સંભલની (Sambhal) કથિત જામા મસ્જિદમાં (Jama Masjid) રંગરોગાન (Whitewashing) કરવાને લઈને મસ્જિદ સમિતિએ અલહાબાદ હાઇકોર્ટનો (Allahabad High Court) દરવાજો ખખડાવ્યો હતો. હાઇકોર્ટે ASIના રિપોર્ટને ધ્યાને રાખીને પહેલાં માત્ર સાફસફાઈનો આદેશ આપ્યો હતો, પરંતુ હવે અદાલતે રંગરોગાન કરવા માટેનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે કહ્યું છે કે, વિવાદિત ઢાંચાને રંગવાનું કામ સંપૂર્ણપણે ASIના હાથમાં રહેશે. કોર્ટે ASIને નિર્દેશ આપ્યા છે કે તેઓ મસ્જિદ સમિતિ અને ASI વચ્ચે 1927માં થયેલા કરાર મુજબ એક અઠવાડિયામાં રંરરોગાન કાર્ય પૂર્ણ કરે.
વધુમાં કોર્ટે ASIને માત્ર જરૂર જણાય તે જ ભાગમાં રંગરોગાન કરવાની મંજૂરી આપી છે. આ સાથે જ કોર્ટે મસ્જિદ સમિતિને રંગરોગાનનું કાર્ય પૂર્ણ થયા બાદ અઠવાડિયામાં ખર્ચો જમા કરાવવા માટેના નિર્દેશ પણ આપ્યા છે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેન્ચે ગયા મહિને મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કરતા આ આદેશ આપ્યો હતો. સમિતિએ અરજીમાં રમજાન પહેલાં રંગરોગાન કરવાની પરવાનગી માંગી હતી.
J. Agarwal (dictating order) directs ASI to carry out whitewashing on those parts where the whitewashing is required. The whitewashing should be completed within 1 week from today
— Live Law (@LiveLawIndia) March 12, 2025
હાઇકોર્ટે ASI પર ઉઠાવ્યા સવાલ
સુનાવણી દરમિયાન બેન્ચે ASIના વકીલ એડવોકેટ મનોજ કુમાર સિંઘના દાવા સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. સિંઘે દાવો કર્યો હતો કે, મસ્જિદ સમિતિ વર્ષોથી મસ્જિદમાં રંગરોગાન કરી રહી છે, જેના કારણે તેની બહારની દીવાલોને નુકસાન પહોંચ્યું છે. પ્રતિક્રિયામાં કોર્ટે ASI પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, જો નુકસાન મસ્જિદ સમિતિની કાર્યવાહીથી થઈ રહ્યું હતું તો ASIના અધિકારીઓએ આટલાં વર્ષોથી દખલગીરી કેમ ના કરી?
કોર્ટે કહ્યું કે, “તમે 2010માં ક્યાં હતા? 2020માં ક્યાં હતા? તમે લોકો 2024-25માં જ જાગ્યા છો. તમે કહ્યું છે કે મસ્જિદ સમિતિ ઘણાં વર્ષોથી રંગરોગાન કરી રહી છે તો તમે શું કર્યું? તમે સરકારના ઈશારે કામ કરો છો. અમે વારંવાર મંજૂરી આપી છે તેમ છતાં તમે તમારી ફરજમાં નિષ્ફળ રહ્યા છો.”
નોંધવા જેવું છે કે, સુનાવણી દરમિયાન જ્યારે હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને મસ્જિદ સમિતિ અને ભારત સરકાર વચ્ચે સ્મારક/માળખાની જાળવણી અને સંભાળ અંગે 1927માં થયેલા કરારને પડકારતા તેમના સોગંદનામાંનો સંદર્ભ આપવાનો પ્રયાસ કર્યો તો કોર્ટે તેમને ASI વતી દલીલ ન કરવાની સલાહ આપી હતી. જોકે, બેન્ચે તેમને ખાતરી આપી હતી કે, જ્યારે રિવિઝન પિટિશન પર નિર્ણય લેવામાં આવશે ત્યારે તેમના વાંધાઓ પર વિચાર કરવામાં આવશે.
જોકે, મસ્જિદ સમિતિએ રંગરોગાન કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. મસ્જિદ સમિતિના વકીલ નક્વીએ કહ્યું હતું કે, તેઓ રંગરોગાન કરવા માટે તૈયાર છે. જોકે, કોર્ટે ઇનકાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે, “ના, ના. તમે રંગરોગાન નહીં કરી શકો. જો તમે કરાર પર સહમત હો તો ASI આ કામ કરશે.”
શું છે સમગ્ર મામલો?
મામલાની વધુ વિગતો જોવામાં આવે તો, 1 માર્ચથી રમજાન શરૂ થયો છે, પરંતુ તે પહેલાં સંભલ મસ્જિદની સમિતિએ સ્થાનિક પ્રશાસનને જાણ કરી હતી કે તેઓ પરિસરમાં રંગરોગાન અને અન્ય અમુક મેન્ટેનન્સ કામ કરવા માંગે છે. જેમાં સાફસફાઈ, રિપેરિંગ, લાઇટિંગ વગેરે સામેલ છે.
આ મામલે 11 ફેબ્રુઆરીના રોજ ASPએ એક પત્ર લખીને માંગ ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે મસ્જિદ એક સંરક્ષિત સ્મારક હોવાના કારણે પરવાનગી ફરજિયાત આર્કિયોલૉજિક સરવે ઑફ ઇન્ડિયા પાસેથી લેવાની રહેશે. ત્યારબાદ મસ્જિદ સમિતિ કોર્ટ પહોંચી હતી અને દલીલ કરી હતી કે તે દર વર્ષે આ પ્રકારે મેન્ટેનન્સ કામ કરતા આવ્યા છે અને આ વખતે પણ પરવાનગી આપવામાં આવે.
જે બાદ કોર્ટે આ મામલે ASIને સરવે કરવાનો આદેશ આપ્યો હતો. એજન્સીના રિપોર્ટ બાદ કોર્ટે માત્ર સાફસફાઇ કરવાની મંજૂરી આપી હતી. જોકે, હવે હાઇકોર્ટે વિવાદિત ઢાંચામાં રંગરોગાન કરવા માટેની મંજૂરી આપી દીધી છે, પરંતુ તે કાર્યવાહી ASI દ્વારા કરવામાં આવશે, જેનો તમામ ખર્ચ મસ્જિદ સમિતિએ ભોગવવાનો રહેશે.