મહારાષ્ટ્રના નાસિકમાં (Nashik) એક ગેરકાયદેસર દરગાહના (Dargah) ડિમોલિશન માટે પહોંચેલી અધિકારીઓ અને પોલીસની ટીમ પર મુસ્લિમ સમુદાયનાં ટોળાંએ હુમલો કરી દીધો હોવાનો મામલો સામે આવ્યો છે. મંગળવારે (15 એપ્રિલ) રાત્રે પહોંચેલી પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ પર ઉપદ્રવીઓએ પથ્થરમારો કરીને હુમલો કરી દીધો હતો, જેમાં અમુક અધિકારીઓને ઈજા પહોંચી. જોકે પછીથી વધુ પોલીસબળ તહેનાત કરીને વહીવટીતંત્રે વહેલી સવારે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું.
આ ગેરકાયદેસર દરગાહ તોડવા માટે નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશને ગત 1 એપ્રિલના રોજ નોટિસ આપી હતી. નોટિસમાં દરગાહ ટ્રસ્ટને 15 દિવસની અંદર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેમજ જણાવવામાં આવ્યું હતું કે જો આવું ન થાય તો કોર્પોરેશન બુલડોઝર કાર્યવાહી કરશે. ત્યારબાદ મામલો હાઇકોર્ટમાં પણ પહોંચ્યો હતો અને હાઇકોર્ટના આદેશ બાદ આખરે 15 એપ્રિલની રાત્રે સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું.
નાસિકના કાઠે ગલી વિસ્તારમાં આવેલી આ દરગાહનું ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે પહોંચેલા અધિકારીઓ પર અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જેમાં ઘણા પોલીસકર્મીઓને ઈજા પહોંચી. જેમને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટના વિશે નાસિકના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) કિરણ કુમાર ચવ્હાણે જણાવ્યું હતું કે, “દરગાહના ટ્રસ્ટીઓ અને સ્થાનિક નાગરિકો બાંધકામ દૂર કરવા માટે સંમત થયા હતા. આ અંતર્ગત મંગળવારે રાત્રે 11 વાગ્યે તમામ એકઠા પણ થયા હતા. આ દરમિયાન ઉસ્માનિયા ચોક તરફથી ભીડ આવી અને અંધાધૂંધી મચી ગઈ. ટ્રસ્ટીઓએ ભીડને સમજાવવાનો પ્રયાસ કર્યો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પણ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડે કોઈની વાત સાંભળી નહીં અને પથ્થરમારો શરૂ કરી દીધો.”
તેમના જણાવ્યા અનુસાર ભીડને વિખેરવા પોલીસે ટીયર ગેસના શેલ અને હળવો લાઠીચાર્જનો ઉપયોગ કર્યો હતો. તેમણે આગળ કહ્યું કે, “પથ્થરમારામાં 31 પોલીસકર્મીઓને સામાન્ય ઇજાઓ પહોંચી છે. હિંસા મામલે અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ટોળા દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલાં કુલ 57 ટુ-વ્હીલર જપ્ત કરવામાં આવ્યાં છે. હાલ આગળની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.”
બીજી તરફ, ટોળાના ઉત્પાતના કારણે અટકી પડેલી કાર્યવાહી 16 એપ્રિલે સવારે લગભગ 5.30 વાગ્યે ફરી શરૂ કરવામાં આવી અને બે બુલડોઝરની મદદથી સવારે 9 વાગ્યા સુધીમાં અતિક્રમણ દૂર કરી દેવામાં આવ્યું. પછીથી કાટમાળ હટાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી. હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કાર્યવાહી ચાલી રહી છે. જે ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓ હતા તેમની સાથે પણ નાસિક શહેર પોલીસ કમિશનરે મુલાકાત કરી હતી.