સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઉત્તરાખંડ પોલીસ (Uttrakhand Police) દ્વારા ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરાયેલા અમન સિદ્દીકી નામના વ્યક્તિને જામીન આપ્યા છે. અમન સિદ્દીકીએ (Aman Siddiqui) હિંદુ ધર્મની એક મહિલા (Hindu woman) સાથે લગ્ન કર્યા હતા, જે બંનેની સંમતિ અને તેમના પરિવારોની મંજૂરીથી થયા હોવાનું તેનું કહેવું છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે આવા સંજોગોમાં રાજ્ય સરકારનો જામીનનો વિરોધ ટકી શકે તેમ નથી, કારણ કે લગ્ન બંને પક્ષોની ઇચ્છા અને પરિવારોના આશીર્વાદથી થયા છે. આ કેસની સુનાવણી જસ્ટિસ બી.વી. નાગરત્નાં અને જસ્ટિસ એસ.સી. શર્માની ખંડપીઠે કરી હતી.
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઇકોર્ટના નિર્ણયને રદ્દ કરતાં આ કેસની વિગતોનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું. કોર્ટે નોંધ્યું હતું કે અમન સિદ્દીકી અને તેની પત્ની શાંતિપૂર્ણ રીતે સાથે રહે છે અને તેના લગ્નને બંને પરિવારોની સંમતિ અને આશીર્વાદ પ્રાપ્ત છે. કોર્ટે એ પણ ભારપૂર્વક જણાવ્યું કે લગ્ન બાદ બહારના વ્યક્તિઓ અથવા સંગઠનો દ્વારા લગાવવામાં આવેલા આરોપો ટકી શકે તેમ નથી.
કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “અમે નોંધીએ છીએ કે રાજ્ય સરકાર અમન અને તેની પત્નીના સાથે રહેવા સામે વાંધો ઉઠાવી શકે નહી, કારણ કે તેમના લગ્ન તેમના માતા-પિતા અને પરિવારોની ઇચ્છા મુજબ થયા છે. આરોપી 6 મહિનાથી જેલમાં બંધ છે. તેથી આ સંજોગોમાં અમને લાગે છે કે આ એક યોગ્ય કેસ છે, જ્યાં અમનને જામીનની રાહત આપવી જોઈએ.”
કોર્ટે અરજદારના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલની પણ નોંધ લીધી, જેણે દલીલ કરી હતી કે અમુક વ્યક્તિઓ અને સંગઠનોએ આંતરધાર્મિક લગ્નનો વિરોધ કર્યા પછી જ FIR દાખલ કરવામાં આવી હતી. એ નિર્દેશ કરવામાં આવ્યો હતો કે લગ્ન બંને પરિવારોની સંપૂર્ણ જાણકારી અને હાજરીમાં થયા હતા અને સિદ્દીકીએ લગ્ન પછીના દિવસે એક સોગંદનામું આપ્યું હતું જેમાં ખાતરી આપવામાં આવી હતી કે તે તેની પત્નીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરશે નહીં અને તેની પત્ની તેના ધર્મનું પાલન કરવા માટે સ્વતંત્ર રહેશે.
શું હતો સમગ્ર મામલો
એક હિંદુ મહિલાના પિતરાઈ ભાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો લગ્ન પછી જ્યારે વરરાજો દિલ્હી તેના નિવાસ સ્થાને ગયો ત્યારે કન્યાપક્ષને તેની ધાર્મિક ઓળખ ખબર પડી હતી. ત્યાં સુધી તેની ધાર્મિક ઓળખ છુપાવવામાં આવી હતી. દિલ્હીમાં તેના નિવાસસ્થાને ગયા પછી તેમણે જોયું કે “મોટાભાગના લોકો અલગ સમુદાયના હતા.” ત્યારપછી અમન વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ બાદ અમન સિદ્દીકીએ નિયમિત જામીન માટે પહેલાં ઉત્તરાખંડ હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઇકોર્ટે તેની અરજી નકારી દીધી હતી. હાઇકોર્ટે ફરિયાદ પક્ષની દલીલ સ્વીકારી હતી કે પુરુષની ધાર્મિક ઓળખ જાણી જોઈને છુપાવવામાં આવી હતી. હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે જ્યારે લગ્ન હિંદુ રિવાજો હેઠળ કરવામાં આવ્યા હતા. ત્યારપછી પણ અરજદાર અને તેના પરિવારે લગ્ન પછી સુધી તેમની મુસ્લિમ ઓળખ જાહેર કરી નહોતી.
અમન સિદ્દીકીના આંતરધાર્મિક લગ્ન બાદ તેની સામે ઉત્તરાખંડ ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ, 2018 (UFRA) હેઠળ ગેરકાયદે ધર્માંતરણનો આરોપ લગાવ્યો હતો. આ આરોપોના આધારે ઉત્તરાખંડ પોલીસે તેની સામે UFRAની કલમ 3 અને 5 તેમજ ભારતીય ન્યાય સંહિતા, 2023 (BNS)ની કલમ 318(4) અને 319 હેઠળ FIR નોંધી હતી. આ ધરપકડ બાદ અમન સિદ્દીકી છેલ્લા છ મહિનાથી જેલમાં હતો.