Monday, June 17, 2024
More
    હોમપેજગુજરાતગેમઝોનમાં અગ્નિશમન માટેનાં સાધનો ન હતાં, ફાયર વિભાગ પાસેથી નહતું મેળવાયું NOC:...

    ગેમઝોનમાં અગ્નિશમન માટેનાં સાધનો ન હતાં, ફાયર વિભાગ પાસેથી નહતું મેળવાયું NOC: રાજકોટ અગ્નિકાંડ મામલે 6 સામે FIR, પોલીસ તપાસ શરૂ

    શહેર પોલીસ કમિશનરે આ મામલે જણાવ્યું હતું કે, કેસની તપાસ માટે જોઇન્ટ CPની અધ્યક્ષતામાં એક SIT બનાવવામાં આવી છે અને વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.

    - Advertisement -

    રાજકોટ સ્થિત TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોનાં મોત થયા બાદ હવે આ મામલે FIR નોંધવામાં આવી છે. આરોપીઓમાં કુલ 6 વ્યક્તિઓનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેઓ ગેમ ઝોનમાં પાર્ટનરો હોવાનું જાણવા મળ્યું છે. કુલ 6માંથી 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે બાકીના ચારની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો રવાના કરવામાં આવી છે. 

    આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓની ઓળખ ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ઠક્કર અને રેસ વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર હીરન, યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ તરીકે થઈ છે. મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. 

    FIRમાં જણાવવામાં આવ્યું છે કે, ગેમઝોનનું માળખું આશરે 50 મીટર પહોળું અને 60 મીટર લાંબું હતું અને તેમાં ફાયર ફાઇટિંગનાં સાધનો ન હતાં. ઉપરાંત, આ ઝોન ચલાવવા માટે ફાયર વિભાગની NOC કે કોઇ પ્રમાણપત્ર પણ મેળવવામાં આવ્યું ન હતું અને આમ જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    ફરિયાદ અનુસાર, TRP ગેમઝોન સંપૂર્ણ ફેબ્રિકેશનના સ્ટ્રકચર પર બનાવવામાં આવ્યું હતું અને બેઝ તરીકે લોખંડની એંગલો અને ગેલવેનાઇઝનાં પતરાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંદર મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રિક વાયરીંગ અને ACના વેન્ટ લગાવવામાં આવ્યા હતા અને આગ લાગવાની સ્થિતિમાં તેને રોકી શકાય અને માનવજીવનને બચાવી શકાય તેવાં કોઇ અસરકારક સાધનો ઉપલબ્ધ ન હતાં. ઉપરાંત, આ ગેમઝોન દ્વારા ક્યારેય ફાયર વિભાગ પાસેથી NOC મેળવવામાં આવ્યું ન હતું. 

    આગળ જણાવવામાં આવ્યું કે, આરોપીઓએ આગજનીને પહોંચી વળવા માટે પર્યાપ્ત સાધનો કે અગ્નિશમન વિભાગની જરૂરી મંજૂરી મેળવ્યા વગર માનવજીવન જોખમાય તે રીતે ગેમઝોન ચાલુ રાખ્યું હતું અને આગ લાગવાની સ્થિતિમાં માણસોના જીવ જાય તેવી જાણકારી હોવા છતાં જોખમી રીતે ચાલુ રાખવાના કારણે આ બનાવ બન્યો હોવાનું જણાઇ આવે છે. 

    શહેર પોલીસ કમિશનરે આ મામલે જણાવ્યું હતું કે, કેસની તપાસ માટે જોઇન્ટ CPની અધ્યક્ષતામાં એક SIT બનાવવામાં આવી છે અને વહેલામાં વહેલી તકે તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. રાજ્ય સરકારને કહીને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નીમવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે તેમજ ગાંધીનગરથી FSLની ટીમ પણ રાજકોટ પહોંચી છે. 

    નોંધનીય છે કે આ મામલે રાજ્ય સરકારે પણ IGP સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એક SITની રચના કરી છે, જે તપાસ કરીને 72 કલાકમાં સરકારને પ્રાથમિક રિપોર્ટ જમા કરાવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં