Wednesday, April 1, 2026
More
    હોમપેજદેશદુશ્મનો સામે એકલે હાથે લડ્યા હતા અરુણ ખેત્રપાલ, રાષ્ટ્રરક્ષા માટે આપ્યું સર્વોચ્ચ...

    દુશ્મનો સામે એકલે હાથે લડ્યા હતા અરુણ ખેત્રપાલ, રાષ્ટ્રરક્ષા માટે આપ્યું સર્વોચ્ચ બલિદાન: વાત એ પરમવીરની, જેમના જીવન પર બની છે ફિલ્મ ‘ઈક્કીસ’

    ખેત્રપાલે રાષ્ટ્રરક્ષા કરતાં-કરતાં સર્વોચ્ચ બલિદાન આપ્યું, પણ ત્યાં સુધી પાકિસ્તાની સેના એ સ્થિતિમાં રહી ન હતી કે પુલ પાર કરી શકે. દુશ્મનો ઇરાદાઓમાં સફળ ન થયા. એક 21 વર્ષીય સેના અધિકારીની વીરતાના કારણે બસંતરમાં ભારતીય સેના અડીખમ રહી.

    - Advertisement -

    પરમવીર ચક્રથી સન્માનિત સેના અધિકારી અરુણ ખેત્રપાલને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમની વીરતા અને શૌર્ય માટે આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના જીવન અને અદમ્ય સાહસ પર બનેલી ફિલ્મ ‘ઈક્કીસ’ ડિસેમ્બરમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. માત્ર 21 વર્ષની કાચી વયે રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનાર મહાનાયકને આજે પણ દેશ ગર્વ સાથે યાદ કરે છે. તેઓ મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત થયા હતા.

    ખેત્રપાલનો જન્મ 14 ઑક્ટોબર, 1950ના રોજ પુણેમાં. પરિવાર પહેલેથી જ સેના સાથે જોડાયેલો રહ્યો હતો. પિતા એમ. એલ ખેત્રપાલ બ્રિગેડિયર રહી ચૂક્યા હતા. માતા-પિતાના બે પુત્રોમાં અરુણ તેઓ મોટા હતા. અરૂણના પરદાદા પણ બ્રિટિશ સેનામાં ખાલસા રેજિમેન્ટનો હિસ્સો રહી ચૂક્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ આર્મીમાં હતા.

    અરુણ ખેત્રપાલનો પરિવાર (ફોટો- HonourPoint)

    અરુણે હિમાચલ પ્રદેશના કસૌલીની લૉરેન્સ સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. તેઓ ભણતર અને રમત બંનેમાં બહુ તેજ હતા. સ્કૂલનું આદર્શ વાક્ય ‘ક્યારેય હાર ન માનવી’ને તેમણે જીવનમાં આત્મસાત કરી લીધું હતું. બાળપણથી જ મજબૂત ઇચ્છાશક્તિ ધરાવતા અરુણનું આ વ્યક્તિત્વ પછીથી યુદ્ધના મેદાનમાં પણ જોવા મળ્યું.

    - Advertisement -

    સેનામાં કઈ રીતે ભરતી થયા હતા અરુણ ખેત્રપાલ?

    અરુણે પિતા અને દાદા-પરદાદાની જેમ સેનામાં જોડાઈને બાળપણનું સ્વપ્ન સાકાર કર્યું. જૂન 1967માં તેઓ નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોડાયા, જ્યાં તેઓ ફોક્સટ્રૉટ સ્ક્વાડ્રનના 38મા કોર્સમાં સામેલ થયા. આ જ બેચમાં તેઓ કેડેટ કેપ્ટન પણ બન્યા.

    NDA પાસ કર્યા બાદ તેઓ ઈન્ડિયન મિલિટરી એકેડમી, દહેરાદૂનમાં સામેલ થયા. 13 જૂન, 1971ના રોજ ભારતીય સેનાના એક અધિકારી તરીકે તેમને કમિશન મળ્યું. તેમને આર્મર્ડ કોરની 17મી હોર્સ રેજિમેન્ટમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું. વીરતાપૂર્ણ ઇતિહાસ અને ઉપલબ્ધિઓ માટે પ્રખ્યાત સેના શાખાના તેઓ હવે સેકન્ડ લેફ્ટનન્ટ હતા. પૂના હોર્સ ભારતની સૌથી પ્રતિષ્ઠિત આર્મર્ડ કોર રેજિમેન્ટમાંથી એક છે.

    અરુણને કમિશન મળ્યું અને છ મહિનામાં જ ભારતીય ઉપમહાદ્વીપ પર યુદ્ધનાં વાદળો ઘેરાવા માંડ્યાં. ડિસેમ્બર 1971માં પાકિસ્તાન સાથે વધુ એક યુદ્ધ થયું. તે સમયે અરુણ અહમદનગરમાં યુવા અધિકારીઓ સાથે તાલીમ મેળવી રહ્યા હતા, અહીંથી તેમને અગ્રિમ મોરચે મોકલી આપવામાં આવ્યા. જે સમયે તેઓ રેજિમેન્ટમાં સામેલ થયા તેના થોડા દિવસ પહેલાં જ તેમણે 21મો જન્મદિન ઉજવ્યો હતો.

    અરુણ ખેત્રપાલ વિશે એક વાત જાણીતી છે કે તેઓ ગોલ્ફ ક્લબ સાથે રાખતા હતા. જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ યુદ્ધના મેદાનમાં પણ ગોલ્ફ રમશે કે કેમ ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘સર, હું લાહોરમાં ગોલ્ફ રમવા માગું છું અને મને વિશ્વાસ છે કે યુદ્ધ જીત્યા બાદ ત્યાં એક ડિનર નાઇટનું પણ આયોજન કરવામાં આવશે.’ આ વાત નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે તેમણે તેમના એક અધિકારીને કહી હતી.

    1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું તો પશ્ચિમી ક્ષેત્રમાં તેમની બ્રિગેડને પોસ્ટિંગ મળ્યું. તેઓ 17 પૂના હોર્સની 47મી ઇન્ફેન્ટ્રી બ્રિગેડનો હિસ્સો હતા, જેને ‘બ્લેક એરો બ્રિગેડ’ પણ કહેવામાં આવે છે. સિયાલકોટ પાસે તેમનું પોસ્ટિંગ હતું. ડિસેમ્બર અડધો વીતી ચૂક્યો હતો અને બ્રિગેડે પાકિસ્તાની ક્ષેત્રમાં બસંતર નદી પર એક બ્રિજહેડ સ્થાપિત કરી દીધો હતો.  આ ક્ષેત્રનું રણનીતિક મહત્ત્વ ઝાઝું હતું. અહીં જો પાકિસ્તાન પહોંચે તો જમ્મુ સુધીના માર્ગ મળી જાય એમ હતા અને ત્યારબાદ પંજાબ પર પણ જોખમ સર્જાય શકે એમ હતું. અહીં પગદંડી તૈયાર થઈ ગઈ હતી પરંતુ ટેન્ક્સ માટે રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બરાબર દુશ્મનોએ હુમલો કરી દીધો.

    રણભૂમિમાં અરુણ ખેત્રપાલ

    અમેરિકી બનાવટની ટેન્કોની મદદથી પાકિસ્તાનની 13મી લાન્સર્સ રેજિમેન્ટે હુમલો કરી દીધો હતો. મકસદ હતો ભારતીય સેનાને પાછળ ધકેલીને બ્રિજહેડ નેસ્તનાબૂદ કરવો. ત્યાં ફરજ પર હાજર પૂના હોર્સ સ્ક્વૉડ્રન પર દબાણ વધતું જતું હતું અને તાત્કાલિક વધુ ફોર્સની જરૂર હતી. ત્યારે સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ A સ્ક્વૉડ્રન સાથે રિઝર્વ ફોર્સમાં હતા. તેમણે રેડિયો નેટ પર સાંભળ્યું અને તાત્કાલિક ટેન્કોનો કાફલો લઈને યુદ્ધમાં જવા નીકળી પડ્યા. તેમની પાસે સેન્ચ્યુરિયન MK7 ટેન્ક હતી, જેનું નામ પછીથી રેજિમેન્ટના સન્માનમાં ફામાગુસ્ટા રાખી દેવાયું હતું.

    ફોટો- GallantryAwards

    જેવી અરુણની ટુકડી આગળ વધી કે નદી પાર કરતી વખતે દુશ્મનોએ હુમલો કરી દીધો. ગોળીબાર અને બૉમ્બ ધડાકા સંભળાવા માંડ્યા. પાકિસ્તાની સૈનિકોએ એન્ટી ટેન્ક ગન અને મશીન ગન પહેલેથી તૈયાર રાખી હતી અને બંકરોમાં સ્થાન મેળવી લીધું હતું. અરુણ અને તેમના સાથીઓ માટે આ સમય કપરો હતો. જો પાકિસ્તાની હુમલાને નિષ્ફળ ન બનાવ્યો તો ભારતીય પુલ નષ્ટ થઈ શકે એમ હતો. અરુણે દુશ્મન પર વળતો પ્રહાર કરવાનો આદેશ આપ્યો અને ભારતીય ટેન્કોએ પાકિસ્તાની બંકરો પર હુમલો બોલી દીધો.

    ભારતીય સશસ્ત્રબળની એક નાની ટુકડી ફરી એક વખત દુશ્મનો પર ભારે પડી અને ઠેકાણાં ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં. અમુક પાકિસ્તાની સૈનિકો જીવિત પણ પકડાયા. જોકે આ અથડામણમાં અરુણના એક સાથી બલિદાન થઈ ગયા, પણ અરુણ આગળ વધતા રહ્યા. તેમના અદમ્ય સાહસ અને વીરતાભર્યા નેતૃત્વથી ટુકડીએ દુશ્મન પર પ્રથમ વિજય મેળવી લીધો હતો. પણ ત્યારબાદ પણ સાવચેતી જરૂરી હતી. તેમણે બી સ્ક્વૉડ્રનનો સંપર્ક કર્યો, કારણ કે પાકિસ્તાની ટેન્કો ગમે ત્યારે ફરી આવી શકે એમ હતી. યુદ્ધ હજુ પૂર્ણ થયું ન હતું.

    પાકિસ્તાની ટેન્કોએ ફરી હુમલો કર્યો અને આ વખતે તેમના ટાર્ગેટ પર એ સેક્ટર હતું, જ્યાં અરુણ ખેત્રપાલ અને અન્ય બે ટેન્ક (કેપ્ટન વી મલ્હોત્રા અને લેફ્ટનન્ટ અવતાર અહલાવત) તહેનાત હતી. ત્યારબાદ જે થયું એ યુદ્ધના ઇતિહાસની સૌથી ભીષણ ક્ષણો પૈકીની એક હતી.

    ભારતીય ટેન્ક સંખ્યાબળમાં પણ ઓછી હતી, શસ્ત્રોની બાબતમાં પણ પાછળ હતી, છતાં પાકિસ્તાનીઓને પરાશ કર્યા અને સાવ ઓછા અંતરે લદાયેલી લડાઇમાં ખેત્રપાલ અને તેમના સાથીઓએ મળીને અનેક પાકિસ્તાની ટેન્કો નષ્ટ કરી દીધી. આ લડાઈમાં પાકિસ્તાનની દસ ટેન્ક સાફ કરી દેવાઈ હતી અને તેમાંથી ચાર અરુણ ખેત્રપાલે પોતે નષ્ટ કરી હતી. જોકે બાકીની બે ટેન્કોને ભારે નુકસાન પહોંચ્યું.

    લેફ્ટનન્ટ અહલાવતની ટેન્ક પર સીધી હુમલો થયો અને નષ્ટ કરી દેવામાં આવી. કેપ્ટન મલ્હોત્રાની ટેન્કની મેઈન ગન ખરાબ થઈ ગઈ, એટલે ફાયરિંગ થઈ શકે એમ ન હતું. આ સમયે હવે અરુણ ખેત્રપાલ રણમેદાનમાં એકલા હતા. આ સેક્ટરમાં એકમાત્ર ભારતીય ટેન્ક હતી અને એ અરુણ પાસે હતી. પડકારો ઘણા હતા, પણ ખેત્રપાલ અડગ હતા.

    આ પરિસ્થિતિમાં પણ એકવીસ વર્ષીય અરુણ ખેત્રપાલ એકલે હાથે ઝઝૂમતા રહ્યા. સામે દુશ્મનોની ટુકડી હતી, આ તરફ એકમાત્ર ટેન્ક હતી. અરુણનો સંકલ્પ સ્પષ્ટ હતો– દુશ્મનની એક પણ ટેન્ક બાકી રહેવી ન જોઈએ.

    યુદ્ધ ચાલ્યું અને અરુણની ટેન્ક પર હુમલો થયો. આગ લાગી ગઈ. અરુણને પણ ઈજા પહોંચી. તેમના સ્ક્વૉડ્રન લીડરે પરિસ્થિતિ અને જોખમો પામી જઈને તરત અરુણને સળગતી ટેન્ક છોડી દઈને પાછળ હટી જવાનો આદેશ આપ્યો, પણ અરુણ તૈયાર ન હતા. તેમણે રેડિયો પર એક સંદેશ મોકલ્યો, જે પછીથી અમર થઈ ગયો: ‘નો સર, આઈ વિલ નોટ અબાન્ડન માય ટેન્ક. માય મેઇન ગન ઇઝ સ્ટીલ વર્કિંગ, એન્ડ આઈ વિલ ગેટ ધીસ બા*ર્ડ્સ.’ (ના સર, હું ટેન્ક નહીં છોડું. મારી મેઈન ગન હજુ કામ કરી રહી છે અને હું આ હ%^મીઓને મારીને રહીશ.)

    ત્યારબાદ પાછળ હટવાના વધુ આદેશો ન આવે તે માટે તેમણે રેડિયો હેડસેટ કાઢી નાખ્યો અને આગળ વધી ગયા. જેવું કહ્યું હતું એ જ કર્યું. આખા શરીરે ઈજા હોવા છતાં તેઓ લડતા રહ્યા અને પોઈન્ટ બ્લેન્ક રેન્જ પર વધુ એક પાકિસ્તાની ટેન્ક ઉડાવી દીધી.

    લડાઈ વધુ ભીષણ થતી હતી, અરુણની ટેન્ક પાકિસ્તાની ટેન્કોથી માત્ર સોએક મીટર અંતરે હતી. અંતિમ ટેન્ક નષ્ટ કર્યા બાદ તેમની ટેન્ક પર વધુ એક હુમલો થયો અને આ સીધા હુમલાથી તેમની ટેન્ક શાંત થઈ ગઈ. અરુણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા અને પોતાની જ ટેન્કમાં અંતિમ શ્વાસ લીધા.

    ખેત્રપાલે રાષ્ટ્રરક્ષા કરતાં-કરતાં સર્વોચ્ચ બલિદાન આપ્યું, પણ ત્યાં સુધી પાકિસ્તાની સેના એ સ્થિતિમાં રહી ન હતી કે પુલ પાર કરી શકે. દુશ્મનો ઇરાદાઓમાં સફળ ન થયા. એક 21 વર્ષીય સેના અધિકારીની વીરતાના કારણે બસંતરમાં ભારતીય સેના અડીખમ રહી. પાકિસ્તાનીઓ આગળ ન વધી શક્યા. આ અસાધારણ વીરતાએ બાકીના સૈનિકોમાં જોમ ભર્યું અને તેના જોરે તેઓ બાકીના દિવસો લડ્યા અને જીત મેળવી.

    16 ડિસેમ્બર, 2971ના રોજ આખરે પાકિસ્તાનની સેનાના ઈસ્ટર્ન કમાન્ડરે ઔપચારિક રીતે ઢાકામાં આત્મસમર્પણ કર્યું અને બાંગ્લાદેશનું નિર્માણ થયું. વધુ એક યુદ્ધમાં ભારતની જીત થઈ. ભારતીય સેનાની જીત થઈ. તેના માટે પણ આપણે કિંમત પણ ચૂકવવી પડી. આ સંઘર્ષ સફળતા સુધી પહોંચે તે માટે અનેક રણબંકાઓ વીરગતિને પ્રાપ્ત થઈ ગયા. સર્વોચ્ચ બલિદાન આપ્યું. અરુણ ખેત્રપાલ એવા જ એક મહાનાયક હતા.

    સર્વોચ્ચ સૈન્ય સન્માન પરમવીર ચક્રથી સન્માનિત થયા હતા

    રણભૂમિમાં દર્શાવેલ સાહસ અને શૌર્ય બદલ પછીથી અરુણને મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. આ સેનાનું સર્વોચ્ચ સન્માન છે અને અત્યાર સુધી માત્ર 21 જવાનોને આપવામાં આવ્યું છે. અરુણ ખેત્રપાલ પરમવીરો પૈકીના એક છે.

    ફોટો- Salute2Soldier

    પછીથી ફામાગુસ્ટા ટેન્ક પણ મળી આવી. તેની મરામત કરાવવામાં આવી. પછીથી અહમદનગર આર્મ્ડ કોર્પ્સ સેન્ટર એન્ડ સ્કૂલમાં સંરક્ષિત કરવામાં આવી હતી. બસંતર યુદ્ધ ક્ષેત્રની બહાર પણ અરુણ અને તેમના સાથીઓની યાદમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર અરુણ ખેત્રપાલની કાંસ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

    યુદ્ધનાં 54 વર્ષ વીતી ગયાં, પણ અરુણ ખેત્રપાલની વીરતાની ગાથા આજે પણ સેનાને, જવાનોને, દરેક ભારતીયને પ્રેરિત કરે છે. આ જીવનગાથા પર હવે ફિલ્મ ‘ઈક્કીસ’ આવી રહી છે. શ્રીરામ રાઘવન નિર્દેશિત ફિલ્મ અરુણ ખેત્રપાલના જીવન પર આધારિત હશે. અમિતાભનો દોહિત્ર અગસ્ત્ય નંદા અરુણની ભૂમિકા નિભાવશે. ધર્મેન્દ્ર બ્રિગેડિયર ખેત્રપાલની ભૂમિકામાં છે. ફિલ્મ ડિસેમ્બરમાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં