વિશ્વ હિંદુ પરિષદે (VHP) 26 ડિસેમ્બરના રોજ એક અગત્યની જાહેરાત કરી હતી. જે અંતર્ગત હવે વિશ્વ હિંદુ પરિષદ આગામી વર્ષમાં હિંદુ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરાવવા દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન (JanJagruti Abhiyan) શરૂ કરવા જઈ રહ્યું છે. VHP સંગઠનના મહામંત્રી મિલિંદ પરાંડેએ (MIlind Parande) ગુરુવારે એક પત્રકાર વાર્તા સંબોધતા આ અંગે જાહેરાત કરી હતી.
#WATCH | Delhi | Vishwa Hindu Parishad (VHP) organisation general secretary Milind Parande said, "…VHP has started a nationwide public awareness campaign to free Hindu temples from government control. Its first meeting will be held on January 5 in Vijayawada. We have given a… pic.twitter.com/w3zgtwhlNR
— ANI (@ANI) December 26, 2024
મિલિંદ પરાંડેએ યોજેલી એક પ્રેસ વાર્તા દરમિયાન કહ્યું હતું કે, “હવે તમામ રાજ્ય સરકારોએ મંદિરોના નિયંત્રણ, સંચાલન અને રોજિંદા કામકાજથી પોતાને દૂર કરી દેવા જોઈએ, કારણ કે તેમનું આ કામ હિંદુ સમાજ પ્રત્યે ભેદભાવ પૂર્ણ છે. આગળ તેમણે કહ્યું હતું કે, “ખેડૂતો અને હિંદુ સમાજના શ્રેષ્ઠ લોકોના નેતૃત્વમાં અમે 5 જાન્યુઆરીથી આ સંબંધમાં દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. આંધ્ર પ્રદેશના વિજયવાડામાં આયોજિત લાખો લોકોની વિશાળ સભામાં આ અખિલ ભારતીય અભિયાનની શરૂઆત કરવામાં આવશે.”
આગળ તેમણે કહ્યું હતું કે, “આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશની સ્વતંત્રતા બાદ જે હિંદુ વિરોધી કાર્ય પર વિરામ લાગી જવો જોઈતો હતો એટલે કે, મંદિરો હિંદુ સમાજને સોંપી દેવા જોઈતા હતા, પરંતુ એક પછી એક ઘણી રાજ્ય સરકારો બંધારણની કલમ 12, 25 અને 26ને અવગણતી રહી.” તેમણે એવો પણ પ્રશ્ન કર્યો કે, “જ્યારે કોઈ મસ્જિદ કે ચર્ચ તેમના નિયંત્રણમાં નથી તો પછી હિંદુઓ સાથે આ ભેદભાવ શા માટે? ઘણી હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ સંકેતો છતાં સરકારોએ મંદિરોના સંચાલન અને સંપત્તિઓ પર કબજો જમાવીને બેઠી છે.”
શું છે અભિયાનની મુખ્ય માંગ
નોંધનીય છે કે VHP દ્વારા શરૂ થનાર આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કેટલીક માંગો કરવામાં આવી છે. જેમાં મુખ્ય માંગો નીચે અનુસાર છે.
- મંદિરોની આવક હિંદુ ધર્મના પ્રચાર અને તેને લગતા મુદ્દાઓ પર જ ખર્ચવામાં આવે, ના કે સરકારી કામકાજમાં.
- મંદિર વ્યવસ્થાપન અને પૂજા સંબંધિત કાર્યમાં માત્ર ભગવાનમાં શ્રદ્ધા રાખતા હિંદુઓની ભાગીદારી સુનિશ્ચિત કરવી.
- રાજનેતાઓ અને રાજકીય પક્ષો સાથે સંકળાયેલ વ્યક્તિઓને મેનેજમેન્ટ કમિટીમાં સામેલ ન કરવા.
- મંદિરની જમીન પર બિન-હિંદુઓ દ્વારા બાંધવામાં આવેલા અને અન્ય તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવા.
- મંદિર પરિસરમાં અને બહાર માત્ર હિંદુ વેપારીઓને જ દુકાનો ચલાવવાની મંજૂરી આપવી.
- મંદિરોના સંચાલનને સંતુલિત અને પારદર્શક બનાવવું.
- મંદિરો અને એન્ડોમેન્ટ વિભાગોમાં નિયુક્ત તમામ બિન-હિંદુઓને નોકરીમાંથી મુક્ત કરવા.
ઉલ્લેખનીય છે કે અગાઉ 30 સપ્ટેમ્બરે VHPએ દેશના તમામ રાજ્યોના રાજ્યપાલોને એક આવેદન સુપરત કર્યું હતું અને તેમની સરકારોને મંદિરોના સંચાલનમાંથી ખસી જવા વિનંતી કરી હતી. આ સિવાય અન્ય રાજ્યો અને રાજકીય પક્ષો સાથે ચર્ચા ચાલી રહી છે. VHPના મહામંત્રીના જણાવ્યા અનુસાર VHPનું આ જનજાગૃતિ અભિયાન હિંદુ સમાજને તેની ધાર્મિક સ્વતંત્રતા અને પરંપરાઓનું રક્ષણ કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ છે.