રાજસ્થાનના બિકાનેર જિલ્લામાંથી પસાર થતી વખતે જમ્મુ તવી-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન નં. 19224માં 3 નવેમ્બરની મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. ઠંડીનાં વાતાવરણના કારણે ધાબળો માંગવાને લઈને થયેલ વિવાદમાં એસી કોચના એટેન્ડન્ટ ઝુબૈર મેમણે ભારતીય સેનાના 27 વર્ષીય સૈનિક જીગર કુમાર ચૌધરીને છરાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ મામલે પોલીસે FIR નોંધી છે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ફરિયાદી TTE દેવકિશન સરનએ જણાવ્યું છે કે ઘટના સમયે તેઓ ડ્યુટી પર હતા. લુનકરણસર સ્ટેશન પસાર થયા પછી પેન્ટ્રી કાર મેનેજર શિવકુમાર તેમની પાસે દોડતો-દોડતો આવ્યો અને જણાવ્યું કે S-2 કોચમાં એક પેસેન્જર અને AC કોચ B-4ના એટેન્ડન્ટ વચ્ચે મારામારી થઈ છે. દેવકિશને ત્યાં પહોંચતાં જોયું કે સીટ નં. 9થી 4ની વચ્ચે એક યાત્રી લોહીલુહાણ હાલતમાં પડ્યો છે. પેન્ટ્રી મેનેજરે કહ્યું કે ઘાયલની આ હાલત ઝુબૈર નામના એટેન્ડન્ટના કારણે થઈ છે.
ઘાયલ વ્યક્તિનું આઈડી ચેક કરતા જાણવા મળ્યું કે તેમનું નામ જીગર કુમાર ચૌધરી છે અને તેઓ પંજાબના ફિરોઝપુર કેન્ટના ભારતીય સેનાના સૈનિક છે તથા ગુજરાતના સાબરમતી જઈ રહ્યા છે. તેમની સીટ S-3 કોચમાં 12 નંબરની હતી. ઘટનાની જાણ થતા જ TTEએ તુરંત બિકાનેરના કમર્શિયલ કંટ્રોલ ઓફિસને જાણ કરી અને RPF તથા મેડિકલ ટીમને બિકાનેર જંક્શન પર તૈયાર રહેવા કહ્યું.
ટ્રેન લગભગ 1 વાગ્યાની આસપાસ બિકાનેર જંકશન પર આવી પહોંચી હતી. દરમિયાન RPF, GRP અધિકારીઓ અને એક તબીબી ટીમ પહેલેથી જ રાહ જોઈ રહી હતી. ડૉક્ટરે જીગરની તપાસ કરતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સૈનિકના શરીર પર, છાતી અને પેટમાં છરીના ઘા હોવાની પુષ્ટિ થઈ હતી. બાદમાં તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બિકાનેરની પ્રિન્સ વિજય સિંઘ મેમોરિયલ (PBM) હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
ત્યાર પછી પોલીએ AC કોચના સ્ટાફ અને પેસેન્જરોની પૂછપરછ કરી હતી. સાક્ષીઓના નિવેદનો અને પુરાવાના આધારે AC એટેન્ડન્ટ ઝુબૈર મેમણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની કલમ 103(1) (હત્યા) હેઠળ કેસ નોંધીને ધરપકડ કરી હતી. ત્યાર પછીની તપાસ દરમિયન 4 નવેમ્બરે સવારે પોલીસને ટ્રેનમાંથી જ લોહીથી લથપથ છરો મળ્યો હતો, જે હુમલામાં વપરાયેલ હથિયાર હોવાનું કહેવાય રહ્યું છે.
FIRમાં અનેક ઘટસ્ફોટ
FIR અનુસાર ઠંડી વધતા રાત્રે લગભગ 12:30 કલાકે ભારતીય સેનાના જવાન જીગર કુમારે એસી કોચના એટેન્ડન્ટ પાસે જઈને ધાબળો માંગ્યો હતો. જોકે, એટેન્ડન્ટ ઝુબૈરે ઇનકાર કરીને કહ્યું હતું કે ધાબળા માત્ર એસીમાં મુસાફરી કરતા મુસાફરો માટે જ છે. ત્યારપછી જીગર અને ઝુબૈર વચ્ચે દલીલ થઈ હતી. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા ઝુબેરે છરો કાઢીને જીગર પર અનેક વાર હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ કોચના ફ્લોર પર લોહીલુહાણ થઈને ફસડાઈ પડ્યા હતા.
GRP બિકાનેરે S-2 કોચને ફોરેન્સિક તપાસ માટે સીલ કરી દીધો છે. જોધપુરથી એક FSL ટીમને ડબ્બાની તપાસ કરવા અને પુરાવા એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. સમગ્ર ઘટના જાણવા માટે મુસાફરો, પેન્ટ્રી મેનેજર અને રેલવે કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. અધિકારીઓએ ભારતીય સેના અને ગુજરાતના મૃતકના પીડિત પરિવારને પણ આ ઘટના અંગે જાણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે જીગર જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં તહેનાત હતા અને રજા પર ઘરે પરત ફરી રહ્યા હતા.


