Tuesday, October 8, 2024
More
    હોમપેજદુનિયા‘એવું એકેય સ્થાન નથી, જ્યાં અમે ન પહોંચી શકીએ’: હિઝબુલ્લાહ ચીફ નસરલ્લાહને...

    ‘એવું એકેય સ્થાન નથી, જ્યાં અમે ન પહોંચી શકીએ’: હિઝબુલ્લાહ ચીફ નસરલ્લાહને ઠેકાણે પાડ્યા બાદ હવે ઈઝરાયેલી PM નેતન્યાહુની ઈરાનને ચેતવણી

    ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખુમૈનીને સુરક્ષિત સ્થાને સંતાડી દેવામાં આવ્યા છે. ત્યારે આ કાર્યવાહી બાદ ઇઝરાયેલના PM બેંજામિન નેતન્યાહુએ 'અયાતુલ્લા શાસન'ને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી જ આપી છે.

    - Advertisement -

    તાજેતરમાં જ ઈઝરાયેલની સેનાએ લેબનાન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહને મારી નાંખીને આતંકના આખા એક અધ્યાયનો અંત આણ્યો. આ કાર્યવાહીથી મધ્ય-પૂર્વમાં ડરનો માહોલ છે. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખુમૈનીને સુરક્ષિત સ્થાને સંતાડી દેવામાં આવ્યા છે. પણ ઈઝરાયેલ કોઈને બક્ષવા માંગતું હોય તેમ જણાય રહ્યું નથી. નસરલ્લાહને માર્યા બાદ ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ ઈરાનના ‘અયાતુલ્લાહ શાસન’ને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી જ આપી છે.

    ઈઝરાયેલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ બેરુતમાં કરવામાં આવેલી એર સ્ટ્રાઈક અને હિઝબુલ્લાહ ચીફ નસરલ્લાહને ધૂળ ભેગો કરી દીધા બાદ ઈરાનમાં મચેલી અફરાતફરીને લઈને, તેમાં પણ ખાસ ત્યાંના સુપ્રીમ લીડરના સુરક્ષિત સ્થળે આશરો લેવાના અહેવાલો બાદ આપેલી ચેતવણીમાં કહ્યું હતું કે, “ઈરાન કે પછી મધ્ય પૂર્વમાં એવું એક પણ સ્થળ નથી, જ્યાં ઈઝરાયેલનો હાથ ન પહોંચી શકે.” તેમણે પોતાના સંબોધનમાં જાહેર કર્યું હતું કે હિઝબુલ્લાહ ચીફ નસરલ્લાહને ખતમ કરવાના ઑપરેશનના આદેશ તેમણે જ આપ્યા હતા.

    ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહુએ ‘અયાતુલ્લાહ શાસન’ને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો તેહરાન (ઈરાનની રાજધાની) યહૂદી દેશ વિરુદ્ધ કોઈ પણ કાવતરું કરશે કે તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તો ઈઝરાયેલ તેનો જડબાતોડ જવાબ આપશે. તેમણે નામ લઈને કહ્યું કે, “હું અયાતુલ્લાહની સરકારને કહી રહ્યો છું, જેણે પણ અમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, અમે તેમની સામે લડ્યા છીએ.” આટલું જ નહીં, પીએમ નેતન્યાહુએ હિઝબુલ્લાહ વિરુદ્ધની કાર્યવાહી અને સફળતાને ઈઝરાયેલની સૈન્ય રણનીતિની એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ ગણાવી હતી. તેમણે આ ઑપરેશનને મહત્વનું ગણાવીને કહ્યું હતું કે તેના સફળ થવાથી ઉત્તરી સીમાઓ પર સુરક્ષા વધારવામાં મદદ મળશે.

    - Advertisement -

    અહીં નોંધવા જેવી બાબત એ છે કે લેબનાનમાં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહને ઈરાનનું પૂરેપૂરું સમર્થન પ્રાપ્ત હતું. એક રીતે કહી શકાય કે ઈઝરાયેલ સામે દુશ્મન ઉભો કરવા માટે હિઝબુલ્લાહની રચના જ ઈરાને કરી હતી.

