 42 વર્ષનો અખ્તર રઝા મુનિયાર એક ખાનગી શાળામાં રિક્ષા ચલાવે છે. ફરિયાદ છે કે છેલ્લા કેટલાક સમયથી તે પોતાની રિક્ષામાં શાળાએ આવતી 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરતો હતો. તે એક ઠેકાણે રિક્ષા થોભાવીને બાળકી સાથે ગંદી હરકતો કરતો હતો. આવું ઘણા સમયથી ચાલ્યું આવતું હોવાનું પણ જાણવા મળ્યું છે.
દરમ્યાન એક જાગૃત મહિલાને આ ઘટના ધ્યાને આવતાં તેમણે આરોપી અખ્તરની કરતૂતો પોતાના ફોનમાં કેદ કરી દીધી હતી. ત્યારબાદ આ મહિલા બાળકીની સોસાયટીમાં રહેતા અન્ય એક બાળકની મદદથી તેની માતા સુધી પહોંચી હતી. જ્યાં તેમણે બાળકીની માતાને વિડીયો બતાવીને ઘટનાની જાણ કરતાં તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. માતાએ બાળકીને હિંમત આપી પૂછપરછ કરતાં પીડિતાએ આખી ઘટના કહી સંભળાવી હતી.
સળગાવી દેવાની ધમકી આપતો હતો આરોપી
પીડિત બાળકીને વિશ્વાસમાં લઇ માતાએ પૂછપરછ કરતાં બાળકીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, અખ્તર ઘણા લાંબા સમથી તેની સાથે આ હરકત કરી રહ્યો હતો અને તેણે તેને ધમકી આપી હતી કે જો તે કોઈને આ વિશે કહેશે તો તેને જીવતી સળગાવી દેશે, જેથી બાળકીએ ડરીને કોઈને આ વિશે જણાવ્યું નહોતું. માહિતી અનુસાર, આરોપી સગરામપુરા પાસે રિક્ષા થોભાવી દેતો હતો અને બાળકી સાથે અડપલાં કરતો હતો.
જાણ થયા બાદ પીડિતાની માતાએ અથવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે અખ્તર સામે છેડતી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી.
પોર્ન જોઈને ઉત્તેજિત થતો- આરોપીની કબૂલાત
ઉલ્લેખનીય છે કે ગુનો દાખલ થતાંની સાથે જ પોલીસે આરોપી અખ્તરને દબોચી લીધો હતો. તેણે પોલીસ સામે ગુનો કબૂલી લીધો છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેને પોર્ન વિડીયો જોવાની આદત છે અને વિડીયો જોઇને તે ઉત્તેજિત થઈ જતો હતો. ઉત્તેજિત થયા બાદ તે બાળકી સાથે આ પ્રકારની હરકત કરતો હતો. પોલીસને આશંકા છે કે તેણે અન્ય બાળકીઓ સાથે પણ આ પ્રકારની હરકતો કરી હોઈ શકે છે. હાલ પોલીસે તેનો ફોન FSLમાં મોકલી આપ્યો છે અને ઘટનાની બારીકાઇથી તપાસ આદરી છે.