Wednesday, March 5, 2025
More
    હોમપેજદેશબાબરીની જેમ સંભલ જામા મસ્જિદ પણ કહેવાશે ‘વિવાદિત ઢાંચો’: અલ્હાબાદ હાઇકોર્ટે કર્યો...

    બાબરીની જેમ સંભલ જામા મસ્જિદ પણ કહેવાશે ‘વિવાદિત ઢાંચો’: અલ્હાબાદ હાઇકોર્ટે કર્યો હિંદુ પક્ષની વિનંતીનો સ્વીકાર, માળખાના રંગરોગાન મામલે થઈ હતી સુનાવણી

    વકીલ વિષ્ણુ શંકર જૈન શરૂઆતથી જ તેમની અરજીમાં જામા મસ્જિદનો ઉલ્લેખ વિવાદિત ઢાંચા તરીકે કરતા આવ્યા છે. ત્યારે વિષ્ણુ શંકર જૈનની વિનંતી પર અલ્હાબાદ હાઇકોર્ટે તેના આદેશમાં મસ્જિદનો ઉલ્લેખ ‘વિવાદિત ઢાંચા’ તરીકે કર્યો છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના સંભલ ખાતે આવેલ જામા મસ્જિદને (Sambhal Jama Mosque) લઈને વિવાદ વધી રહ્યો છે. આ મસ્જિદના સ્થાને ભગવાન વિષ્ણુનું ‘હરિ હર મંદિર’ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવો દાવો છે કે મંદિર તોડીને મસ્જિદનું માળખું ઉભું કરી દેવામાં આવ્યુ છે. આ મામલે કોર્ટે ASI અધિકારીઓને સરવે કરવાનો આદેશ આપ્યો હતો જે દરમિયાન હિંસા (Sambhal Violence) ભડકી ઉઠી હતી. ત્યારે હવે રમઝાનના બહાને મસ્જિદ સમિતિએ કોર્ટમાં અરજી કરીને મસ્જિદમાં રંગરોગાન કરવાની પરવાનગી માંગી હતી. જે અંગે કોર્ટે માત્ર સાફ-સફાઈનો જ આદેશ આપ્યો હતો. આ મામલે 4 માર્ચે સુનાવણી થઈ હતી. જે દરમિયાન અલ્હાબાદ હાઇકોર્ટે સંભલ જામા મસ્જિદને ‘વિવાદિત ઢાંચા’ (Disputed Structure) તરીકે ઉલ્લેખ કરવાની વિનંતી સ્વીકારી હતી.

    નોંધનીય છે કે આ પહેલાં 28 ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી થઈ હતી. જે દરમિયાન અલ્હાબાદ હાઇકોર્ટે ASIના રિપોર્ટના આધારે મસ્જિદ સમિતિને વિવાદિત ઢાંચામાં માત્ર સાફ-સફાઈ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે કમિટીએ વાંધા દાખલ કર્યા હતા. જેના પર જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેન્ચે 4 માર્ચે સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઇકોર્ટે ASIને કમિટીના વાંધાઓ પર 10 માર્ચ એટલે કે આગામી સુનાવણીની તારીખ સુધી જવાબ આપવા કહ્યું છે.

    બીજી તરફ આ જ સુનાવણી દરમિયાન પ્રતિવાદી વિષ્ણુ શંકર જૈને કોર્ટમાં મહત્વના મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે મસ્જિદ સમિતિ અને ભારત સરકાર વચ્ચે સ્મારક/માળખાની જાળવણી અંગે 1927ના કરારને પડકાર્યો હતો. અહીં એ નોંધવા જેવું છે કે આ જ કરારના આધારે મસ્જિદ સમિતિ એવી દલીલ કરી રહી છે કે મસ્જિદમાં રંગરોગાન કરાવવાનો અધિકાર તેની પાસે છે, ASI પાસે માળખાની વ્યવસ્થા કરવાની કોઈ જવાબદારી નથી.

    - Advertisement -

    સરકાર અને સમિતિ વચ્ચેના કરારને પડકાર્યો

    ત્યારે આ કરારને પડકારતા વકીલ વિષ્ણુ શંકર જૈને દલીલ કરી હતી કે, પ્રાચીન સ્મારકો સંરક્ષણ અધિનિયમ, 1904ની જોગવાઈઓ હેઠળ સરકાર અને ખાનગી પક્ષ વચ્ચે કરવામાં આવેલ કોઈપણ કરાર ‘પ્રાચીન સ્મારક તથા પુરાતત્વીય સ્થળ એવં અવશેષ અધિનિયમ, 1958’ લાગુ થયા પછી માન્ય ગણી શકાય નહીં. તેમણે દલીલ કરી કે આ કરારના આધારે પણ મસ્જિદમાં રંગરોગાન વગેરે કરાવવાનો અધિકાર માત્ર ASI પાસે છે મસ્જિદ કમિટી પાસે નહીં.

    જૈનની એફિડેવિટમાં પણ એવો દાવો છે કે મસ્જિદ સમિતિએ ASIની પરવાનગી લીધા વિના જ માળખામાં ઘણા ફેરફારો કર્યા છે અને હિંદુ પ્રતીકો-ચિન્હો વગેરેને ખરાબ કરવા રંગરોગાન વગેરે કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એડવોકેટ જૈન સંભલની એક કોર્ટમાં એ કેસમાં પણ વાદી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જામા મસ્જિદનું નિર્માણ 1526માં મંદિર ધ્વસ્ત કરીને કરવામાં આવ્યું હતું.

    રંગરોગાનના નામે મૂળ માળખામાં બદલાવ!

    અહીં એ પણ ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરીના રોજ કોર્ટે મસ્જિદ સમિતિની રંગરોગાન કરવાની માંગ પર ASIને નિરીક્ષણ કરવાનો આદેશ આપીને બીજા દિવસ 1 વાગ્યા સુધી રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. ત્યારે 28 ફેબ્રુઆરીએ ASIએ જે રિપોર્ટ રજૂ કર્યો તેમાં પણ એ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે કે મસ્જિદ સમિતિએ અગાઉ સમારકામ અને પુનઃસ્થાપન કાર્ય હાથ ધર્યું હતું, જેના પરિણામે ઐતિહાસિક માળખામાં ઘણા ફેરફારો થયા હતા. મસ્જિદના તળિયાને સંપૂર્ણપણે ટાઇલ્સ અને પથ્થરોથી બદલી નાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, મસ્જિદના અંદરના ભાગમાં સોનેરી, લાલ, લીલા અને પીળા રંગો પેઈન્ટ કર્યા છે જે તેની મૂળ સપાટીને ઢાંકી દેય છે.

    માળખાના મૂળ નામ અંગે પણ ચર્ચા

    આ ઉપરાંત કોર્ટમાં એ ચર્ચા પણ કરવામાં આવી હતી કે મસ્જિદના માળખાનું મૂળ નામ શું હતું. આ ચર્ચા એટલા માટે કરવામાં આવી કારણ કે 1927માં સરકાર અને કમિટી વચ્ચે જે કરાર થયેલો છે તેમાં મસ્જિદને ‘જુમ્મા’ મસ્જિદ કહેવામાં આવી છે. જ્યારે પ્રતિવાદી જૈને તેનો ઉલ્લેખ ‘જામી’ મસ્જિદ તરીકે કર્યો છે. બીજી તરફ મસ્જિદ સમિતિનો દાવો છે કે વાસ્તવમાં તેનું નામ ‘જામા’ મસ્જિદ જ છે.

    જોકે સમિતિએ કોર્ટ સમક્ષ રજૂ કરેલી રિવિઝન અરજીમાં મસ્જિદ માટે ‘જામી’ શબ્દનો ઉપયોગ કરેલો છે. આ મામલે સમિતિ તરફી વકીલ એસએફએ નકવીએ એડવોકેટ ઝહીર અસગરની મદદથી, કોર્ટને જણાવ્યું હતું કે તેમણે આ શબ્દનો ઉપયોગ એટલા માટે કર્યો છે કારણ કે સંભલમાં નીચલી કોર્ટમાં અરજદારોએ તેનો ઉલ્લેખ ‘જામી’ તરીકે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રિવિઝન અરજીને રજિસ્ટ્રી તરફથી કોઈ વાંધો ન આવે તે માટે હાઇકોર્ટ સમક્ષ અરજીમાં ‘જામી’ શબ્દનો ઉપયોગ કરવો જરૂરી માન્યો.

    નોંધનીય છે કે આ સુનાવણી દરમિયાન જ હાઇકોર્ટે તેમના ઓર્ડરમાં સંભલ મસ્જિદને ‘વિવાદિત ઢાંચા’ તરીકે ઉલ્લેખ કરાવ્યો છે. ઉલ્લેખનીય કે વકીલ વિષ્ણુ શંકર જૈન શરૂઆતથી જ તેમની અરજીમાં જામા મસ્જિદનો ઉલ્લેખ વિવાદિત ઢાંચા તરીકે કરતા આવ્યા છે. ત્યારે વિષ્ણુ શંકર જૈનની વિનંતી પર અલ્હાબાદ હાઇકોર્ટે તેના આદેશમાં મસ્જિદનો ઉલ્લેખ ‘વિવાદિત ઢાંચા’ તરીકે કર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં