જિઓપોલિટિક્સમાં ઘણી વાર અમુક દેશો પોતાની હેસિયતને ટપી જતા હોય છે અને આવો જ એક દેશ છે પાકિસ્તાન. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને પોતાને એક ‘મધ્યસ્થ’ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો, જાણે કે તે પ્રાદેશિક સ્થિરતાનો કોઈ મોટો સ્તંભ હોય. ઇસ્લામાબાદમાં વાતચીત આયોજિત કરીને તેણે એ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે તે માત્ર અમેરિકાનો વિશ્વસનીય સાથી જ નથી, પરંતુ ઇસ્લામી દુનિયામાં પણ તેની સ્વીકાર્યતા છે. પરંતુ જ્યારે વાટાઘાટો કોઈ નક્કર પરિણામ વગર સમાપ્ત થઈ ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે પાકિસ્તાન ન તો કોઈ પક્ષને સંતુષ્ટ કરી શક્યું અને ન તો પોતાની કૂટનીતિક મહત્વાકાંક્ષાઓને જમીન પર ઉતારી શક્યું.
વાસ્તવમાં આ આખી કવાયદ શરૂઆતથી જ એક મજબૂરી હતી, ન કે કોઈ વ્યૂહાત્મક તાકાત. પાકિસ્તાને સાઉદી આરબ સાથે જે સંરક્ષણ સમજૂતી કરી છે, તેણે તેને એવી સ્થિતિમાં મૂકી દીધું છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ યુદ્ધમાં બદલાય તો તેને અનિવાર્યપણે એક પક્ષ લેવો પડે. આવી સ્થિતિમાં ‘મધ્યસ્થતા’નો આ પ્રયાસ વાસ્તવમાં એક બચાવનો રસ્તો હતો, એવો પ્રયાસ જેનાથી તે પોતાને સંભવિત ટકરાવથી દૂર રાખી શકે. પરંતુ વિરોધાભાસ જુઓ કે જે પ્રયાસથી તે સંકટને ટાળવા માંગતું હતું, તે જ હવે તેના માટે એક નવા સંકટનું કારણ બનતો દેખાઈ રહ્યો છે.
મધ્યસ્થતા નહીં, મજબૂરી: સાઉદી સમજૂતીથી બંધાયેલું પાકિસ્તાન
પાકિસ્તાનની સ્થિતિને સમજવા માટે તેની સાઉદી આરબ સાથે થયેલી સંરક્ષણ સમજૂતીને જોવી જરૂરી છે. આ સમજૂતી હેઠળ જો સાઉદી આરબ પર સંકટ આવે તો પાકિસ્તાનને તેની રક્ષા કરવી અનિવાર્ય છે. ઈરાન તો ઘણા સમયથી સાઉદી પર મિસાઈલ-ડ્રોન છોડી રહ્યું છે. તેવામાં પાકિસ્તાને પહેલેથી જ સાઉદી આરબમાં સૈન્ય ખડકી દીધું છે, જેમાં લડાકૂ વિમાન અને સૈનિકો સામેલ છે. તેનો અર્થ એ છે કે જો વિસ્તારમાં કોઈ મોટો સંઘર્ષ થાય તો પાકિસ્તાનને સાઉદી આરબની રક્ષા માટે સીધું યુદ્ધમાં ઉતરવું પડી શકે છે.
આ જ તે બિંદુ છે જ્યાં પાકિસ્તાનની ‘મધ્યસ્થતા’ની વાસ્તવિકતા સામે આવે છે. આ કોઈ શાંતિ સ્થાપિત કરવાનો નૈતિક પ્રયાસ નહોતો, પરંતુ એક એવી મજબૂરી હતી જેમાં પાકિસ્તાન કોઈપણ ભોગે ટકરાવને ટાળવા માંગતું હતું. કારણ કે જો યુદ્ધ થાય તો તેને ન માત્ર સાઉદી આરબ સાથે ઊભા રહેવું પડે, પરંતુ અમેરિકાના દબાણનો પણ સામનો કરવો પડે અને અહીંથી જ તે સ્થિતિ શરૂ થાય છે જેને સરળ ભાષામાં કહીએ તો એક તરફ ખીણ અને બીજી તરફ કૂવો.
અમેરિકી દબાણ અને બલૂચિસ્તાન સંકટ
જો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધે તો એ લગભગ નક્કી છે કે અમેરિકા સૈન્ય વિકલ્પો તરફ આગળ વધશે. આવી સ્થિતિમાં પાકિસ્તાન પર દબાણ લાવવામાં આવી શકે છે કે તે પોતાના હવાઈ અડ્ડાઓ, ખાસ કરીને બલૂચિસ્તાન વિસ્તારના એરબેઝ અમેરિકી કાર્યવાહી માટે ઉપલબ્ધ કરાવે.
આ સ્થિતિ પાકિસ્તાન માટે અત્યંત જોખમી છે. જો તે અમેરિકાને આ સુવિધા આપે તો ઈરાન તેને યુદ્ધમાં હસ્તક્ષેપ ગણશે અને પાકિસ્તાનને પકડી-પકડીને મારશે. ઈરાને પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જે પણ દેશ તેની ભૂમિ વિરુદ્ધ અમેરિકી કાર્યવાહી માટે પોતાના સંસાધનો ઉપલબ્ધ કરાવશે તે તેના ટાર્ગેટ પર આવશે. તેનો સીધો અર્થ એ છે કે પાકિસ્તાને ઈરાની મિસાઈલો અને ડ્રોન હુમલાઓનો સામનો કરવો પડી શકે છે.
બીજી તરફ જો પાકિસ્તાન અમેરિકાને ના પાડશે તો તે પોતાના સૌથી મોટા આર્થિક અને સૈન્ય સહયોગીને નારાજ કરશે. આવી સ્થિતિમાં તેની અર્થવ્યવસ્થા, જે પહેલેથી જ કંગાળ છે તે વધુ દબાણમાં આવી શકે છે. એટલે કે પાકિસ્તાન પાસે કોઈપણ વિકલ્પ સુરક્ષિત નથી, દરેક રસ્તો તેને તેના વિનાશ તરફ લઈ જઈ રહ્યો છે.
આંતરિક વિસ્ફોટનું જોખમ
પાકિસ્તાનની સમસ્યા માત્ર બાહ્ય નથી, પરંતુ આંતરિક સ્તરે પણ તે અત્યંત સંવેદનશીલ સ્થિતિમાં છે. પાકિસ્તાનમાં વિશ્વની બીજી સૌથી મોટી શિયા વસ્તી વસે છે. જો પાકિસ્તાન કોઈપણ રીતે ઈરાન વિરુદ્ધ ઊભું રહેશે તો તે તેની અંદર સાંપ્રદાયિક તણાવને ભડકાવી શકે છે.
આવી સ્થિતિમાં મોટાપાયે હિંસા, વિરોધ પ્રદર્શનો અને ત્યાં સુધી કે ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિઓ ઉદ્ભવી શકે છે. પાકિસ્તાન પહેલેથી જ આંતરિક અસ્થિરતા, આર્થિક સંકટ અને આતંકીઓને પાળીને હવે તેની સામે જ ઝઝૂમી રહ્યું છે. આવી સ્થિતિમાં એક વધુ મોરચો ખુલવો તેના માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. એટલે કે બહાર યુદ્ધનું જોખમ છે તો અંદર વિસ્ફોટની પૂરી આશંકા છે. આ તે જ ‘નાઈટમેર’ છે, જેનાથી બચવા માટે પાકિસ્તાન મધ્યસ્થતાનું નાટક કરી રહ્યું હતું.
તે સિવાય ઈરાન અને પાકિસ્તાન વચ્ચે આશરે 900 કિલોમીટર લાંબી સરહદ છે, જે પહેલેથી જ સંવેદનશીલ માનવામાં આવે છે. જો વિસ્તારમાં તણાવ વધશે તો આ વિસ્તાર તરત જ એક ‘હોટ ઝોન’માં બદલાઈ શકે છે. જૈશ-ઉલ-અદલ જેવા આતંકી સંગઠનો આ સ્થિતિનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે, જેનાથી બંને દેશો વચ્ચે અવિશ્વાસ અને સંઘર્ષ વધુ વધશે.
સરહદ પર ઝડપો, વેપારનું ઠપ થવું અને શરણાર્થીઓનું મોટાપાયે સ્થળાંતર, આ તમામ પરિબળો પાકિસ્તાનની આર્થિક અને સામાજિક સ્થિતિને વધુ કફોડી કરી શકે છે. બલૂચિસ્તાન જેવા હંમેશા અવગણાયેલા અને અવિકસિત વિસ્તારોમાં આ સ્થિતિ વધુ વિનાશકારી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત હમણાં અફઘાનિસ્તાન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે અને જો તેમાં ઈરાન-અમેરિકાનો મામલો આવે અને એમાંય જો BLAના લડવૈયાઓ પણ મોરચો ખોલી દે તો પાકિસ્તાનનો લગભગ વિનાશ થઈ શકે છે.
ભારતે કેમ ન કરી યુદ્ધવિરામ માટેની પહેલ?
આ આખા ઘટનાક્રમ વચ્ચે ભારતનું વલણ પણ ઉલ્લેખનીય છે. ભારતે ન તો આવી કોઈ મધ્યસ્થતામાં કૂદી પડવાનો પ્રયાસ કર્યો અને ન તો પોતાને આ સંકટમાં અનાવશ્યક રીતે સામેલ કર્યું. ભારત માટે પ્રાથમિકતા સ્પષ્ટ છે– પોતાના નાગરિકોની સુરક્ષા, ઊર્જા પુરવઠાની સ્થિરતા અને લાંબાગાળાના વ્યૂહાત્મક હિતો. આ જ કારણ છે કે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર ખાડી દેશો સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો છે અને ઊર્જા સુરક્ષાને લઈને સક્રિય કૂટનીતિ અપનાવી રહ્યા છે.
રસપ્રદ વાત એ છે કે ભારતની અંદર બેઠેલા કેટલાક પાકિસ્તાન-પ્રેમી અબ્દુલોએ આ સમયે રટણ શરૂ કર્યું હતું કે ભારતે મધ્યસ્થતા કેમ ન કરી. લેફ્ટ-લિબરલ ટોળકી તો પાકિસ્તાન સાથે ભારતની તુલના કરવા લાગી હતી અને કહેવા લાગી હતી કે ખરું ‘વિશ્વગુરુ તો ઈરાન અને પાકિસ્તાન છે’, પરંતુ આજે જ્યારે પાકિસ્તાનની સ્થિતિ સામે આવી છે ત્યારે સ્પષ્ટ થઈ જાય છે કે ભારતે જે સંયમ દર્શાવ્યો તે વાસ્તવમાં દૂરદર્શિતા હતી.
અને બીજી વાત એ કે ભારતને ખબર હતી કે પાકિસ્તાન જે રાહ પર ચાલી રહ્યું છે તે રાહ આખરે તો શૂન્ય જ રહેશે અને તેનું કોઈ પરિણામ પણ નહીં આવે. ન માત્ર યુદ્ધ જેવી સ્થિતિમાં, પણ દરેક તબક્કે ભારત કોઈપણ આંતરરાષ્ટ્રીય વિવાદમાં ઉપરાણું લેવાનો શોખ નથી ધરાવતું અને ન તો સરપંચ કે ચૌધરી થવાનો પ્રયાસ કરે છે. મોદી સરકાર હેઠળ ભારત હંમેશા સંયમ સાથે કામ કરતું આવ્યું છે અને પોતાનું કામ કઢાવતું આવ્યું છે. ભારત માટે દેશના નાગરિકોના હિતો સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એટલા માટે જ હાલ વિદેશ મંત્રી એસ. જયશંકર ઉર્જા સુરક્ષાને સ્થિર કરવા માટે ખાડી દેશોની યાત્રા પર નીકળી ચૂક્યા છે.
પોતાની જ જાળમાં ફસાયેલું પાકિસ્તાન
પાકિસ્તાને મોટા ઉપાડે પોતાને અમેરિકા અને ઈરાન વચ્ચે એક ‘મધ્યસ્થ’ તરીકે રજૂ કર્યું હતું, તે જ હવે તેની સૌથી મોટી નિષ્ફળતા બની ગયું છે. તે ન તો કોઈ સમજૂતીને સફળ બનાવી શક્યું અને ન તો પોતાને આ સંકટથી દૂર રાખી શક્યું. આજે તેની સ્થિતિ પેલી પંચતંત્રની વાર્તાના ગધેડા જેવી થઈ ગઈ છે, પાકિસ્તાન નામનો આ ગધેડો ન ઘરનો રહ્યો કે ન ઘાટનો. અમેરિકાને ખુશ કરે તો ઈરાન નારાજ, ઈરાન સાથે દૂરી રાખે તો અમેરિકાનું દબાણ અને દેશની અંદરનો શિયા સમુદાય નારાજ અને જો કોઈ એક પક્ષ સાથે ઊભું રહે તો અંદર ગૃહયુદ્ધનું જોખમ.
આ આખી સ્થિતિ માત્ર એક નિષ્ફળ કૂટનીતિક પ્રયાસ નથી, પરંતુ પાકિસ્તાનની વર્ષોથી ચાલતી નીતિઓનું પરિણામ છે, જ્યાં તેણે દરેક સાથે સંતુલન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ સાથે સ્થિર સંબંધ બનાવી શક્યું નહીં અને આ જ કારણ છે કે આજે જ્યારે પ્રાદેશિક સમસ્યા વધતી જાય છે ત્યારે પાકિસ્તાન પોતાને એવા વળાંક પર ઊભું જુએ છે જ્યાં દરેક રસ્તો સંકટ તરફ જાય છે અને કદાચ આ જ તેનો સૌથી મોટો ભૂ-રાજકીય વિરોધાભાસ છે.
બીજી તરફ ભારત શાંતિથી પોતાનું કામ કરી રહ્યું છે, દેશને સ્થિર રાખી રહ્યું છે અને સતત વિકાસ કરી રહ્યું છે. ઘણા સમય પહેલાં વડા પ્રધાન મોદીએ જાહેરમાં કહ્યું હતું કે ભારત સરકાર દુનિયાને સારું લગાડવા માટે કે દુનિયાને ખુશ કરવા માટે કામ નથી કરતી. ભારત સરકાર માત્ર ભારતીયોના કલ્યાણ અને તેની સુરક્ષા, સમૃદ્ધિ માટે કામ કરે છે. આ જ કારણ છે કે ભારતે આવાં ઉપરાણાં લીધા વગર દેશની સ્થિતિને સ્થિર રાખવા જેવાં કાર્યોને પ્રાથમિકતા આપી છે.


