Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપનાર સુરતની કોર્ટના જજને પ્રમોશન, રાજકોટ બદલી કરાઈ:...

  રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપનાર સુરતની કોર્ટના જજને પ્રમોશન, રાજકોટ બદલી કરાઈ: અન્ય 68 ન્યાયાધીશોની વિવિધ જિલ્લાઓમાં બઢતી-બદલી

  સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ એચ. એચ વર્માને બઢતી આપીને રાજકોટ કોર્ટ ખાતે 16મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

  - Advertisement -

  મોદી સમાજ વિશેની ટિપ્પણી મામલેના રાહુલ ગાંધી સામેના માનહાનિ કેસમાં ચુકાદો સંભળાવનાર સુરતની કોર્ટના જજ હરેશ હસમુખ વર્માનું પ્રમોશન અને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ સાથે અન્ય પણ કેટલીક કોર્ટમાં ફરજ બજાવતા જજોની વિવિધ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. 

  રાજ્ય કાયદા વિભાગ દ્વારા બુધવારે (3 મે, 2023) આ આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ એચ. એચ વર્માને પ્રમોશન આપીને રાજકોટ કોર્ટ ખાતે 16મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. તેમણે જ રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપ્યો હતો. 

  આ ઉપરાંત અન્ય 68 જેટલા ન્યાયાધીશોની અલગ-અલગ ઠેકાણે બદલી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠાના દિયોદરમાં સાતમા એડિ. ડિસ્ટ્રિક્ટ જજ કે. એસ હિરપરાની સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના 15મા એડિ. ડિસ્ટ્રિક્ટ જજ તરીકે, સુરત-કઠોર કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ ટી. એચ દવેની જામનગર કોર્ટના 4થા એડિ. ડિસ્ટ્રિક્ટ જજ તરીકે, સુરત લેબર કોર્ટના જજ નરેશ શાહને સુરેન્દ્રનગર કોર્ટમાં બઢતી સાથે બદલી કરવામાં આવી છે. 

  - Advertisement -

  આ ઉપરાંત, બારડોલી કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યુ. એન સિંધીને પ્રમોશન આપીને બારડોલી કોર્ટના 17મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ નીમવામાં આવ્યા છે. જ્યારે સુરત સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સુરત કોર્ટના 18મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બન્યા છે

  રાહુલ ગાંધીનો કેસ એચ. એચ વર્માની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ગત 23 માર્ચના રોજ તેમણે ચુકાદો આપીને રાહુલ ગાંધીને માનહાનિના દોષી ઠેરવ્યા હતા અને 2 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ રાહુલે આ ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારીને સજા પર સ્ટે મૂકવાની માંગ કરી હતી, પરંતુ ત્યાંથી પણ તેમને રાહત મળી ન હતી. 

  હવે આ કેસ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે, જ્યાં સુનાવણી પૂર્ણ કરીને ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. વેકેશન બાદ જૂન મહિનામાં ચુકાદો સંભાળવવામાં આવશે. ત્યાં સુધી રાહુલ ગાંધીને વચગાળાની રાહત આપવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. 

  આ કેસ વર્ષ 2019માં રાહુલ ગાંધીએ આપેલા એક ભાષણ મામલનો છે, જેમાં તેમણે કહ્યું હતું કે, નિરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદી- આ બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે? જેને લઈને ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં ફરિયાદ કરી હતી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં