Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરત પૂર્વ બેઠકના ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ થયું કે પછી આંતરિક વિખવાદ...

    સુરત પૂર્વ બેઠકના ઉમેદવાર કંચન જરીવાલાનું અપહરણ થયું કે પછી આંતરિક વિખવાદ કારણભૂત?: ઑપઇન્ડિયાનો ચોંકાવનારો ગ્રાઉન્ડ રીપોર્ટ

    ગઈકાલ સાંજથી જ ગુજરાત આમ આદમી પાર્ટીના શીર્ષ નેતાઓ અને આજે સવારે આ જ પક્ષની કેન્દ્રીય નેતાગીરી જે કંચન જરીવાલાના અપહરણની ખોટી માહિતી ફેલાવી રહ્યાં હતાં તે અંગેની જમીન પરની હકીકત તો કશું બીજું જ વર્ણન કરે છે.

    - Advertisement -

    અગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં એવી રાજકીય ઉથલપાથલ મચી છે જે આજદિન સુધી ક્યારેય જોવા નથી મળી રહી, તેવામાં આમ આદમી પાર્ટીએ ભાજપ પર પોતાના સુરત પૂર્વ બેઠકના ઉમેદવારનું અપહરણ કરવાનો ગંભીર આરોપ લગાવ્યા બાદ સમજી શકાય છે કે AAP ગુજરાતમાં કયા પ્રકારના રાજકારણની શરૂઆત કરી રહ્યું છે, AAP ઉમેદવાર કંચન જરીવાલા જ્યારે પોતાની દાવેદારી પરત લેવા પહોંચ્યા ત્યારે એવા ખુલાસો થયા જે વાંચીને આપ ચોંકી જશો.

    વાસ્તવમાં સુરતના AAP ઉમેદવાર કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા પોલીસ સુરક્ષા વચ્ચે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. તો બીજી તરફ દિલ્હીથી માંડીને ગુજરાતના સુરત સુધી AAPના નેતાઓ જરીવાલાના અપહરણ થયા હોવાના આરોપો ભાજપ પર લગાવી રહ્યા હતા. જરીવાલાના ભૂગર્ભમાં ઉતરવાનો ફાયદો ઉઠાવવા AAP એટલું અધીર થઇ ગયું કે ઇસુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલ તો ઠીક પણ AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ જાણે કે અચાનક મળી ગયેલી કોઈ તકનો ફાયદો ઉઠાવતા હોય તેમ મચી પડ્યા હતા.

    શું હતો AAPનો દાવો

    - Advertisement -

    શરૂઆત કરીએ ગુજરાત AAPના CM ચહેરા ઇસુદાન ગઢવીથી, ગઈકાલે ઇસુદાન ગઢવીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું કે, “ભાજપ આપથી એટલું ડરી ગયું છે કે સુરત ઇસ્ટથી ચૂંટણી લડનારા કંચન જરીવાલાની પાછળ ભાજપવાળા કેટલાક દિવસથી પડ્યા હતા. અને આજે તેઓ ગાયબ થઇ ગયા છે, ભાજપના ગુંડાઓએ એમને ઉઠાવી લીધા છે. એમનો પરિવાર પણ ગાયબ છે. ભાજપ કેટલું નીચે જશે?”

    આજ રીતે મોકાનો ફાયદો ઉઠાવવા ગોપાલ ઈટાલીયાએ પણ ટ્વીટ કર્યું કે આમ આદમી પાર્ટીએ વિકાસની પોલ ખોલતા ભાજપના ગુંડાઓ નોમીનેશન પાછું લેવડાવી રહ્યા છે. અધૂરામાં પૂરું ગોપાલ ઈટાલીયાએ સીધો ચૂંટણી પંચ પર જ સવાલ ઉભો કરી દીધો કે તે માત્ર તમાશો જોઈ રહ્યું છે.

    આતો ગુજરાતના નેતાઓની વાત હતી પણ અરવિંદ કેજરીવાલ પણ મોકાનો ફાયદો લેવા દારુકાંડના આરોપી મનીષ સિસોદિયાએ કરેલા કેજરીવાલના અપહરણના દાવાવાળી ટ્વીટ રીટ્વીટ કરતા ગુજરાત પોલીસને ગુંડાઓ સાથે સરખાવીને લખ્યું હતું કે, ગુંડાઓ અને પોલીસના દમ પર અપહરણ કરીને નામાંકન પાછું લેવડાવામાં આવે છે. આ પ્રકારની ગુંડાગીરી આખા ભારતમાં ક્યાય નથી જોઈ.

    ઑપઈન્ડિયાની તપાસમાં વાસ્તવિકતા કઈક અલગ જ નીકળી

    અમે જ્યારે આ ઘટનાની ઝીણવટ ભરી તપાસ કરી ત્યારે ચોંકાવનારી માહિતીઓ સામે આવી હતી. અમારી ટીમે જયારે જમીની સ્તરથી તપાસ કરવાનું ચાલુ કર્યું ત્યારે અમારા અંગત સુત્રોએ જણાવ્યું હતું કે કંચન જરીવાલાએ ગઈકાલે ઉમેદવારી નોંધાવ્યા બાદ બપોરથી ફોન બંધ કરી નાખ્યો હતો. તેમના પરિવારના સભ્યો અને નજીકના સમર્થકોએ પણ પોતાના ફોન બંધ કરી દીધા હતા અને તેઓ પોતે જ પોતાના ઘરને તાળું મારીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. અને આજે અપહરણની અફવાઓ વચ્ચે તેઓ જાતેજ પોતાની મરજીથી ઉમેદવારી પરત ખેંચવા પહોંચ્યા હતા. એ હકીકત નોંધવા જેવી છે કે જેનું અપહરણ થયું હોય તે વ્યક્તિ જાતે ઘરના દરવાજાને તાળું મારીને ક્યાંય જતો નથી.

    પાર્ટીના આંતરિક વિખવાદના ભોગ બન્યા કંચન જરીવાલા

    અમારા અંગત સુત્રોએ એમ પણ જણાવ્યું કે કંચન જરીવાલા આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાદ અને તેમનાજ કાર્યકર્તાઓના વિરોધનો ભોગ બન્યા હતા, જરીવાલાના અંગત વોટ્સપ ગ્રુપમાં ગત વર્ષની કોર્પોરેશન ચૂંટણીના આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે કંચન જરીવાલાને વોટ નહી કરવા માટેના મેસેજ મુક્યા હતા, જેમાં કંચન જરીવાલાના ફોટા પર કાળા કલરથી ચોકડી મારેલી છે અને નીચે “આ ભાઈને વોટ આપવો નહિ” તેમ લખેલું છે.

    વોટ્સપ ગૃપમાં શેર થયેલા મેસેજનો સ્ક્રીનશોટ

    જોકે ઑપઈન્ડિયા આ સ્ક્રીનશોટ પ્રમાણિત હોવાની પુષ્ટિ નથી કરતું. પણ જે પ્રકારે કંચન જરીવાલાનો એક વિડીયો દિવ્ય ભાસ્કરે જાહેર કર્યો છે કે તેઓ પોતાની મરજીથી રાજી-ખુશીથી તેમની ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે. અને આમ આદમી પાર્ટી જે પ્રમાણે ભાજપ પર આક્ષેપ કરી રહી છે ત્યારે સ્થાનિક સુત્રોએ જે માહિતી આપી છે તે ઘણું બધું કહી જાય છે.

    કંચન જરીવાલાને વોટ ન આપવા વોટ્સપ કરેલો ફોટો

    કંચન જરીવાલાની નિવેદન આવ્યું સામે.

    કંચન જરીવાલાએ એક video જાહેર કરીને જણાવ્યું છે કે “હું જયારે મારા મતવિસ્તારમાં લોકો સામે જતો હતો ત્યારે લોકો કહેતા કે તમે રાષ્ટ્રવિરોધી અને દેશ વિરોધી પાર્ટીમાંથી ચુંટણી લડો છો માટે તમને સમર્થન આપીશું નહિ આ વાત આવતા મારા અંતરઆત્માનો અવાજ સંભાળીને ઇલેકશન ન લડવાનું નક્કી કર્યું છે. મારા પર કોઈ જાતનું દબાણ નથી.

    શું છે કંચન જરીવાલાની રાજકીય કુંડળી

    કંચન જરીવાલા કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી વોર્ડ નંબર 13માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત તેઓ વર્ષો પહેલા જનતા દળમાંથી કોર્પોરેશનમાં ચૂંટણી લડ્યા હતા અને અપક્ષમાંથી પણ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. કુલ અત્યાર સુધીમાં તેઓ 3 ઇલેક્શન લડી ચૂક્યા છે. આ વખતે પ્રથમ વાર તેઓ વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર થયા હતા.

    અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પ્રથમ દ્રષ્ટીએ સુરતના AAP ઉમેદવાર કંચન જરીવાલા પાર્ટીના આંતરિક વિખવાદના ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. તે છતાં AAP દ્વારા જે દાવો કરવામાં આવી રહ્યા છે અને મીડિયાનો સહારો લઈને ગુજરાત અને આખા દેશમાં જે જુઠ્ઠાણું ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તે આગામી સમયમાં AAPને સુરતમાં અને સમગ્ર ગુજરાતમાં કામ લાગશે કે તેમને ઉંધેકાંધ પછાડશે તે જોવું રહ્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં