Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતુનિષા શર્મા આત્મહત્યા કેસ: 2 મહિના બાદ છૂટ્યો આરોપી શીઝાન ખાન, કોર્ટે...

    તુનિષા શર્મા આત્મહત્યા કેસ: 2 મહિના બાદ છૂટ્યો આરોપી શીઝાન ખાન, કોર્ટે શરતી જામીન આપ્યા

    20 વર્ષીય અભિનેત્રી તુનિષા શર્માએ ગત 24 ડિસેમ્બર 2022ના રોજ વસઈમાં સિરિયલના સેટ પર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

    - Advertisement -

    અભિનેત્રી તુનિષા શર્માની આત્મહત્યા મામલે કોર્ટે આરોપી શીઝાન ખાનને જામીન આપ્યા છે. જેલમાં બંધ શીઝાને મુંબઈની વસઈ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેની ઉપર સુનાવણી કરતાં કોર્ટે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. 

    જામીન આપતાં વસઈ કોર્ટે શીઝાન ખાનને 1 લાખ રૂપિયા બોન્ડ ભરવા માટે કહ્યું છે ઉપરાંત તેણે તેનો પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે. 

    ‘અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ’ સિરિયલની 20 વર્ષીય અભિનેત્રી તુનિષા શર્માએ ગત 24 ડિસેમ્બર 2022ના રોજ વસઈમાં સિરિયલના સેટ પર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ તુનિષાની માટે તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર શીઝાન ખાન સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કેસ દાખલ કરવામાં આવ્યા બાદ 25 ડિસેમ્બરના રોજ શીઝાનની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ હતો. 

    - Advertisement -

    જોકે, જાન્યુઆરીમાં તેણે જામીન અરજી દાખલ કરી હતી પરંતુ કોર્ટે તે ફગાવી દીધી હતી. ત્યારબાદ વધુ એક અરજી દાખલ કરવામાં આવી હતી, જે કોર્ટે માન્ય રાખી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, શીઝાન ખાન અને તુનિષા શર્મા ટીવી સિરિયલના શૂટિંગ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં અને બંને વચ્ચે પ્રેમસબંધ હતો પરંતુ તુનિષાના મૃત્યુના થોડા દિવસો પહેલાં જ બંને છૂટાં પડી ગયાં હતાં. પોલીસની પૂછપરછમાં શીઝાને કહ્યું હતું કે તેઓ ત્રણ મહિના સુધી રિલેશનશિપમાં હતાં પરંતુ ઉંમરના ફેરફાર અને ધર્મો જુદા હોવાના કારણે છૂટાં પડી ગયાં હતાં. 

    અભિનેત્રીની માતાએ લગાવ્યા હતા આરોપો

    તુનિષાની માતાએ દાવો કર્યો હતો કે બ્રેકઅપ બાદ તુનિષા ડિપ્રેશનમાં સરી ગઈ હતી અને જેના કારણે તેણે અંતિમ પગલું ભર્યું હતું. આ સિવાય તેમણે શીઝાન પર તુનિષાને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો તો તેના પરિવાર પર પણ આરોપો લગાવ્યા હતા. 

    અભિનેત્રીની માતાએ કહ્યું હતું કે, તે ઉર્દૂ બોલવા માંડી હતી અને હિજાબ પણ પહેરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું, “તેણે (શીઝાને) તુનિષાને પોતાના જીવન અને પરિવારમાં એટલી ઇન્વોલ્વ કરી દીધી હતી કે મારી પુત્રી મારાથી જ દૂર થવા માંડી હતી. હું તેને શીઝાન અને તેના સબંધ વિશે પૂછતી, પણ તે ક્યારેય કંઈ જણાવતી ન હતી.”

    બીજી તરફ, શીઝાન ખાનની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગતી વખતે પોલીસે તેનાં અન્ય યુવતીઓ સાથે પણ સબંધો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કોર્ટને કહ્યું હતું કે, ઘટના બાદ તેણે મોબાઈલમાંથી ઘણી ચેટ્સ ડીલીટ કરી દીધી હતી. પોલીસે એમ પણ કહ્યું હતું કે જ્યારે તેને તેની ગુપ્ત પ્રેમિકા વિશે પૂછવામાં આવ્યા ત્યારે તેણે નિવેદનો બદલ્યાં હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં