દિલ્હી રમખાણોનો આરોપી તાહિર હુસૈન (Tahir Hussain) ‘ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન’ (AIMIM) તરફથી ટિકિટ મળ્યા બાદ જેલમાંથી બહાર આવવા માટે તલપાપડ છે. આ કારણોસર તેણે નોમિનેશન માટે જામીન (Bail) માંગ્યા હતા અને હવે તે ચૂંટણી પ્રચાર માટે જામીન માંગી રહ્યો છે. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, હુસૈન જેવા લોકોને ચૂંટણી લડવાથી રોકવા જોઈએ.
તાહિર હુસૈન દ્વારા કરાયેલ અરજી પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પંકજ મિત્તલ અને જસ્ટિસ અમાનુલ્લાહની બેન્ચ સુનાવણી કરશે. પહેલાં આ સુનાવણી 20 જાન્યુઆરીએ જ થવાની હતી, પરંતુ પછીથી તેને 21 જાન્યુઆરી માટે સૂચિબદ્ધ કરવામાં આવી છે. આ દરમિયાન, ન્યાયાધીશોને કેસની વિગતો આપવામાં આવી હતી, જે દરમિયાન જસ્ટિસ મિત્તલે કહ્યું હતું કે, “આજકાલ તો લોકો જેલમાં બેસીને ચૂંટણી લડે છે… જેલમાં બેસીને ચૂંટણી જીતવી સરળ બની ગઈ છે.”
અહેવાલ અનુસાર, જસ્ટિસ મિત્તલે વધુમાં કહ્યું હતું કે, હુસૈન જેવા લોકોને ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં હાઇકોર્ટે AIMIM ઉમેદવાર તાહિર હુસૈનના કસ્ટડી પેરોલ મંજૂર કર્યા હતા, જેથી તે ચૂંટણીમાં પોતાનું નામાંકન ભરી શકે. તે સમયે, દિલ્હી પોલીસે તેમના જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે, તાહિર હુસૈન રમખાણોનો મુખ્ય કાવતરાખોર, માસ્ટરમાઇન્ડ અને ફંડિંગ કરનાર હતો. તે UAPA અને PMLA સહિત ત્રણ કેસમાં જેલમાં છે.
'All such persons should be barred from contesting': J. Pankaj Mithal of #SupremeCourt on plea filed by AIMIM candidate and Delhi Riots accused Tahir Hussain seeking interim bail to campaign for Delhi Assembly polls
— Live Law (@LiveLawIndia) January 20, 2025
Recently, Delhi HC granted Hussain parole to file nomination pic.twitter.com/ukkHz01Fzs
દિલ્હી પોલીસનો પક્ષ સાંભળ્યા પછી, તાહિર હુસૈનની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને ફક્ત નામાંકન માટે કસ્ટડી પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. હવે તાહિર હુસૈન ચૂંટણી પ્રચાર માટે બહાર આવવા માંગતો હતો. અગાઉ, તેણે 14 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી જેલની બહાર રહેવા માટે અરજી દાખલ કરી હતી.
આ ઉપરાંત, તેની સામે ઇન્ટેલિજન્સ બ્યુરોના (IB) કર્મચારી અંકિત શર્માની હત્યાનો કેસ નોંધાયેલ છે. માર્ચ 2024માં, ટ્રાયલ કોર્ટે હુસૈન અને અન્ય લોકો સામે IPCની કલમ 147, 148, 153A, 302, 365, 120B, 149, 188 અને 153A હેઠળ આરોપો ઘડ્યા હતા. હુસૈન પર IPCની કલમ 505, 109 અને 114 હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.
હિંદુવિરોધી રમખાણોના કેસમાં જેલમાં અંદર
ઉલ્લેખનીય છે કે, તાહિર હુસૈનની વર્ષ 2020માં દિલ્હીમાં થયેલા હિંદુવિરોધી રમખાણો બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી કડકડડૂમા કોર્ટે તાહિર હુસૈન અને અન્ય 10 આરોપીઓ સામે હત્યા સહિત અનેક ગંભીર કલમો હેઠળ આરોપો ઘડ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, તાહિર હુસૈનની પ્રવૃત્તિઓ દર્શાવે છે કે, તે ટોળાને ઉશ્કેરી રહ્યો હતો. ત્યારે હુસૈને પોતાના બચાવમાં કહ્યું હતું કે, તે ટોળાને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તેમને ઉશ્કેરવાનો નહીં. જોકે, બધા પુરાવા તેની વિરુદ્ધ હતા.