બિહારમાં (Bihar) વૉટર લિસ્ટ નવો વિવાદ શરૂ થયો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં 67,826 ડુપ્લિકેટ મતદારો છે, જેના કારણે મતદાર યાદીની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે, બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ રિપોર્ટને ખોટો અને ભ્રામક ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં જાહેર કરાયેલી બિહારની લિસ્ટ માત્ર ડ્રાફ્ટ છે, ફાઇનલ નથી. તેમણે જણાવ્યું કે, જો મતદાર યાદીમાં કોઈ ભૂલ હશે તો તેને પછીથી સુધારવામાં આવશે. આ રિપોર્ટ પ્રકાશિત કરનારા સમૂહ પર વિદેશી ફંડિંગનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.
રિપોર્ટમાં શું દાવા કરાયા?
કેટલાક પત્રકારોના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, 15 વિધાનસભા ક્ષેત્રોમાં 67,826 એવા નામ મળ્યા છે, જે બે વખત નોંધાયેલા છે. રિપોર્ટ અનુસાર, આ નામો એકસરખા દસ્તાવેજો સાથે નોંધાયેલા છે, જેના કારણે મતદાર યાદીની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, આ માહિતી ડેટા માઈનિંગ દ્વારા મેળવવામાં આવી છે. 2025ના મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન જાહેર કરાયેલી યાદીમાં અનેક નામોનું પુનરાવર્તન થયું હોવાનો દાવો કરાયો છે. આ રિપોર્ટના જવાબમાં ચૂંટણી પંચે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું છે કે, આ આરોપો ખોટા અને ભ્રમ ફેલાવનારા છે. તેમણે કહ્યું કે, હાલમાં જાહેર થયેલી યાદી અંતિમ નથી, તે માત્ર તપાસ માટે જાહેર કરાઈ છે. જો કોઈ ભૂલ હશે તો લોકો તેના પર દાવો કે વાંધો નોંધાવી શકે છે.
FactCheck
— Chief Electoral Officer, Bihar (@CEOBihar) August 31, 2025
Rebuttal on Allegations of Duplicate Voters in Bihar’s Draft Rolls (SIR 2025) on the report of the reporters collective
1. The SIR is an ongoing statutory process carried out under the Representation of the People Act, 1950 and the Registration of Electors Rules,… https://t.co/0FxixtmCJM
બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ રિપોર્ટમાં સંપૂર્ણ વાસ્તવિકતા રજૂ કરવામાં આવી નથી. રિપોર્ટમાં મતદાર યાદીને સુધારવાની પ્રક્રિયાને અવગણવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, હાલની યાદી ફક્ત ડ્રાફ્ટ છે અને તેને સુધારીને જ અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે.
આ માત્ર ડ્રાફ્ટ, ફાઇનલ લિસ્ટ નહીં
મુખ્ય ચૂંટણી અધિકારીએ (CEO) રિપોર્ટના જવાબમાં જણાવ્યું છે કે, મતદાર યાદી અંગેની વાતો અધૂરી છે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) હજુ પૂર્ણ થયું નથી. હાલની યાદી માત્ર ડ્રાફ્ટ છે, ફાઇનલ નથી.
તેમણે સ્પષ્ટ કર્યું કે, આ યાદી લોકોની તપાસ માટે જાહેર કરાઈ છે. લોકો પોતાનું નામ તપાસી શકે છે અને જો કોઈ ભૂલ હોય તો દાવો કે વાંધો નોંધાવી શકે છે. રાજકીય પક્ષો અને અન્ય લોકો પણ સૂચનો આપી શકે છે.
તેમણે જણાવ્યું છે કે, જો આ યાદીમાં કોઈ નામ બે વખત હોય તો તેને ભૂલ કે ગેરરીતિ ગણી શકાય નહીં. નિયમો અનુસાર, લોકોને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવે છે અને ત્યારબાદ જ યાદીને સુધારીને અંતિમરૂપ આપવામાં આવે છે.
ડુપ્લિકેટ મતદારોનો દાવો ખોટો- ચૂંટણી પંચ
મુખ્ય ચૂંટણી અધિકારીએ રિપોર્ટમાં દર્શાવેલા 67,826 નકલી મતદારોના દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, આ દાવો માત્ર કેટલીક સમાન માહિતી, જેમ કે નામ, ઉંમર અને સંબંધીઓના નામના આધારે કરાયો છે. તેનાથી એ સાબિત થતું નથી કે મતદારો નકલી છે.
તેમણે કહ્યું છે કે, બિહારના ગામડાઓમાં ઘણા લોકોના નામ અને ઉંમર એકસરખા હોય છે. માતા કે પિતાના નામ પણ સમાન હોય છે, જે સામાન્ય બાબત છે. આ ગેરરીતિ નથી. સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું છે કે, માત્ર નામ અને ઉંમર સમાન હોવાથી ડુપ્લિકેશન સાબિત થતું નથી.
તેમણે જણાવ્યું છે કે, આવી સમાન માહિતી ધરાવતી એન્ટ્રીઓને તપાસ દરમિયાન ઓળખવામાં આવે છે અને જો ભૂલ હોય તો તેને સુધારવામાં આવે છે. જો કોઈને શંકા હોય તો તે ચૂંટણી અધિકારી પાસે વાંધો નોંધાવી શકે છે. આ અધિકાર દરેક મતદાર અને પક્ષને છે.
ચૂંટણી પંચે સમજાવી ડુપ્લિકેટ નામ હટાવવાની પ્રક્રિયા
મુખ્ય ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, ડુપ્લિકેટ મતદારોની તપાસ નથી થતી એવું કહેવું સંપૂર્ણપણે ખોટું છે. તેમણે જણાવ્યું કે, ભારતનું ચૂંટણી પંચ આ માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ચૂંટણી પંચનું EROnet 2.0 સોફ્ટવેર સમાન નામ, ઉંમર કે સંબંધીઓના નામવાળા મતદારોને ઓળખે છે, જેને ‘ડુપ્લિકેટ સિમિલર એન્ટ્રીઝ’ (DSE) કહેવાય છે.
જોકે, આ સિસ્ટમ આવા નામોને સીધા જ દૂર કરતી નથી. પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. બૂથ લેવલ અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓ પોતે તપાસ કરે છે કે આ ડુપ્લિકેટ છે કે નહીં. આ પદ્ધતિ એટલા માટે અપનાવવામાં આવે છે, જેથી ભૂલથી કોઈ અસલી મતદારનું નામ ન હટે. એટલે કે, મશીન નહીં, મનુષ્યો જ અંતિમ નિર્ણય લે છે.
વાલ્મીકિનગરનો ઉલ્લેખ કરતા CEOએ જણાવ્યું કે, ત્યાં 5,000 મતદારોને નકલી ગણાવવામાં આવ્યા હોવાનો દાવો કરવા માટે પુરાવા સાથે રિપોર્ટ હોવો જોઈએ. માહિતી અને તપાસ વગર કોઈપણ આંકડો આપવો યોગ્ય નથી.
ડુપ્લિકેટ મતદારોના ઉદાહરણ
રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ત્રિવેણીગંજની ‘અંજલિ કુમારી’ અને લૌકહાના ‘અંકિત કુમાર’ જેવા નામોનું પુનરાવર્તન જોવા મળ્યું છે, જેના આધારે મતદાર યાદીમાં ગેરરીતિ હોવાનું કહેવાયું છે.
તેના જવાબમાં બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, આવા કેસ ખૂબ ઓછા છે. આ ભૂલો લખાણ દરમિયાન થઈ શકે છે. ક્યારેક લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે નામ બે વખત નોંધાઈ જાય છે, અથવા ઘરે ખોટી માહિતી આપવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે, સુધારણાનું કામ પહેલાંથી જ શરૂ થઈ ગયું છે. અંજલિ કુમારી અને અંકિત કુમાર બંને માટે ફોર્મ-8 ભરાઈ ગયું છે, એટલે કે ભૂલો સુધારવાની પ્રક્રિયા ચાલુ છે.
પત્રકારોના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ
કેટલાક પત્રકારોએ આરોપ લગાવ્યો હતો કે, મતદાર યાદીનો ડેટા જાણીજોઈને લોક કરવામાં આવ્યો છે, જેથી મશીનથી તેની તપાસ ન થઈ શકે. તેના જવાબમાં બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, આ આરોપ ખોટો છે.
મતદાર યાદી એક નિશ્ચિત ફોર્મેટમાં આપવામાં આવે છે, જે કાયદા અનુસાર હોય છે, જેથી ડેટાની સુરક્ષા જળવાઈ રહે અને તેનો દુરુપયોગ ન થાય. તેમણે સ્પષ્ટ કર્યું કે, ડેટાને લોક કરવા એ સુરક્ષાની પદ્ધતિ છે, જેનો હેતુ ડુપ્લિકેશન છુપાવવાનો નથી.
CEOએ સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાનો ઉલ્લેખ કર્યો. કમલનાથ વિ. ભારત ચૂંટણી પંચ (2018) કેસમાં કોર્ટે આ સુરક્ષા પદ્ધતિઓને યોગ્ય ગણાવી હતી.
અનુમાન પર ઉઠાવ્યો વાંધો
કેટલાક લોકોએ કહ્યું હતું કે, 15 વિસ્તારોમાં મળેલું ડુપ્લિકેશન આખા રાજ્યમાં હોય શકે છે. તેના પર બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ સખત વિરોધ વ્યક્ત કર્યો. તેમણે આ ઘટનાને ખોટી ગણાવી અને કહ્યું કે, આટલા મોટાપાયે ડુપ્લિકેશનનો વિચાર માત્ર કલ્પના છે.
તેમણે જણાવ્યું કે, કાયદા અનુસાર આવા આરોપોને સાબિત કરવા માટે નક્કર પુરાવા જરૂરી છે. માત્ર આંકડા કે, અનુમાનથી આવા મોટા આરોપો લગાવી શકાય નહીં. CEOએ જણાવ્યું કે, કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે, પુરાવા વિના આરોપ સ્વીકારી શકાય નહીં.
કાયદાકીય ઉપાયો ઉપલબ્ધ
બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, ડુપ્લિકેટ નામો દૂર કરવા માટે કાયદામાં કડક નિયમો છે. રિપ્રેઝન્ટેશન ઑફ પીપલ એક્ટ, 1950ની કલમ 22 હેઠળ, જો નક્કર પુરાવા મળે તો ચૂંટણી અધિકારીઓને ડુપ્લિકેટ નામો દૂર કરવાનો અધિકાર છે. તેથી, ડુપ્લિકેશનના સમાધાન માટે મજબૂત કાયદો પહેલાંથી જ અસ્તિત્વમાં છે.
તેમણે X પર જણાવ્યું કે, જો કોઈ મતદાર કે બૂથ એજન્ટને ડુપ્લિકેટ નામ દેખાય તો તેઓ મતદાર નોંધણી નિયમ, 1960ના નિયમ 13 હેઠળ વાંધો નોંધાવી શકે છે. આ રીતે દરેક વ્યક્તિ ફરિયાદ કરી શકે છે અને કેસની તપાસ થઈ શકે છે.
ખંડન અને નિષ્કર્ષ
મુખ્ય ચૂંટણી અધિકારીએ ખંડન કરતાં જણાવ્યું કે, ડ્રાફ્ટ રોલમાં થોડા ડુપ્લિકેટ નામો હોવું સામાન્ય છે. તેનાથી પ્રક્રિયા ખોટી કે અમાન્ય થતી નથી. તેમણે કહ્યું કે, રિપોર્ટનો એવો દાવો કે, SIRથી ગેરરીતિ વધશે કે, ડુપ્લિકેટ મતદાન થશે, તે ખોટો છે. આ માત્ર અટકળો અને સમય પહેલાંનો અભિપ્રાય છે. મતદાર યાદીના નિયમો અને કાયદા આવું થવા દેતા નથી.
વિદેશી ફંડિંગ અને શંકાસ્પદ રિપોર્ટ
રિપોર્ટર્સ કલેક્ટિવ પાછળ જે સંસ્થાઓ કે સંગઠનો કામ કરી રહ્યા છે, તેને સમજવા પણ ખૂબ જરૂરી છે. તેનું સંચાલન એક NGO ‘નેશનલ ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા’ દ્વારા થાય છે, જે સરકાર પાસેથી FCRA લાયસન્સ ધરાવે છે અને વિદેશી ફંડિંગ મેળવી શકે છે.
આ ફાઉન્ડેશનને ફંડ આપનારાઓમાં ફોર્ડ ફાઉન્ડેશન, જ્યોર્જ સોરોસનું ઓપન સોસાયટી ફાઉન્ડેશન, ઓમિડયાર નેટવર્ક અને રોકફેલર ફાઉન્ડેશન જેવા મોટા વિદેશી નામોનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ એવા નેટવર્ક સાથે જોડાયેલી માનવામાં આવે છે, જેને અમેરિકન ‘ડીપ સ્ટેટ’ તરીકે ઓળખવામાં આવે છે.

આ સંસ્થાઓ પર અગાઉ પણ આરોપ લાગ્યા છે કે, તેમણે ભારત વિરુદ્ધ અનેક અભિયાનો ચલાવ્યા હતા. રિપોર્ટર્સ કલેક્ટિવને પણ આ જ શક્તિઓનો ભાગ માનવામાં આવે છે. ડિસેમ્બર 2024માં આ ગ્રુપે જે રિપોર્ટ્સ પ્રકાશિત કર્યા, તે ઘણા મામલે ખોટા અને ભ્રામક હોવાનું જણાયું હતું. એવું કહેવાય છે કે, આ રિપોર્ટ્સ જ્યોર્જ સોરોસના એજન્ડા અનુસાર હતા, જેનો હેતુ લોકોની વિચારસરણીને ખોટી દિશામાં લઈ જવાનો અને દેશમાં ગેરસમજ ફેલાવવાનો હતો.


