5 જૂન, 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના (World Environment Day) અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) નવી દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન, 7 લોક કલ્યાણ માર્ગ ખાતે સિંદૂરનો છોડ (Sindoor Plant) રોપ્યો હતો. આ છોડ તેમને ગુજરાતના કચ્છની મહિલાઓ દ્વારા ભેટમાં આપવામાં આવ્યું હતું, જેમણે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસાધારણ શૌર્ય અને દેશભક્તિનું પ્રદર્શન કર્યું હતું.
1971ના યુદ્ધ દરમિયાન, પાકિસ્તાનના હવાઈ હુમલાઓથી ભુજનો એરસ્ટ્રીપ નાશ પામ્યો હતો. આવા કટોકટીના સમયમાં કચ્છના મધપર ગામની આશરે 300 મહિલાઓએ ભારતીય વાયુસેનાને મદદ કરવા માટે હિંમતભેર આગળ આવી. તેમણે માત્ર 72 કલાકમાં એરસ્ટ્રીપનું પુનઃનિર્માણ કર્યું, જેના કારણે ભારત પોતાના હવાઈ હુમલા ફરીથી શરૂ કરી શક્યું. આ મહિલાઓ, જેને ‘વીરાંગના’ તરીકે ઓળખવામાં આવે છે, તેમની બહાદુરી દેશના ઇતિહાસમાં અમર થઈ ગઈ છે.
This #WorldEnvironmentDay, let’s deepen our efforts towards protecting our planet and overcoming the challenges we face. I also compliment all those working at the grassroots to make our environment greener and better. pic.twitter.com/E7mWAFZ73V
— Narendra Modi (@narendramodi) June 5, 2025
હાલમાં જ વડાપ્રધાન મોદીએ ગુજરાતના કચ્છની મુલાકાત લીધી ત્યારે તેમણે આ 300 મહિલાઓમાંથી 13 હયાત મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. આ મહિલાઓએ મોદીજીને સિંદૂરનું રોપું ભેટ આપ્યું હતું, જે ઑપરેશન સિંદૂરનું પ્રતીક છે. આ ઑપરેશન, જે એપ્રિલ 2025માં પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું, તે ભારતની સેનાનો આતંકવાદીઓને મજબૂત જવાબ હતો. સિંદૂર, જે પરિણીત હિંદુ મહિલાઓના લલાટ પર લગાવવામાં આવે છે, તે હવે રાષ્ટ્રીય શક્તિ અને બલિદાનનું પ્રતીક બની ગયું છે.
વિશ્વ પર્યાવરણ દિવસે, મોદીજીએ આ છોડ રોપીને પોતાનું વચન પૂરું કર્યું. તેમણે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, “1971ના યુદ્ધમાં હિંમત અને બહાદુરીનું અદ્ભુત ઉદાહરણ રજૂ કરનાર કચ્છની બહાદુર માતાઓ અને બહેનોએ તાજેતરમાં ગુજરાતની મારી મુલાકાત દરમિયાન મને સિંદૂરનો છોડ ભેટમાં આપ્યો હતો. આજે, વિશ્વ પર્યાવરણ દિવસે, મને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને તે છોડ રોપવાનું સૌભાગ્ય મળ્યું છે. આ છોડ આપણા દેશની મહિલા શક્તિની બહાદુરી અને પ્રેરણાનું મજબૂત પ્રતીક રહેશે.”
1971 के युद्ध में साहस और पराक्रम की अद्भुत मिसाल पेश करने वाली कच्छ की वीरांगना माताओं-बहनों ने हाल ही में गुजरात के दौरे पर मुझे सिंदूर का पौधा भेंट किया था। विश्व पर्यावरण दिवस पर आज मुझे उस पौधे को नई दिल्ली के प्रधानमंत्री आवास में लगाने का सौभाग्य मिला है। यह पौधा हमारे देश… pic.twitter.com/GsHCCNBUVp
— Narendra Modi (@narendramodi) June 5, 2025
આ ઘટના ઑપરેશન સિંદૂરના મહત્વને પણ પ્રકાશિત કરે છે, જે ભારતની સૌથી સફળ આતંકવાદ વિરોધી કામગીરી તરીકે ઓળખાય છે. આ ઑપરેશન દરમિયાન, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. નોંધનીય છે કે ગુજરાત સરકારે પણ ઑપરેશન સિંદૂરની યાદમાં ભુજ નજીક ‘સિંદૂર વન’ નામનું એક સ્મારક પાર્ક વિકસાવવાની યોજના જાહેર કરી છે. આ પાર્ક ભુજ-માંડવી રોડ પર આઠ હેક્ટરમાં ફેલાયેલ હશે અને તે એક ઉચ્ચ ઘનત્વનું ‘વન કવચ’ તરીકે વિકસાવવામાં આવશે.