માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સજા અપાવનારા સુરતની કોર્ટના જજ સહિત કુલ 68 ન્યાયાધીશોના પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું, જેની ઉપર સુનાવણી હાથ ધરીને કોર્ટે સ્ટે મૂકી દીધો છે. જેથી હાલના તબક્કે આ જજોનું પ્રમોશન કે ટ્રાન્સફર થઇ શકશે નહીં.
#SupremeCourt STAYS PROMOTION of 68 JUDICIAL OFFICERS from Gujarat, including the one which convicted #RahulGandhi in a defamation case.
— LawBeat (@LawBeatInd) May 12, 2023
Pending final orders, these judicial officers have been sent back to their preceding posts.#SupremeCourtofIndia pic.twitter.com/BGG1XvV2T0
જસ્ટિસ એમ આર શાહ અને સીટી રવિકુમારની બેન્ચે જજોના પ્રમોશન માટેની ગુજરાત હાઇકોર્ટની ભલામણ અને આ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા નોટિફિકેશન પર સ્ટે મૂકી દીધો છે. કોર્ટે કહ્યું કે, પ્રમોશન મેરિટ-કમ-સિનિયોરીટીના આધારે કરવામાં આવવું જોઈએ, હાઇકોર્ટની ભલામણ અને સરકારનું નોટિફિકેશન ગેરકાયદેસર છે.
કોર્ટે કહ્યું કે, અરજી પર સુનાવણી ચાલી રહી હતી અને કોર્ટે નોટિસ પણ જારી કરી હતી, તેમ છતાં રાજ્ય સરકારે નોટિફિકેશન ઇસ્યુ કર્યું હતું. અમે હાઇકોર્ટની ભલામણ અને સરકારના નોટિફિકેશન પર સ્ટે મૂકી રહ્યા છીએ. જે-તે ન્યાયાધીશો પ્રમોશન પહેલાં જે પદ પર હતા ત્યાં જ રહેશે. જોકે, કોર્ટે હજુ અરજીનો નિકાલ કર્યો નથી અને પ્રમોશન અટકાવવા માટે વચગાળાનો આદેશ પસાર કર્યો છે. હવે આગલી સુનાવણી ચીફ જસ્ટિસની બેન્ચ કરશે, કારણ કે જસ્ટિસ એમ. આર શાહ 15 મેના રોજ વયનિવૃત્ત થઇ રહ્યા છે.
આ 68 ન્યાયાધીશો પૈકીના એક સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના ન્યાયાધીશ હરીશ હસમુખ વર્મા પણ છે. મોદી સમાજ પર કરેલી ટિપ્પણી મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ થયેલો માનહાનિનો કેસ તેમની જ કોર્ટમાં ચાલી રહ્યો હતો અને ગત માર્ચ મહિનામાં તેનો ચુકાદો આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. ત્યારબાદ આ ચુકાદાને સેશન્સ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો પરંતુ ત્યાંથી પણ કોર્ટે રાહત આપી ન હતી. હાલ મામલો ગુજરાત હાઇકોર્ટમાં છે.
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટની ભલામણના આધારે સરકારે રાજ્યમાં જુદી-જુદી કોર્ટમાં ફરજ બજાવતા 68 ન્યાયાધીશોના બઢતી અને બદલીના આદેશ કર્યા હતા. જેમાં સુરત કોર્ટના જજ એચ. એચ વર્માની બદલી જામનગરની કોર્ટમાં કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ આદેશને પડકારવામાં આવ્યો હતો.
આ ન્યાયાધીશોને 65 ટકા ક્વોટા સિસ્ટમ હેઠળ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેની સામે સિનિયર સિવિલ જજ કેડરના બે જ્યુડિશિયલ ઓફિસર રવિ મહેતા અને સચિન મહેતાએ વાંધો ઉઠાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હાઇકોર્ટની યાદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જજોની નિમણૂંક માટે ઇસ્યૂ કરવામાં આવેલ નોટિફિકેશન રદ કરવાની માંગ કરીને મેરિટ અને સિન્યોરીટીના આધારે નવું લિસ્ટ બનાવીને નિમણૂંક કરવાની માંગણી કરવામાં આવી હતી.