Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ2009માં યુપીએ શાસન દરમિયાન સંસદમાં ધરણાં-પ્રદર્શન પર લાગી હતી રોક, હવે એ...

    2009માં યુપીએ શાસન દરમિયાન સંસદમાં ધરણાં-પ્રદર્શન પર લાગી હતી રોક, હવે એ જ આદેશ પર કોંગ્રેસનો હોબાળો

    કોંગ્રેસ નેતાઓએ આ શૅર કર્યા બાદ ટ્વિટર પર યુઝરોએ તેમને યાદ અપાવ્યું હતું કે તેમના શાસન દરમિયાન પણ આ જ પ્રકારના આદેશ જારી કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    લોકસભા કાર્યાલયે સંસદની કાર્યવાહી દરમિયાન વપરાતા અસંસદીય શબ્દોની યાદી બહાર પાડ્યા બાદ વિપક્ષોને સરકારને ઘેરવાનું નવું બહાનું મળી ગયું હતું. આ વિવાદ ચાલી જ રહ્યો છે ત્યાં કોંગ્રેસે આજે નવો મુદ્દો શોધી કાઢ્યો હતો. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સંસદના એક આદેશની નકલ શૅર કરીને કટાક્ષ કર્યો હતો. જે બાદ અન્ય કોંગ્રેસ નેતાઓએ પણ આ મામલે હોબાળો મચાવ્યો હતો.

    જોકે, કોંગ્રેસ નેતાએ સંસદનો આદેશ કરીને કટાક્ષ કરતું ટ્વિટ કર્યાની થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા યુઝરોએ તેમને તેમની જ સરકારે વર્ષ 2009માં જારી કરેલા એ જ આદેશની નકલ મોકલી હતી અને સામા પ્રશ્નો કર્યા હતા. 

    14 જુલાઈએ રાજ્યસભાના સેક્રેટરી જનરલ પીસી મોદીએ એક આદેશ જારી કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ગૃહના સભ્યો સંસદ પરિસરનો ઉપયોગ કોઈ પણ પ્રકારના પ્રદર્શનો, ધરણાં, હડતાળ, અનશન કે અન્ય કોઈ ધાર્મિક ઉદ્દેશ્ય માટે કરી શકશે નહીં.’ 

    - Advertisement -

    આ આદેશની નકલ શૅર કરીને કોંગ્રેસ નેતા અને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો અને ‘વિશ્વગુરુ’ને લઈને પણ ટિપ્પણી કરી હતી. 

    જોકે, કોંગ્રેસ નેતાઓએ આ શૅર કર્યા બાદ ટ્વિટર પર યુઝરોએ તેમને યાદ અપાવ્યું હતું કે તેમના શાસન દરમિયાન પણ આ જ પ્રકારના આદેશ જારી કરવામાં આવ્યા હતા. એબીપી ન્યૂઝના પત્રકાર વિકાસ ભદૌરિયાએ એક ટ્વિટમાં જણાવ્યું કે, ‘લોકસભા સચિવાલય અનુસાર ધરણાં અને અન્ય કોઈ પણ પ્રકારના પ્રદર્શન પર રોકનો આદેશ એક રૂટિન પ્રક્રિયા છે અને આવા આદેશો સમયાંતરે લોકસભા સચિવાલય જારી કરતું રહે છે. આવો જ આદેશ 2009માં પણ જારી કરવામાં આવ્યો હતો. આ સાથે તેમણે એક આદેશની નકલ પણ શૅર કરી હતી.

    વિકાસ ભદૌરિયાએ શૅર કરેલ નકલમાં તારીખ 9 ફેબ્રુઆરી 2009ની લખવામાં આવી છે. તેમાં પણ બરાબર આ જ આદેશ લખવામાં આવ્યો છે અને સભ્યોને સંસદ પરિસરમાં કોઈ પણ પ્રકારના ધરણાં, પ્રદર્શનો કે અનશન ન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. 

    સોશિયલ મીડિયા પર જાણીતા અંકુર સિંઘે જયરામ રમેશના ટ્વિટને ક્વોટ કરીને લખ્યું કે, આ જ પ્રકારનો પરિપત્ર 2009માં પણ સંસદ દ્વારા જારી કરવામાં આવ્યો હતો. તેમણે જયરામ રમેશને પ્રશ્ન કર્યો હતો અને 2009માં ધરણાં પર પ્રતિબંધ મૂકનારી પાર્ટીનું નામ પૂછ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં સંસદે અસંસદીય શબ્દોની યાદી બહાર પાડતાં કોંગ્રેસે અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ ખૂબ હોબાળો મચાવ્યો હતો અને તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો હોવાના આરોપ લગાવ્યા હતા. જોકે, લોકસભા સાંસદે સ્પષ્ટતા કરી હતી કે આ શબ્દો બોલવા પર કોઈ પ્રતિબંધ નથી પરંતુ સંસદની કાર્યવાહી દરમિયાન કોઈ સભ્ય આવા શબ્દોનો ઉપયોગ કરે તો જે-તે અધિકારી સંદર્ભ જોઈને તેને અસંસદીય ઘોષિત કરી શકે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં