મહારાષ્ટ્રના (Maharashtra) થાણેમાં (Thane) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની (RSS) શાખા (Shakha) પર હુમલો (Attack) થયો હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, શાખા પર ભારે પથ્થરમારો (Stone Pelting) કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન બાળકો શાખાની અંદર હાજર હતા. જાણવા મળી રહ્યું છે કે, હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. બીજી તરફ મહારાષ્ટ્ર પોલીસે આ ઘટનાને લઈને FIR નોંધી છે અને તપાસ શરૂ કરી દીધી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, થાણેના ડોમ્બીવલીમાં વીર સાવરકર નગર ખાતે RSS શાખાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાખા સંજુ ચૌધરી નામના એક સ્વયંસેવક દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં બાળકોને રમતગમત અને બૌદ્ધિક પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. રવિવારના (9 માર્ચ, 2025) રોજ સાંજે પણ અહીં પ્રશિક્ષણ કાર્ય ચાલી રહ્યું હતું.
શાખામાં પ્રશિક્ષણ લઈ રહેલા બાળકો પર વરસ્યા પથ્થરો
આ પ્રશિક્ષણમાં 30થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ બાળકોને અહીં રમતગમતનું શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક જ બહારથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. આ પથ્થરમારો લાંબા સમય સુધી ચાલુ રહ્યો હતો. આ ઘટના બાદ સંજુ ચૌધરીએ બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડી લીધા હતા. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી.
આ મામલે તિલકનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાણમાં મળી રહ્યું છે કે, આ કેસ અજાણ્યા ઈસમો વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે. શાખા સંચાલકોએ કહ્યું છે કે, આ શાખા પર અગાઉ પણ પથ્થરમારો થયો છે. પરંતુ, ત્યારે તેમણે તે ઘટનાને અવગણી કાઢી હતી અને કોઈ કાર્યવાહી કરી નહોતી. જોકે, એક મહિનામાં આ બીજી પથ્થરમારાની ઘટના છે.
પોલીસ કરી રહી છે તપાસ
ફરિયાદ મળ્યા બાદ તરત જ પોલીસે તપાસ શરૂ કરી છે. સંઘ શાખા પર કોણે પથ્થરમારો કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવાનું કામ શરૂ કર્યું છે. આ સાથે જ પોલીસ પથ્થરબાજોના હેતુની પણ તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું છે કે, સુરક્ષા માટે ઘટનાસ્થળે ભારે પોલીસદળ તૈનાત કરવામાં આવ્યું છે.
આ ઘટના બાદ સ્થાનિક ભાજપ અને RSS કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી છે અને પોલીસ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હાલ તો પોલીસ આરોપીની ઓળખ માટે કાર્યવાહી કરી રહી છે.