એક તરફ જ્યાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ (Maha Kumbh) યોજાય રહ્યો છે, જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યાં બીજી તરફ ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલવી શાહબુદ્દીન રઝવીએ જ્યાં કુંભ યોજાઈ રહ્યો છે એ જમીન વક્ફની (Waqf) હોવાનો દાવો કરી દીધો છે, જેના કારણે વિવાદ સર્જાયો છે.
મૌલવીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ કહે છે કે, પ્રયાગરાજમાં જ્યાં કુંભનું આયોજન થઈ રહ્યું છે તેમાંથી 55 વીઘાં જમીન વક્ફની માલિકીની છે. સાથે કહે છે કે, મુસ્લિમોએ વક્ફની જમીન હોવા છતાં ત્યાં થતા આયોજન પ્રત્યે ‘દરિયાદિલી’ દેખાડી છે, પણ સાધુઓ અને અખાડા પરિષદ મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી રહ્યા છે.
WATCH | The 54 Bigha land where the #Mahakumbh Mela is being held in #Prayagraj belongs to the #WAQF board, claims Maulana Shahabuddin Razvi, a Barelvi cleric. pic.twitter.com/lGWIBM8Iko
— Organiser Weekly (@eOrganiser) January 5, 2025
મૌલાના કહે છે કે, “કુંભ મેળામાં જે રીતે અખાડા પરિષદ, નાગા સંન્યાસીઓ અને સાધુઓએ મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો, એ પરિદ્રશ્યમાં જોઈએ તો સ્વયં પ્રયાગરાજના મુસ્લિમો છે, તેમાંથી સરતાજ નામના એક વ્યક્તિએ જાણકારી આપી કે જે જમીન પર તંબૂ પાડવામાં આવી રહ્યા છે, આયોજન કરવામાં આવી રહ્યું છે તે વક્ફની જમીન છે, ત્યાંના મુસ્લિમોની જમીન છે.”
તેઓ આગળ કહે છે, “દરિયાદિલી જુઓ મુસ્લિમોની, કે તેમણે ક્યારેય આયોજન માટે ના ન પાડી. પરંતુ અખાડા પરિષદના લોકો ત્યાં મુસ્લિમોના પ્રવેશ પર પાબંદી લગાવી રહ્યા છે. મુસ્લિમોએ મોટું હૃદય દેખાડીને આ આયોજન પર કોઈ આપત્તિ વ્યક્ત ન કરી અને 55 વીઘાંની જમીન, જે વક્ફની જમીન છે, ત્યાં કુંભ મેળો યોજાય રહ્યો છે.” અંતે કહે છે કે, “આનાથી સ્પષ્ટ થાય છે કે કોણ મોટું દિલ દેખાડી રહ્યું છે અને કોણ નહીં. સાધુ-સંતો અને ત્યાંના જવાબદાર લોકોએ ધ્યાન આપવું જોઈએ.”
મૌલવીની આ ટિપ્પણીઓથી હવે વિવાદ સર્જાયો છે અને કુંભ મેળાના આયોજનની જગ્યાને વક્ફની જગ્યા જણાવવા બદલ ટીકા પણ ખૂબ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે UPના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થનાર છે. જેનો ભવ્ય શુભારંભ 13 જાન્યુઆરીના રોજ થશે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન કરોડો લોકો ભાગ લેશે તેમજ દેશભરમાંથી સાધુ-સંતો આવશે. હાલ તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વ્યક્તિગત રીતે આ તૈયારીઓ પર દેખરેખ રાખી રહ્યા છે.