    હિઝબુલ્લાહ ચીફ નસરલ્લાહને ખતમ કરવો શા માટે જરૂરી હતો?

    વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પોતાના વક્તવ્યમાં એમ પણ જણાવ્યું કે શા માટે હિઝબુલ્લાહ ચીફ નસરલ્લાહને ખતમ કરવો જરૂરી હતો. તેમણે માહિતી આપી હતી કે 1980માં થયેલા હાઈ-પ્રોફાઈલ બૉમ્બ વિસ્ફોટ પાછળ નસરલ્લાહ જ માસ્ટરમાઈન્ડ હતો. તેમણે કહ્યું કે તે સેંકડો ઈઝરાયેલી અને વિદેશી નાગરિકોના મોતનો જવાબદાર હતો. આગળ ઉમેર્યું કે, “નસરલ્લાહની હત્યા કરીને અમે તે લોકોનો હિસાબ ચૂકતે કરી દીધો છે, જે સેંકડો અમેરિકન, ફાંસ અને ઈઝરાયેલના લોકોના મોતનો જવાબદાર છે.”

    તેમણે કહ્યું કે નસરલ્લાહને ખતમ કરવાથી જે લોકો ઈઝરાયેલથી પલાયન કરી ગયા છે, જેઓ સીમાડા પર વસતા હતા અને પોતાના ઘર છોડીને ડરથી ભાગી ગયા હતા, તેમને પરત લાવવામાં મદદ મળશે. એટલું જ નહીં, તેમણે આ ઉપલબ્ધી પર એમ પણ જણાવ્યું કે નસરલ્લાહની મોતથી ગાઝામાં હિઝબુલ્લાહના સમર્થક હમાસને નબળું પાડવામાં મદદ મળશે. પોતાના વક્તવ્યના અંતિમ ભાગમાં તેમણે ઈઝરાયેલના વર્તમાન સમયને ‘ઐતિહાસિક વળાંક’ કહ્યો હતો. તેમણે ઈઝરાયેલના નાગરિકોને દુશ્મનોને ધૂળમાં મેળવવા અને તેમના પોતાના લોકોના પુનઃનિવાસની તેમની પ્રતિબદ્ધતા ફરી યાદ અપાવી અને કહ્યું કે, “અમે તેમને એક ક્ષણ પણ નથી ભૂલ્યા જેમણે પોતાનું સર્વસ્વ મૂકીને જવું પડ્યું.”

    ઈરાનના સુપ્રીમ લીડર બદલો લેવાનું કહીને સંતાઈ ગયા

    નોંધવું જોઈએ કે ઈઝરાયેલની કાર્યવાહી બાદથી જ મધ્ય-પૂર્વમાં ‘ડરનો માહોલ’ જોવા મળી રહ્યો છે. રોયટર્સે આપેલા એક અહેવાલ અનુસાર, ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખુમૈનીએ સુરક્ષિત સ્થાને આશરો લઈ લીધો છે. તેમણે જે જગ્યાએ આશરો લીધો છે ત્યાં સુરક્ષા ખૂબ જ વધારી દેવામાં આવી છે. માત્ર ઈરાનના સુપ્રીમ લીડરે સુરક્ષિત જગ્યા નથી શોધી, પરંતુ અન્ય નેતાઓ પણ સુરક્ષિત સ્થાનો શોધીને આશરો લઈ રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે.

    ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખુમૈનીએ તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે તેઓ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના ચીફ નસરલ્લાહની મોતનો બદલો લેશે. તેમને તેની મોત પર ઈરાનમાં 5 દિવસનો શોક પાળવાની ઘોષણા પણ કરી છે. જોકે તે પોતે હાલ કોઈ સુરક્ષિત સ્થાન પર સંતાઈ ગયા છે. ત્યારે તેમની ક્રિયા તેમની પ્રતિક્રિયાઓ સાથે મેળ ન ખાતી હોવાનું નજરે પડી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં