રાજકોટ અગ્નિકાંડમાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ખોયાં છે. TRP ગેમઝોન ખાતે લાગેલી આગમાં પાંચ સ્વજનોને ગુમાવનારા એક વ્યક્તિનો વલોપાત સામે આવ્યો છે. ભારે આક્રંદ સાથે તેમણે પોતાની વેદના રજૂ કરી છે. આ દુર્ઘટનાને લઈને તેમનું દુઃખ રોષમાં પરિવર્તિત થઈ ગયું હતું અને મીડિયા સમક્ષ તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જો સજા વગર જ આરોપીઓને જામીન મળી જશે તો તેઓ તે બધા આરોપીઓને મારી નાંખશે. આ સાથે તેમણે વેદના વ્યક્ત કરતાં એવું પણ કહ્યું કે, હવે તેમની આગળ-પાછળ કોઈ રહ્યું નથી. તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વિડીયોમાં દેખાઈ રહેલા વ્યક્તિનું નામ પ્રદીપસિંહ ચૌહાણ છે. તેમણે રાજકોટ અગ્નિકાંડમાં પોતાના પરિવારના પાંચ સભ્યોને ગુમાવ્યા છે. તેમણે ઘટના સમયે મીડિયા સાથે વાત કરી હતી અને પોતાની વેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, “અમારા પરિવારના 8 સભ્યો ત્યાં હાજર હતા, તેમાંથી ત્રણ નીચે હતા તે મળી ગયા છે. પણ હજુ પાંચ મિસિંગ છે. જેમાં એક મારો દીકરો છે, એક સાઢુભાઈ છે અને તેમનો દીકરો પણ છે. મારા મોટાભાઈની દીકરી પણ છે અને એમના સાળા પણ છે.” તેમણે કહ્યું કે, આ પાંચ લોકોની કોઈ જાણ થતી નથી.
રાજકોટ : TRP ગેમ ઝોન આગ મામલો.
— Sanj Samachar (@Sanj_news) May 26, 2024
એક જ પરિવારના આઠ સભ્યો ગેમ ઝોનમાં ગયા હતા.
ત્રણ સભ્યો મળ્યા અને પાંચ સભ્યો હજી સુધી મળ્યા નથી.
ગુનેગારોને સખત સજા થવી જોઈએ.
મારે સરકારી સહાય જોતી નથી મેં મારું બધું જ ગુમાવ્યું છે: પ્રદિપસિંહ ચૌહાણ
સજા થયા બાદ ગુનેગારોને જામીન મળશે તો તેને… pic.twitter.com/emqmzXR33F
રાજકોટ અગ્નિકાંડમાં સ્વજનો ગુમાવ્યા બાદ તેમણે પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે, “મારી માગણી છે કે, સરકાર તેમને (આરોપીઓને) ફાંસીની સજા આપે. કોઈપણ એડવોકેટ ભાઈ તેમનો કેસ ન લડે. પૈસાની વાત હોય તો તેમની ફી કરતાં હું 2 લાખ રૂપિયા વધુ આપીશ. મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી. મીડિયાની હાજરીમાં કહું છું કે, મને જે સહાય મળશે તે હું જરૂરિયાતમંદ લોકોને આપી દઇશ.” આ સાથે તેમણે કહ્યું કે, “આરોપીઓને સજા આપવામાં આવે અને જો સજા પહેલાં તેમના જામીન મંજૂર થયા તો હું તે બધાને મારી નાખીશ. મારી આગળ-પાછળ કોઈ છે નહીં. હવે જે હતું તે બધુ જતું રહ્યું છે. મેં બધુ ગુમાવી દીધું છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “હવે આને તમે ધમકી સમજો તો પણ ચાલશે. મીડિયાને જે રીતે છાપવું હોય તે રીતે છૂટ છે. તમારે મસાલો કરીને છાપવું હોય તોપણ છૂટ છે અને બાપની વેદના સમજીને છાપવું હોય તોપણ છૂટ છે. પણ જો આ લોકો જામીન પર છૂટયા તો હું જીવતા મુકીશ નહીં. જેમ મારા પરિવારની ઓળખ નથી થતી, તેમ આ લોકોની ઓળખ હું નહીં થવા દઉં. જેને જે કરવું હોય તે કરી લે, પણ હું કોઈને છોડીશ નહીં. હું સરકારને કહેવા માંગીશ કે, આ લોકોને કડકમાં કડક સજા આપો.”
હમણાં સુધી શું-શું બન્યું?
રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગ્યા બાદ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાર્યવાહી તેજ કરી દીધી હતી. આ ઉપરાંત મોટા અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે કલેકટર ઓફિસમાં રહીને જ તમામ કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું. ઘટનાના બીજા દિવસે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. આ સાથે તેમણે હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અને PMOએ મૃતકના પરિવારોને અને ઘાયલોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
આ સાથે IGP સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં SITનું ગઠન પણ કરી દેવામાં આવ્યું છે. સરકારે તેમને 72 કલાકમાં પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવાના આદેશ આપ્યા છે. તે સિવાય 10 દિવસમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. હાલ PGVCLથી લઈને અન્ય સરકારી કે નિગમ સંસ્થાઓ ઘટનાસ્થળની તપાસ કરી રહી છે. ઉપરાંત ગેમઝોનના માલિક સહિત 6 લોકો વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. SITની ટીમ અગ્નિકાંડ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે અને હાઈકોર્ટે પણ આ મામલે સુઓમોટો હાથ ધરી હતી અને હાલ તેના પર સુનાવણી ચાલી રહી છે.
બીજી તરફ સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રીએ ઘટનાસ્થળની મુલાકાત બાદ કડક શિક્ષાત્મક પગલાં લેવા માટે નિર્દેશો આપ્યા હતા. જેના અનુસંધાને હવે 6 અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં જયદીપ ચૌધરી (ટાઉનપ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર), ગૌતમ ડી. જોશી (ટાઉનપ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ પ્લાનર), એમ. આર. સુમા (નાયબ કાર્યપાલક ઇજનેર), એનઆઈ રાઠોડ (ગાંધીગ્રામ-2, પોલીસ ઇન્સ્પેકટર), વીઆર પટેલ (રાજકોટ તાલુકા પોલીસ ઇન્સ્પેકટર) અને પારસ એમ. કોઠીયા (નાયબ કાર્યપાલક ઇજનેર ‘સી’)નો સમાવેશ થાય છે.