ગુજરાતના (Gujarat) 2 શહેરોમાં એવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક મકાન વેચવાના મામલે વિવાદ શરૂ થયો છે. એક મામલો વડોદરા (Vadodara) શહેરનો છે જ્યારે બીજો મામલો સુરત (Surat) શહેરનો છે. સુરતમાં કલેક્ટરે એક સંપત્તિને સીલ કરી દીધી છે, જ્યારે બીજો મામલો વડોદરાનો છે. વડોદરામાં ગુજરાત સરકારના હાઉસિંગ યોજનાના ઘણા રહેવાસીઓએ એક મુસ્લિમ મહિલાને ફ્લેટ ફાળવવા સામે વિરોધ શરૂ કર્યો હતો. આ બંને વિસ્તારો અશાંતધારા ક્ષેત્રમાં આવે છે.
શું છે સુરતની ઘટના?
તાજેતરમાં, સુરત જિલ્લા કલેક્ટરે જૂના શહેરના સલાબતપુરા વિસ્તારમાં એક મિલકત સીલ કરી દીધી હતી. જેનું કારણ હતું કે, મિલકતની માલિક હિંદુ મહિલા છે અને તેણે આ મિલકત મુસ્લિમ મહિલાને વેચી દીધી હતી. જ્યારે આ વિસ્તાર અશાંતધારા હેઠળ આવે છે. તેથી કલેક્ટરે આ વેચાણને અશાંતધારા વિસ્તાર અધિનિયમનું ઉલ્લંઘન ગણાવીને મિલકતને સીલ કરી દીધી હતી.
નોંધનીય છે કે, વેચાણની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થઈ નથી છતાં તેને ગુજરાત સ્થાવર મિલકતના ટ્રાન્સફર પ્રતિબંધ અને અશાંત વિસ્તારોના અધિનિયમની કલમ 5નું ઉલ્લંઘન માનવામાં આવ્યું છે. કાયદાની કલમ 5(a) અને (b) હેઠળ મિલકત વેચવા માંગતા વ્યક્તિએ મંજૂરી માટે કલેક્ટરને અરજી કરવી આવશ્યક છે. કલેક્ટર ઔપચારિક તપાસ કરે છે, બધા પક્ષકારોને સાંભળે છે અને સોદાને મંજૂરી આપવા અથવા નકારવાની સત્તા ધરાવે છે.
વડોદરામાં પણ મુસ્લિમ મહિલાને મકાન ફાળવવા પર વિરોધ
ગુજરાત સરકારના હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા બનાવવામાં આવેલી એક હાઉસિંગ યોજનાના મકાનોમાં એક મુસ્લિમ મહિલાને ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. ત્યારે ફ્લેટના ઘણા રહેવાસીઓએ આ બાબતનો વિરોધ કર્યો અને દલીલ કરી છે કે, આ વિસ્તાર ‘ફક્ત હિંદુઓ માટે’ છે.
પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, જો આ ફાળવણી રદ નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને તેમની માંગ સાથે ગાંધીનગર તથા દિલ્હીમાં પણ પ્રદર્શન કરશે. મહત્વની બાબત છે કે, આ વિસ્તાર પણ અશાંતધારા અધિનિયમ હેઠળ આવે છે. મુસ્લિમ મહિલાનું કહેવું છે કે, આ મકાન તેને 2018માં ફાળવવામાં આવ્યું હતું. જોકે, 6 વર્ષથી તે બીજી જગ્યાએ રહે છે.
વિરોધ કરી રહેલા રહેવાસીઓએ જણાવ્યું હતું કે, લઘુમતી સમુદાયના સભ્યોને મકાનો ફાળવી શકાય નહીં કારણ કે હરણી વિસ્તાર, જ્યાં આ ફ્લેટ આવેલા છે તે હિંદુ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે અને અશાંત ક્ષેત્ર અધિનિયમ હેઠળ આવે છે. જે જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના એક ધાર્મિક સમુદાયના સભ્યો દ્વારા બીજા સમુદાયના લોકોને મિલકત વેચવા પર પ્રતિબંધ મૂકે છે. જોકે, આ મામલે VMC તપાસ કરી રહી છે.
શું છે અશાંત ધારો?
અશાંતધારો એ એક એવો કાયદો છે કે, જે વિસ્તારમાં થતી મિલકતોની લે-વેચ પર નજર રાખે અને જરૂર પડે તો અટકાવે છે. આ કાયદો મોટા ભાગે એવા વિસ્તારોમાં લગાવવામાં આવે છે, જ્યાં કોઈ એક સમુદાય ડેમોગ્રાફીમાં બદલાવ કરી રહ્યો હોય અને જેનાથી અન્ય સમુદાયો જોખમમાં મૂકાતા હોય છે.
જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો હોય ત્યાં મિલકતોના લે-વેચમાં અમુક નિયંત્રણો લગાવવામાં આવે છે. મિલકતના માલિકે તેને વેચતા પહેલાં કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે જ એ મિલકત વેચવાનું યોગ્ય કારણ તથા તે મિલકત કોણ ખરીદી રહ્યું છે, તેની પૂરતી જાણકારી આપવી પડે છે. જે બાદ સ્થાનિક કલેક્ટર આ જાણકારીને ક્રોસ ચેક કરે છે. કલેક્ટરને જો આ જાણકારીઓ યોગ્ય લાગે અને તેનાથી વિસ્તારની ડેમોગ્રાફીમાં બદલાવ ન થતો હોય તો જ તેઓ આ સોદાને મંજૂરી આપતા હોય છે.