Wednesday, April 1, 2026
More
    હોમપેજદુનિયાડ્રગ કાર્ટેલ્સનો આતંક, ભ્રષ્ટાચાર, વામપંથી સરકાર વિરુદ્ધ આક્રોશ: મેક્સિકોમાં મેયરની હત્યા બાદ...

    ડ્રગ કાર્ટેલ્સનો આતંક, ભ્રષ્ટાચાર, વામપંથી સરકાર વિરુદ્ધ આક્રોશ: મેક્સિકોમાં મેયરની હત્યા બાદ રસ્તા પર કેમ ઉતર્યા Gen-Z?

    મેક્સિકોમાં આ પ્રદર્શનનું મુખ્ય કારણ દેશમાં વધતો ભ્રષ્ટાચાર, જાહેરમાં થતી હત્યાઓ અને ન્યાય વ્યવસ્થાની ઉણપ છે. મેયરની હત્યા બાદ વિરોધ વધુ તીવ્ર બન્યો હતો. જેન-ઝીએ આ ઘટનાને સરકારની નિષ્ફળતા ગણાવી અને તેની સામે અવાજ ઉઠાવ્યો.

    - Advertisement -

    ઉત્તરી અમેરિકાનો દેશ મેક્સિકો આ દિવસોમાં ફરી એક વખત વૈશ્વિક મીડિયાની હેડલાઇનોમાં આવ્યો છે અને આ વખતે કારણ છે જેન-ઝીના પ્રદર્શનો. એક મેયરની હત્યા બાદ ભડકેલા યુવાનો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર વિરુદ્ધ મોરચો ખોલીને બેઠા છે. શનિવારે (15 નવેમ્બર) ભ્રષ્ટાચાર, વધતા ગુનાઓ અને સુરક્ષાની ઉણપને લઈને હજારોની સંખ્યામાં યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શન મેક્સિકો સિટીમાં રાષ્ટ્રપતિ આવાસ ‘નેશનલ પેલેસ’ સામે થયાં હતાં.

    કેટલાક પ્રદર્શનકારીઓએ ‘નેશનલ પેલેસ’ની દીવાલો કૂદીને અંદર ઘૂસવાના પ્રયાસો પણ કર્યા હતા, જે બાદ પોલીસ સાથે પ્રદર્શનકારીઓની તકરાર પણ થઈ હતી. જોતજોતાંમાં આ પ્રદર્શનોએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને પોલીસ પર પથ્થરો, ફટાકડા, લાઠીઓ અને સાંકળોથી હુમલો કરી દીધો હતો. ત્યાં સુધી કે પોલીસની ઢાલો અને બાકીની વસ્તુઓ પણ લૂંટી લેવામાં આવી હતી. આ હિંસામાં 120થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમાં લગભગ 100થી પોલીસકર્મીઓ છે. 

    જે રીતે જેન-ઝી પ્રદર્શનકારીઓએ આખું નેપાળ બાનમાં લીધું હતું, તે જ રીતે મેક્સિકોમાં પણ જોવા મળ્યું છે. યુવાનોને રસ્તા બ્લોક કરી દીધા હતા અને અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. નોંધવા જેવું છે કે આ પ્રદર્શનો મેક્સિકોના એક મેયરની હત્યા બાદ શરૂ થયાં હતાં. વાસ્તવમાં તાજેતરના દિવસોમાં જ મેક્સિકોના મિચોઆકાં રાજ્યના ઉરુઆપન શહેરમાં ‘ડે ઑફ ડેડ’ સમારોહ દરમિયાન મેયર કાર્લોસ આલ્બર્ટો મેંઝો રોડ્રિગેજની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.  

    - Advertisement -

    કેવી રીતે શરૂ થયાં પ્રદર્શનો? 

    નેપાળના જેન-ઝી પ્રદર્શનો બાદ વિશ્વભરમાં તેની ચર્ચા તેજ થઈ ગઈ છે. આ જ રીતે નેપાળની હોડમાં મેક્સિકોમાં પણ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અહીં યુવાનોને સરકાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને ગુનાઓ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આ સાથે જ ‘જસ્ટિસ ફોર મેંઝો’, ‘દેશ મરી રહ્યો છે’, ‘સરકાર રાજીનામું આપે’ અને ‘નાર્કો ટેસ્ટ’ જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા. ઘણા પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિનાં રાજીનામાંની માંગણી સાથેના પોસ્ટરો પણ લગાવ્યાં હતાં. 

    આ દરમિયાન One Piece કાર્ટૂનથી પ્રેરિત સમુદ્રી ખોપડીવાળા ઝંડા પણ ફરકાવવામાં આવ્યા હતા, જેને આંદોલનનું વૈશ્વિક પ્રતિક માનવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર નાનકડી જાહેરાત બાદ આ આંદોલન વધુ તીવ્રતાથી આગળ વધવા લાગ્યું હતું અને થોડી જ વારમાં દેશના લગભગ મોટાભાગનાં શહેરોમાં ફેલાઈ ગયું હતું. આમ તો આંદોલનમાં મોટાભાગના પ્રદર્શનકારીઓ જેન-ઝી યુવાનો હતા, પરંતુ દેશના બાકી નાગરિકો, વૃદ્ધો અને વિપક્ષી દળોના લોકોએ પણ તેને સમર્થન પૂરું પાડ્યું હતું. 

    મેયરની હત્યા અને અરાજકતાનો માહોલ

    મેયર કાર્લોસ મેંઝો 40 વર્ષીય નેતા હતા અને ઉરુઆપનના મેયર તરીકે 2024માં ચૂંટાયા હતા. તેઓ સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીત્યા હતા. જોકે, આ પહેલાં તેઓ રાષ્ટ્રપતિ શીનબૉમની મોરેના પાર્ટીના સાંસદ રહી ચૂક્યા હતા. લોકો તેમને ‘મેક્સિકન બુકેલો’ના હુલામણા નામથી ઓળખતા હતા, કારણ કે તેઓ ડ્રગ કાર્ટેલ્સ વિરુદ્ધ કઠોર વલણ અપનાવી રહ્યા હતા. ઉરુઆપનમાં આ કારણે તેઓ ઘણી ક્રિમિનલ ગેંગના ટાર્ગેટ પર આવી ગયા હતા અને તેથી તેમણે સરકાર પાસે વધુ સુરક્ષાની માંગણીઓ પણ કરી હતી. સપ્ટેમ્બરમાં તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું પણ કહ્યું હતું કે, “અમે બધા જોખમમાં છીએ અને મારો જીવ પણ જોખમમાં છે.” 

    જોકે, વારંવાર સુરક્ષાની માંગણી કરી હોવા છતાં તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવી ન હતી. ત્યારબાદ 1 નવેમ્બરના રોજ ડે ઑફ ડેડના એક પ્રોગ્રામમાં તેઓ પોતાના પુત્રને ગોદમાં લઈને ઊભા હતા અને ભાષણ આપી રહ્યા હતા. અચાનક એક હુમલાખોરે તેમના પર ગોળીબાર કરી દીધો અને સાત ગોળીઓ ધરબી દીધી. મેંઝો તો ત્યાં જ ઢળી પડ્યા અને તેમનો બોડીગાર્ડ પણ ઘાયલ થઈ ગયો. બાદમાં તેમના સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને પણ ઠાર માર્યો હતો, પરંતુ તે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. 

    આ હત્યા પહેલાં પણ ઑક્ટોબર મહિનામાં ઉરુઆપનના સાઇટ્રસ ઉત્પાદકોના નેતા બર્નાડો બ્રાવોની પણ હત્યા કરી નાખવામાં આવી હતી, કારણ કે તેઓ પણ કાર્ટેલ્સની વસૂલાત સામે વારંવાર અવાજ ઉઠાવી રહ્યા હતા. આ બંને ઘટનાઓએ લોકોની ધીરજ તોડી નાખી હતી અને ત્યારથી યુવાનો સરકાર વિરુદ્ધ પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા હતા. 

    હત્યા પછીના દિવસે જ અરાજકતાના માહોલને લઈને 2 નવેમ્બરના રોજ ઉરુઆપન અને મોરેલિયામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ન્યાયની માંગણી કરવા લાગ્યા હતા. તેઓ રાજ્યના ગવર્નર આલ્ફ્રેડો રામીરેઝને હટાવવાની માંગણી કરી રહ્યા. મોરેલિયામાં તો ગવર્નમેન્ટ પેલેસ પર હુમલો પણ કરી દેવામાં આવ્યો હતો અને આગચંપીના પ્રયાસો પણ થયા હતા.

    3 નવેમ્બરના રોજ મેંઝોના અંતિમ સંસ્કારમાં પણ હજારો લોકો એકઠા થઈ ગયા હતા. મેરિયાચી સંગીત અને તાળીઓ વચ્ચે તેમને વિદાય આપવામાં આવી હતી. તેમના પત્ની ગ્રેસિયા ક્વિરોઝને તરત જ મેયર બનાવી દેવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ તેમણે લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ પણ કરી હતી.

    રાષ્ટ્રીય પ્રદર્શન અને સરકાર વિરુદ્ધ આક્રોશ

    પછી 15 નવેમ્બરે વાત રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ. ‘જનરેશન-ઝી મેક્સિકો’ નામના ગ્રુપે ઓનલાઇન મેનિફેસ્ટો જાહેર કર્યો, જેમાં હિંસા અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની વાત કરવામાં આવી. મેક્સિકો સિટીમાં 5,000થી 10,000 લોકોએ નેશનલ પેલેસ તરફ કૂચ કરી. તેમણે બેરિકેડ તોડી પથ્થરમારો કર્યો અને નારા પણ લગાવ્યા. કેટલાકે આરોપ પણ લગાવ્યો કે મેંઝોની હત્યા સરકારે કરી છે. આ દરમિયાન પોલીસે ટિયર ગેસ અને લાઠીચાર્જ કર્યો હતો અને તેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. આ મામલે પોલીસે 40 લોકોની ધરપકડ કરી છે.

    આ વિરોધ પ્રદર્શનમાં યુવાનો આગળ છે. તેઓ સફેદ ઝંડા, કાઉબોય હેટ (મેંઝોનું પ્રતીક) અને જાપાની મંગા ‘વન પીસ’ના પાયરેટ ઝંડા લઈને આવ્યા હતા. આ પાયરેટ ફ્લેગ હવે વિશ્વભરમાં યુવા વિરોધનું પ્રતીક બની ગયા છે – ઇન્ડોનેશિયા, નેપાળમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના તેવા સમયે બનવા પામી હતી, જ્યારે પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ આવાસને ઘેરી લીધો હતો.

    પ્રદર્શનનાં મુખ્ય કારણો? 

    મેક્સિકોમાં આ પ્રદર્શનનું મુખ્ય કારણ દેશમાં વધતો ભ્રષ્ટાચાર, જાહેરમાં થતી હત્યાઓ અને ન્યાય વ્યવસ્થાની ઉણપ છે. મેયરની હત્યા બાદ વિરોધ વધુ તીવ્ર બન્યો હતો. જેન-ઝીએ આ ઘટનાને સરકારની નિષ્ફળતા ગણાવી અને તેની સામે અવાજ ઉઠાવ્યો. આ આંદોલનમાં યુવાનોએ ભ્રષ્ટાચાર સામે સરકારની ઢીલાશ, રાજકીય જવાબદારીની ઉણપ અને અપરાધીઓને સજા ન મળવા પર ભારે નિરાશા વ્યક્ત કરી. સોશિયલ મીડિયા દ્વારા જેન-ઝીએ યુવાનોને એકઠા કર્યા અને વ્યાપક સમર્થન મેળવ્યું, જેમાં વૃદ્ધો અને વિપક્ષી પક્ષો પણ જોડાયા. પ્રદર્શનકારીઓ સરકાર પાસેથી પારદર્શિતા, સુરક્ષા અને સખત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

    મેક્સિકોનું આ વિરોધ પ્રદર્શન જેન-ઝીનો સરકાર સામેનો બળવો છે. બિલકુલ એ જ રીતે જે રીતે નેપાળમાં જેન-ઝીએ સરકારના કામથી નારાજ થઈને રસ્તા પર હિંસક વિરોધ કર્યો હતો અને આખા દેશને ઘૂંટણિયે પાડી દીધો હતો. પણ મેક્સિકોમાં જેન-ઝીનો આ વિરોધ અમુક અંશે રાજકારણ સાથે પણ જોડાયેલો છે. મેક્સિકોમાં હાલ વામપંથી પક્ષ મોરેના સત્તામાં છે. વિરોધમાં પણ યુવાનોએ ‘ગો મોરેના’ના નારા લગાવ્યા છે.

    જે રાષ્ટ્રપતિ નિવાસ ‘નેશનલ પેલેસ’થી આ વિરોધ શરૂ થયો, તેનું કારણ પણ સ્પષ્ટ હતું. વાસ્તવમાં વિરોધના થોડા દિવસ પહેલાં મેક્સિકોના રાષ્ટ્રપતિ શીનબૉમે દક્ષિણપંથી પક્ષો પર જેન-ઝી આંદોલનમાં ઘૂસણખોરી કરવાના આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે વિરોધની સંખ્યા વધારવા સોશિયલ મીડિયા પર બોટ્સનો ઉપયોગ થઈ રહ્યો છે.

    આ ઉપરાંત મેક્સિકોમાં ડ્રગ કાર્ટેલ્સના કારણે પણ લોકો પરેશાન છે, ખાસ કરીને મિચોઆકાં વિસ્તારમાં. આ રાજ્યના કાર્ટેલ્સ અહીંના ખેડૂતો પાસેથી ‘વેરા’ વસૂલે છે. વિરોધ કરવા પર તેઓ હત્યા કરી નાખે છે. 2025માં અહીં હત્યાઓ 12% વધી છે અને દેશભરમાં 56 રાજકારણીઓ માર્યા ગયા છે, જેમાં 7 મેયર્સ છે. લોકો સરકાર પર આરોપ લગાવી રહ્યા છે કે તે કાર્ટેલ્સને છાવરી રહી છે. રાષ્ટ્રપતિની ‘હગ્સ નોટ બુલેટ્સ’ પોલિસીને કારણે ગેંગ્સને કંઈ થતું નથી. મોરેના પાર્ટી વિશે તો એવું કહેવાય છે કે તે કાર્ટેલ્સના પૈસા લે છે અને ‘નાર્કો-પોલિટિક્સ’ ચલાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં