Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબોધગયામાંથી ચીનની ‘મહિલા જાસૂસ’ પકડાઈ: દલાઈ લામાની જાસૂસી કરવા આવી હોવાની આશંકા,...

    બોધગયામાંથી ચીનની ‘મહિલા જાસૂસ’ પકડાઈ: દલાઈ લામાની જાસૂસી કરવા આવી હોવાની આશંકા, ભિક્ષુકના વેશમાં ફરતી હતી 

    ચીની મહિલા જાસૂસ પકડાયા બાદ બોધગયામાં દલાઈ લામાના રોકાણ સ્થળ અને મહાબોધિ મંદિરની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

    - Advertisement -

    બિહારના બોધગયામાં ચીની મહિલા જાસૂસ પકડાઈ છે. બોધગયા ખાતે ચાલી રહેલા બૌદ્ધ ધર્મના શિક્ષા કાર્યક્રમમાં આવેલા તિબ્બતી બૌદ્ધ ધર્મ ગુરુ દલાઈ લામાની જાસૂસી કરવા માટે ચીને આ મહિલાને ભારતમાં મોકલી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલ આ મહિલાને કસ્ટડીમાં લઈને પોલીસે પૂછપરછ આદરી છે.

    અહેવાલો અનુસાર ગુરૂવારે સાંજે કાલચક્ર મેદાનથી મિસ સોંગ શિયાઓલાનને પોલીસે અટકાયતમાં લીધી છે. બોધગયામાં ચીની મહિલા જાસૂસ ભિક્ષુકનો વેશ ધારણ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વર્ષ 2020થી બોધગયામાં રહે છે. વચ્ચે એકવાર તે નેપાળ પણ જઈ આવી હતી. આ પહેલાં તે ચીનમાં સેવિકા તરીકે કામ કરતી હોવાનો પણ ખુલાસો થયો છે. પકડાયા બાદ પોલીસ બોધગયા પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરી રહી છે.

    ગયા સિટી એસપી અશોક પ્રસાદે આ બાબતે જણાવ્યું હતું કે, મૂળ ચીનની રહેવાસી આ મહિલાને બોધગયાના એક ગેસ્ટહાઉસમાંથી અટકાયતમાં લેવામાં આવી છે. તેને બોધગયા પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે. મહિલા પાસે 2024 સુધીના વિઝા છે અને તે 2020 થી ભારતમાં રહેતી હતી. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહિલાની ઉંમર 50 વર્ષ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

    - Advertisement -

    કાર્યક્રમ સ્થળ અને દલાઈ લામાની સુરક્ષામાં વધારો

    બોધગયામાં દલાઈ લામાના રોકાણ સ્થળ અને મહાબોધિ મંદિરની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. દલાઈ લામાના કાર્યક્રમમાં જે લોકો ભાગ લઈ રહ્યા છે તેમની ચુસ્તપણે તપાસ કરવામાં આવી રહી છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે દલાઈ લામાના સમારોહમાં ફક્ત તે જ લોકોને આવી શકશે જેમની પાસે પરવાનગી છે.

    નોંધનીય છે કે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામા કાલચક્ર પૂજાના અનુસંધાનમાં હાલ બિહારના બોધગયામાં છે. કાલચક્ર પૂજાને બૌદ્ધ ભક્તોનો મહાકુંભ કહેવામાં આવે છે. આમાં બૌદ્ધ સાધુઓ આધ્યાત્મિક સાધના કરે છે. કાલચક્ર પૂજાના સંબંધમાં દલાઈ લામા અહીં એક મહિના સુધી રોકાવાના છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચીની મહિલા ચીનના ઈશારે દલાઈ લામાની જાસૂસી કરવાનો પ્રયાસ કરી રહી હતી. ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા બાદ તિબેટ મંદિરથી લઈને મહાબોધિ મંદિર સુધી સુરક્ષા કડક કરી દેવામાં આવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં