બેંક ઑફ કેનેડા અને બેંક ઑફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની (Mark Carney) કેનેડાના નવા વડાપ્રધાન (Canada’s Prime Minister) તરીકે ચૂંટાયા છે. જે હવે જસ્ટિન ટ્રુડોનું (Justin Trudeau) સ્થાન લેશે, જેમણે આ વર્ષની શરૂઆતમાં પોતાનું પદ છોડી દીધું હતું. કાર્નીને 9 માર્ચના રોજ લિબરલ પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. 59 વર્ષીય કાર્નીને 85.5% વોટ મળ્યા હતા.
માર્ક કાર્નીનો જન્મ 1965માં કેનેડાના ઉત્તરપશ્ચિમ પ્રદેશોના ફોર્ટ સ્મિથમાં થયો હતો. તેમણે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે યુનાઇટેડ કિંગડમમાંથી માસ્ટર ડિગ્રી મેળવી અને પછી 1995માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી છે. કાર્ની વિશે રસપ્રદ વાત એ છે કે તેમને રાજકારણનો કોઈ અનુભવ નથી. જોકે, અર્થશાસ્ત્રમાં તેમની કારકિર્દી શાનદાર રહી છે.
2008માં, તેમને બેંક ઑફ કેનેડાના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 2008ના નાણાકીય સંકટમાંથી કેનેડાને ઉગારવામાં કાર્નીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વર્ષ 2010માં, વિશ્વ વિખ્યાત મેગેઝિન TIMEએ તેમને વિશ્વના 25 સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક તરીકે નામ આપ્યું હતું. 2011માં, રીડર્સ ડાયજેસ્ટ કેનેડાએ તેમને ‘મોસ્ટ ટ્રસ્ટેડ કેનેડિયન’ તરીકેનો ખિતાબ આપ્યો. આ ઉપરાંત, વર્ષ 2012માં, યુરોમની મેગેઝિને તેમને ‘સેન્ટ્રલ બેંક ગવર્નર ઑફ ધ યર’ જાહેર કર્યા હતા.
2013માં, કાર્ની બેંક ઑફ ઈંગ્લેન્ડના ગવર્નર બન્યા. તેઓ આ સંસ્થાના 300 વર્ષના ઇતિહાસમાં તેનું નેતૃત્વ કરનાર પ્રથમ બિન-બ્રિટિશ નાગરિક બન્યા. 2020 સુધી તેમણે આ પદ સંભાળ્યું હતું. તાજેતરમાં તેમણે સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેટ એક્શન અને ફાઇનાન્સ પરના ખાસ દૂત જેવા મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે. તેમણે બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટમાં ટ્રાન્ઝિશન ઇન્વેસ્ટિંગનું પદ પણ સંભાળ્યું છે.
2012માં, તત્કાલીન વડા પ્રધાન સ્ટીફન હાર્પર દ્વારા તેમને નાણામંત્રી બનવાની તક આપવામાં આવી હતી. પરંતુ તેમણે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. ત્યારે હવે કાર્નીને લિબરલ પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેમને કુલ મતના 85.5 ટકા મત મળ્યા છે. તેમની સાથે આ રેસમાં ક્રિસ્ટીયા ફ્રીલેન્ડ, કરીના ગૌલ્ડ અને ફ્રેંક બેયલીસ હતા. જોકે આ બધામાંથી સૌથી વધુ મત કાર્નીને મળ્યા છે.
Thank you to all of our amazing candidates for an incredible race that brought Liberals across the country together. pic.twitter.com/uPuTxv2vyz
— Liberal Party (@liberal_party) March 9, 2025
નોંધનીય છે કે માર્ક કાર્નીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ એટલી પસંદ નથી. તેમણે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય ઘોષિત કરવાના ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ‘હાસ્યપદ’ અને ‘અપમાનજનક’ ગણાવ્યું હતું.
જોકે તેમના આવ્યા પછી કેનેડાના ભારત સાથેના સંબંધો સુધરી શકે છે, જે જસ્ટિનના સમયમાં ખરાબ થયા હતા. ઉલ્લેખનીય છે કે કાર્ની એ જ વ્યક્તિ છે જેમણે તાજેતરમાં કહ્યું હતું કે ભારત સાથેના સંબંધો ફરીથી મજબૂત કરવા જોઈએ.