પોડકાસ્ટર રણવીર અલાહાબાદિયાને (Ranveer Allahbadia) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેની ધરપકડ પર રોક લગાવી દીધી છે. કોર્ટે તેને તપાસમાં સહયોગ કરવા પણ જણાવ્યું છે. વધુમાં સુપ્રીમ કોર્ટે તેના પર કોઈપણ નવા શો કરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. તેને રાહત આપતી વખતે સુપ્રીમ કોર્ટે તેની ભારે ટીકા પણ કરી છે.
અલાહાબાદિયા દ્વારા તેની ધરપકડ પર રોક લગાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે (18 ફેબ્રુઆરી, 2025) સુનાવણી કરી. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કોટિશ્વર સિંઘ દ્વારા કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, “મુંબઈ અને ગુવાહાટીમાં નોંધાયેલી FIR હેઠળ અરજદારની ધરપકડ પર રોક લગાવવામાં આવે છે. શરત એ છે કે, તે સમન્સ પાઠવવામાં આવે ત્યારે તપાસમાં જોડાય. તેને ધરપકડમાંથી વચગાળાની રાહત એ શરતે આપવામાં આવી છે કે, તે પોલીસ સ્ટેશનની અંદર કોઈ વકીલ વિના તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.”
‘તેના મનમાં ભરેલી છે ગંદકી’- સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે અલાહાબાદિયાને ફટકાર લગાવતા કહ્યું છે કે, “આવા વર્તનની નિંદા થવી જોઈએ. તમે ફક્ત લોકપ્રિય છો એટલે સમાજને હળવાશથી ન લઈ શકો. શું પૃથ્વી પર કોઈ છે જેને તમારી આ ભાષા ગમશે? તેના મનમાં એટલી બધી ગંદકી છે કે, તેણે તેની જ ઊલટી કરી દીધી છે. અમે તેને શા માટે રાહત આપીએ?”
સુપ્રીમ કોર્ટે અલાહાબાદિયાની ભાષાને બધા માટે શરમજનક ગણાવી છે. કોર્ટે કહ્યું, “તમે જે શબ્દો કહ્યા છે તે માતાપિતા, પુત્રીઓ અને બહેનોને શરમાવે છે. આખો સમાજ શરમાયો છે. તમે અને તમારા સાથીઓ સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છો. હવે આ મામલે કાયદાનું પાલન થવું જોઈએ.”
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલાહાબાદિયા ગંદા મગજવાળો અને વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ છે. સુપ્રીમ કોર્ટે એ વાત પર નારાજગી વ્યક્ત કરી કે, માત્ર 2 FIR પછી, અલાહાબાદિયાએ તાત્કાલિક સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે કહ્યું કે, જો સેંકડો FIR હોત તો રાહત આપવાનો પ્રશ્ન ઉભો થયો હોત, પરંતુ 2 FIR પર આવું કેમ કરવામાં આવ્યું?
બેન્ચે અલાહાબાદિયાને લઈને કહ્યું કે , “એકવાર તમે અનેક FIRમાં ફસાઈ જાઓ છો, ત્યારે તમારો બચાવ કરવાનો અધિકાર ખૂબ જ ઓછો થઈ જાય છે. આવી સ્થિતિમાં કોર્ટે તમારું રક્ષણ કરવું જોઈએ. પણ ફક્ત એટલા માટે કે, તમારી પાસે સુપ્રીમ કોર્ટમાં આવવાની ક્ષમતા છે, તો તમને શા માટે મદદ કરવામાં આવે?”
ધરપકડ પર લગાવી રોક
સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ પણ અલાહાબાદિયાને ફટકાર લગાવી છે. આરોપી તરફથી હાજર રહેલા એડવોકેટ અભિનવ ચંદ્રચૂડે દાવો કર્યો હતો કે, તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે, તેમની જીભ કાપવા બદલ ₹5 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, રણવીર અલાહાબાદિયાની અશ્લીલ ટિપ્પણીના કેસમાં કોઈ નવી FIR દાખલ કરવામાં આવશે નહીં અને તેને ધરપકડમાંથી પણ રાહત મળશે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદિયાને સુરક્ષા માટે સ્થાનિક પ્રશાસન અને કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અલાહાબાદિયાએ કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં એક સ્પર્ધકને માતાપિતાના સેકસ અંગે વાંધાજનક પ્રશ્ન પૂછ્યો હતો. આ ટિપ્પણી બાદ દેશભરમાં રૈના અને અલાહાબાદિયા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. તેમની સામે આસામ અને મુંબઈમાં પણ FIR નોંધવામાં આવી હતી.