Wednesday, April 1, 2026
More
    હોમપેજદુનિયાકોણ છે એશલી ટેલિસ, જેમની અમેરિકામાં ગોપનીય દસ્તાવેજોની હેરફેર બદલ થઈ ધરપકડ:...

    કોણ છે એશલી ટેલિસ, જેમની અમેરિકામાં ગોપનીય દસ્તાવેજોની હેરફેર બદલ થઈ ધરપકડ: ભારત વિશેનો મત, સોરોસ ફંડેડ સંસ્થાઓ સાથે જોડાણ, ચીની પ્રોપગેન્ડા અને અન્ય વિગતો

    ભારતના લેફ્ટ-લિબરલ મીડિયા વર્તુળમાં પણ ટેલિસ સારું એવું ચર્ચિત નામ છે. ચીની ફન્ડિંગના જેની ઉપર આરોપ લાગ્યા છે એ ‘ન્યૂઝક્લિક’થી માંડીને ધ વાયર સુધીનાં પોર્ટલો સતત તેમને સ્થાન આપતાં રહ્યાં છે. ‘ધ વાયર’ માટે કરણ થાપરના એક ઇન્ટરવ્યુમાં પણ ટેલિસ જોવા મળે છે.

    - Advertisement -

    અમેરિકાના વિદેશ વિભાગે ભારત મૂળના ફોરેન્સ પોલિસી, ડિફેન્સ એક્સપર્ટ અને ત્યાંની સરકારના સલાહકાર એશલી ટેલિસની ધરપકડ કરી છે. તેમની ઉપર આરોપ એવો છે કે તેમણે સરકારી કચેરીમાંથી રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અમુક ગોપનીય અને ગુપ્ત દસ્તાવેજોની હેરફેર કરી હતી. ઉપરાંત તેમની ઉપર ચીની અધિકારીઓ સાથે મુલાકાત અને સાંઠગાંઠના પણ આરોપ છે. 11 ઑક્ટોબરના રોજ FBIએ તેમના વિયેના સ્થિત ઘરે દરોડા પાડીને અટકાયત કરી હતી. સોમવારે એશલી ટેલિસ ઉપર વિધિવત આરોપો લગાવીને ધરપકડ કરવામાં આવી.

    ટેલિસનો જન્મ ભારતમાં થયો હતો પણ હાલ તેઓ અમેરિકાના નાગરિક છે. વિદેશ વિભાગમાં સલાહકાર તરીકે કામ કર્યું છે, પણ જોકે વેતન કોઈ અપાતું ન હતું. અમેરિકાના રક્ષા વિભાગના એક કાર્યાલય ઑફિસ ઑફ નેટ એસેસમેન્ટમાં પણ કોન્ટ્રાક્ટ પર કામ કરી ચૂક્યા છે. તેમની પાસે ટોપ સિક્રેટ સ્તરનું એક્સેસ હતું, એટલે સંવેદનશીલ માહિતી, દસ્તાવેજો સુધી પૂરતી પહોંચ હતી.

    ટેલિસના ઘરે દરોડા પાડવામાં આવ્યા તો ‘ટોપ સિક્રેટ’ અને ‘સિક્રેટ લેવલ’નાં માર્કિંગવાળાં ઢગલેબંધ ડોક્યુમેન્ટ મળી આવ્યાં. પાનાં લગભગ હજારેક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    કેવી રીતે કરી હતી ગોપનીય દસ્તાવેજોની હેરફેર?

    FBIના રિપોર્ટ અનુસાર, ટેલિસે 2001માં અમેરિકાની સરકાર સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ અમુક સંવેદનશીલ માહિતી ક્યાંય સાર્વજનિક કરી શકે તેમ નથી. પરંતુ આરોપ છે કે તેમણે આ કરારનું ઉલ્લંઘન કરીને અમુક દસ્તાવેજો સુરક્ષિત સ્થળેથી ખસેડ્યા હતા, જે અમેરિકાના નિયમો અનુસાર કાયદાથી વિપરીત છે.

    12 સપ્ટેમ્બર 2025ના રોજ વર્જિનિયામાં એક સરકારી કચેરીના સીસીટીવી કેમેરામાં એશલી ટેલિસ જોવા મળે છે. અહીં તેમણે એક સહકર્મી પાસે અમુક ગોપનીય દસ્તાવેજો પ્રિન્ટ કરાવ્યા. પછીથી આ જ દસ્તાવેજો ‘ટોપ સિક્રેટ’ના માર્કિંગ સાથે તેમના નામવાળા એક ફોલ્ડરમાં મળી આવ્યા હતા.

    25 સપ્ટેમ્બરના રોજ તેમણે વિદેશ વિભાગની ‘ક્લાસનેટ’ સિસ્ટમમાં લૉગ ઇન કર્યું હતું, જ્યાંથી તેમણે અમેરિકી વાયુસેનાની રણનીતિઓ પર આધારિત 1200થી વધુ પાનાંનો દસ્તાવેજ ખોલીને અમુક ભાગ પ્રિન્ટ કર્યા હતા. તેમણે ફાઇલનું નામ બદલીને ‘ઇકોન રિફોર્મ’ રાખી દીધું હોવાનું અને પછીથી ફાઇલ ડિલીટ કરી દીધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે આ રીતે તેમણે ઘણા દસ્તાવેજો પ્રિન્ટ કરીને બ્રીફકેસમાં ઘરે ટ્રાન્સફર કર્યા હતા. અમુક પછીથી તેમના ઘરે ડેસ્ક પર, ભોંયતળિયામાં અને અમુક કચરાપેટીમાંથી મળી આવ્યા હોવાનું FBIનું કહેવું છે.

    આરોપો અનુસાર, 10 ઑક્ટોબરના રોજ એટલે કે ધરપકડના આગલા દિવસે એશલી ટેલિસ વર્જિનિયાના માર્ક સેન્ટરમાં હતા. સવારે લગભગ 10 વાગ્યે બ્રીફકેસ સાથે પહોંચ્યા અને એ જ ઑફિસમાં ગયા, જેની 12 સપ્ટેમ્બરના રોજ મુલાકાત લીધી હતી. CCTV ફૂટેજ અનુસાર, તેમણે પોતાના નામવાળા ફોલ્ડરમાંથી અમુક ડોક્યુમેન્ટ લીધાં, પ્રેઝન્ટેશન જેવી ફાઇલ ડેસ્ક પર મૂકી અને દસ્તાવેજોને નોટપેડ વચ્ચે સંતાડી દીધા. ત્યારબાદ આ ચીજો બ્રીફકેસમાં લઈને ઑફિસમાંથી રવાના થઈ ગયા. બીજા દિવસે તેમની ધરપકડ કરી લેવામાં આવી.

    ચીન સાથેના સંબંધો પર શું આરોપ?

    FBI અનુસાર, ટેલિસે 2022થી 2025 વચ્ચે અનેક વખત ચીની અધિકારીઓ સાથે મુલાકાતો કરી હતી. સપ્ટેમ્બર 2022માં તેમણે વર્જિનિયામાંની એક રેસ્ટ્રોમાં ચીની અધિકારીઓ સાથે મુલાકાત કરી. હોવાનું કહેવાય છે. તે સમયે તેમની પાસે એક કવર હતું અને દાવો છે કે તે ચીનીઓને સોંપવામાં આવ્યું હતું. બદલામાં ચીનીઓએ ટેલિસને અમુક ભેટ આપી હતી.

    એપ્રિલ 2023 અને માર્ચ 2024માં થયેલી બેઠકોમાં તેમણે ચીની અધિકારીઓ સાથે ઈરાન-ચીન વચ્ચેના સંબંધો, AI અને અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર ચર્ચા કરી હોવાનું કહેવાય છે. 2 સપ્ટેમ્બર 2025ના રોજ પણ તેઓ ચીની અધિકારીઓને મળ્યા હોવાના અને એક લાલ બેગ ગિફ્ટમાં સ્વીકારવાના આરોપ છે.

    કારકિર્દી, વ્યવસાયિક પૃષ્ઠભૂમિ

    એશલી ટેલિસ વૉશિંગ્ટન સ્થિત કાર્નેગી એન્ડોવમેન્ટ ફૉર ઇન્ટરનેશનલ પીસમાં ટાટા ચેર ફોર સ્ટ્રેટેજિક અફેર્સ તરીકે કામ કરતા હતા. આ સંસ્થા જ્યૉર્જ સોરોસની ઓપન સોસાયટી ફાઉન્ડેશન પાસેથી ફન્ડિંગ મેળવે છે. 2024માં તેમને ત્રણ મિલિયન ડૉલરનું ફંડ મળ્યું હતું. જ્યૉર્જ સોરોસને ભારતની મોદી સરકાર સાથે બાપે માર્યા વેર છે એ હવે જગજાહેર છે. તેઓ જાહેરમાં મોદી સરકાર હટાવવાની અને તેના માટે પૈસા નાખવાની વાતો કરી ચૂક્યા છે.  

    જ્યૉર્જ બુશ સરકારમાં ટેલિસે સલાહકાર તરીકે પણ કામ કર્યું છે અને ભારત-અમેરિકા પરમાણુ સમજૂતી વખતે અગત્યની ભૂમિકા નિભાવી હતી. તેઓ યુએસ આર્મી વૉર કોલેજના સ્ટ્રેટેજિક ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ ડાયરેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

    નોન-પ્રૉફિટ ગ્લોબલ પોલિસી થિંક ટેન્ક RAND કોર્પોરેશન સાથે પણ તેમનું જોડાણ જાણીતું છે. જેની સાથે તેમણે અમેરિકી સરકારમાં આવ્યા પહેલાં કામ કર્યું હતું. તેઓ ત્યાં સિનિયર પોલિસી એનાલિસ્ટ હતા, જે સંસ્થાને પણ સોરોસના ફાઉન્ડેશન તરફથી ફન્ડિંગ મળે છે.

    ભારતના લેફ્ટ-લિબરલ મીડિયા વર્તુળમાં પણ ટેલિસ સારું એવું ચર્ચિત નામ છે. ચીની ફન્ડિંગના જેની ઉપર આરોપ લાગ્યા છે એ ‘ન્યૂઝક્લિક’થી માંડીને ધ વાયર સુધીનાં પોર્ટલો સતત તેમને સ્થાન આપતાં રહ્યાં છે. ‘ધ વાયર’ માટે કરણ થાપરના એક ઇન્ટરવ્યુમાં પણ ટેલિસ જોવા મળે છે.

    ભારત વિશેના વિચારો

    પોતાના લેખો અને ઇન્ટરવ્યુમાં ટેલિસે ભારતની મોદી સરકારને ભાંડવાની એક તક છોડી નથી. કાયમ ભારતના સાર્વભૌમત્વને નીચું બતાવીને તેણે ચીનને કાઉન્ટર બેલેન્સ કરવા માટે અમેરિકા સાથે ‘જુનિયર પાર્ટનર’ તરીકે કામ કરવું જોઈએ એવી વકાલત કરતા રહે છે. ફોરેન અફેર્સ મેગેઝિનમાં ટેલિસે ભારતવિરોધી લેખો ખૂબ લખ્યા છે. ‘ઇન્ડિયાઝ ગ્રેટ પાવર ડિલ્યુઝન્સ’માં તેઓ લખે છે કે ભારતની બહુધ્રુવીય અને રણનીતિક સંપ્રભુતા ન તો અસરકારક છે કે ન તેનું કોઈ વાસ્તવિક મૂલ્ય છે.

    તેમનાં લખાણોમાં ચીન પ્રત્યેનો લગાવ પણ સ્પષ્ટ જોવા મળે છે. એક લેખમાં તેમણે પહલગામ હુમલા બાદ ભારતે હાથ ધરેલા ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના દાવાઓને હવા આપી હતી અને ચીનની ડિફેન્સ સિસ્ટમની મદદથી પાકિસ્તાને ભારતનાં જેટ તોડી પાડ્યાં હોવાનું તૂત ચલાવ્યું હતું.

    જૂનમાં પ્રકાશિત એક લેખમાં તેઓ લખે છે કે, “ભારત પાસે આર્થિક શક્તિ આવી છે, પણ ચીન સાથે હજુ સ્પર્ધા કરી શકે તેમ નથી. અમેરિકા સાથે સ્પર્ધા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ભારત ક્યારેય સુપરપાવર બની શકે નહીં. સૈન્યની દૃષ્ટિએ પણ તે દક્ષિણ એશિયામાં શક્તિશાળી હશે, પણ પ્રતિદ્વંદીઓ સામે પ્રચંડ શક્તિ નથી.  મેમાં પાકિસ્તાને ચીની ડિફેન્સ સિસ્ટમની મદદથી ભારતનાં એરક્રાફ્ટ તોડી પાડ્યાં હતાં.“

    તેમણે હિંદુ રાષ્ટ્રવાદ પર પણ જ્ઞાન આપ્યું હતું અને નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે હવે દેશમાં ‘લિબરલ ડેમોક્રેસી’ જેવું રહ્યું નથી.

    ટેલિસની ધરપકડ બાદ હવે આ તમામ બાબતો ફરી ચર્ચામાં છે. આગળ તપાસ ચાલે તેમ વધુ ઘટસ્ફોટ થવાની સંભાવના છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં