ISROનું EOS-09 મિશન સફળ થઈ શક્યું નહીં. બે ચરણ સફળતાપૂર્વક પાર કર્યા બાદ ત્રીજા તબક્કે જઈને ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ISROનું આ 101મુ મિશન હતું. આ મિશન હેઠળ પોલર સેટેલાઈટ લૉન્ચ વ્હીકલ (PSLV-C610) દ્વારા EOS-09 અર્થ ઑબ્ઝર્વેશન સેટેલાઈટને સન-સિંક્રન્સ પોલર ઓર્બિટમાં સ્થાપિત કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો હતો. પરંતુ તે સફળ થઈ શક્યું નહીં. ISROએ તેના કારણો પણ જણાવ્યાં છે અને એ પણ કહ્યું છે કે, તેઓ ખૂબ જલ્દી આ જ મિશન સાથે પરત ફરશે.
આ મિશન ISROના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી 18 મેના રોજ વહેલી સવારે 5:59 કલાકે લૉન્ચ કરવામાં આવ્યું હતું. જોકે, પ્રથમ બે તબક્કા તેણે સફળતાપૂર્વક પાર કરી લીધા હતા, પરંતુ ત્રીજા તબક્કામાં કોઈ ટેકનિકલ ખામીના કારણે મિશન સફળ થઈ શક્યું નહોતું. ISRO ચીફે મિશન બાદ તરત જ મીડિયાને આ વિશેની માહિતી પણ આપી દીધી હતી અને સફળ ન થયાનું કારણ પણ જણાવ્યું હતું.
કેમ સફળ ન થયું મિશન- ISRO ચીફે જણાવ્યું કારણ
ISROના અધ્યક્ષ ડૉ. વી. નારાયણનના જણાવ્યા પ્રમાણે, પ્રથમ બે તબક્કા (PS1 અને PS2) બરાબર કામ કરી ગયા. આ તબક્કાઓએ રોકેટને પૃથ્વીના નીચલા વાતાવરણમાંથી બહાર લઈ જવાનું કામ કર્યું. પણ ત્રીજા તબક્કામાં (PS3) થોડી ટેકનિકલ ગડબડ થઈ. આ તબક્કો એક સોલિડ રોકેટ મોટર છે, જે 240 કિલોન્યૂટનનો થ્રસ્ટ (દબાણ અથવા જોર) આપે છે. અહીં ચેમ્બર પ્રેશરમાં ઘટાડો થયો, એટલે કે રોકેટના એન્જિનમાં બળતણ બળવાની પ્રક્રિયામાં કોઈક ખામી સર્જાઈ. તેના કારણે રોકેટ પૂરતો થ્રસ્ટ ન જનરેટ કરી શક્યું અને તે EOS-09ને યોગ્ય ઓર્બિટમાં પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું.
#WATCH | Sriharikota, Andhra Pradesh | ISRO Chief V Narayanan says, "Today we attempted a launch of PSLV-C61 vehicle. The vehicle is a 4-stage vehicle. The first two stages performed as expected. During the 3rd stage, we are seeing observation…The mission could not be… pic.twitter.com/By7LZ8g0IZ
— ANI (@ANI) May 18, 2025
સરળતાથી સમજીએ તો રોકેટનું એન્જિન એ એક મોટું ‘બર્નર’ હોય છે, જેમાં બળતણ બળે છે અને તેનાથી ગરમ ગેસ બને છે. આ ગેસ બહાર નીકળે છે અને રોકેટને આગળ ધકેલે છે. આ પ્રક્રિયાને થ્રસ્ટ કહેવાય છે. પણ આ બળવાની પ્રક્રિયા માટે ચેમ્બર પ્રેશર એટલે કે એન્જિનની અંદરનું દબાણ ખૂબ મહત્વનું હોય છે. જો આ દબાણ ઓછું થઈ જાય તો બળતણ બરાબર બળી શકતું નથી અને રૉકેટને જરૂરી જોર મળતું નથી. આવું જ કંઈક EOS-09 મિશનમાં થયું.
જોકે, ISRO ચીફે જાહેરાત કરી છે કે, તેઓ આ નિષ્ફળતાનાં મૂળ કારણો વિગતે શોધશે અને તેનું વિગતવાર નિરીક્ષણ કરશે. આ ઉપરાંત ISROના આગામી મિશનો જેમ કે, ગગનયાન (ભારતનું પ્રથમ માનવ અવકાશ મિશન) અને NISAR (NASA-ISROનું સંયુક્ત મિશન) પર આ નિષ્ફળતાની અસર નહીં થાય, કારણ કે આ મિશનો અલગ રોકેટ અને ટેકનોલોજી પર આધારિત છે. આ સાથે જ ISRO ચીફે એવું પણ કહ્યું છે કે, તેઓ જલ્દી જ આ મિશન પર પરત ફરશે.