વડોદરામાં (Vadodara) એક ફૂડ ડિલિવરી બોયની એક મહિલાની છેડતી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ મોહમ્મદ અકમલ સિરાજવાલા તરીકે થઈ છે. તે ઝોમેટોમાં કામ કરે છે.
મહિલાનો આરોપ છે કે ફૂડ ડિલીવરી કરવા આવેલા મોહમ્મદ અકમલે તેમનો હાથ પકડીને ટિપ્પણીઓ કરી હતી. તેમણે સમયસૂચકતા વાપરીને દરવાજો બંધ કરી દીધો હતો અને ત્યારબાદ પતિને જાણ કરી હતી, જેમણે પછીથી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વધુ વિગતો અનુસાર, વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ ઝોમેટો પરથી ભોજન ઓર્ડર કર્યું હતું. જે ડિલિવર કરવા માટે આરોપી મોહમ્મદ અકમલ પહોંચ્યો હતો.
મહિલાની ફરિયાદ છે કે, બપોરના સમયે ભોજન પહોંચાડવા આવેલા આરોપીએ પહેલાં ડોરબેલ વગાડી હતી. જેથી તેઓ દરવાજો ખોલીને ફૂડ પેકેટ લઈ રહ્યાં હતાં ત્યારે તેણે તેમનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે ત્યારબાદ મો. અકમલે મહિલાને એમ પણ કહ્યું હતું કે, ‘તું મને બહુ પસંદ છે.’
આટલું સાંભળતાં જ મહિલા ડઘાઈ ગઈ અને તેણે તુરંત દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ તેમણે પતિને સમગ્ર ઘટનાની જાણ કરી હોવાનું કહેવાય છે.
ત્યારબાદ બંનેએ ઝોમેટોને પણ ફરિયાદ કરી અને લક્ષ્મીપુરા પોલીસ મથકે પણ ફરિયાદ આપવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે 19 વર્ષીય મોહમ્મદ અકમલ સિરાજવાલાની ધરપકડ કરી લીધી હતી.
ઘટનાને લઈને DCP જુલી કોઠિયાએ જણાવ્યું હતું કે, આ મામલે ઝોમેટો અને સ્વિગી જેવી ઓનલાઇન ફૂડ ડિલિવરી કરતી એપ્લિકેશનના વડોદરાના સંચાલકોને પણ જાણ કરવામાં આવી હતી અને તેમને તેમના કર્મચારીઓની ભરતી પૂરતી તપાસ બાદ જ કરવા માટે કહેવામાં આવ્યું છે, તેમજ આ પ્રકારના બનાવ ફરી ન બને તે માટે પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
હાલ વડોદરા પોલીસ આરોપી સામે ગુનો દાખલ કરી, તેની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી રહી છે.