Saturday, October 5, 2024
More
    હોમપેજક્રાઈમઆર્મી સ્પેશ્યલ ટ્રેનને વિસ્ફોટથી પલટાવવાનો પ્રયત્ન નિષ્ફળ: સાબિરે રેલવે ટ્રેક પર મુક્યા...

    આર્મી સ્પેશ્યલ ટ્રેનને વિસ્ફોટથી પલટાવવાનો પ્રયત્ન નિષ્ફળ: સાબિરે રેલવે ટ્રેક પર મુક્યા હતા 10 ડીટોનેટર; NIA, ATS, RPF સહિત સેનાએ પણ આદરી તપાસ

    બુરહાનપુરના નેપાનગરમાં સેનાની ટ્રેનને પાટા પરથી ઉથલાવવાના પ્રયાસની આ ઘટના ગત 18 સપ્ટેમ્બર 2024ના રોજ બની હતી.રેલવે કર્મચારી સાબિરે પાટા પર 10 ડીટોનેટર લગાવ્યા હતા. ઘટના સામે આવ્યા બાદથી જ તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો હતો.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં સેનાના જવાનોને લઈને જઈ રહેલી એક ખાસ ટ્રેનને બ્લાસ્ટ કરીને ટ્રેક પરથી ઉથલાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ ઘટનામાં રેલવે ટ્રેક પર 10 ડીટોનેટર લગાડનાર સાબિરની પોલીસે ધરપકડ કરી છે. અહેવાલોમાં જણાવ્યા અનુસાર, સાબિર પોતે રેલવેનો કર્મચારી જ છે. NIA, ATS, RPF અને રેલવે મંત્રાલય સહિત ભારતીય સેના પણ આ ઘટનાની તપાસ કરી રહી છે. હાલ સાબિરની પૂછપરછ ચાલી રહી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, બુરહાનપુરના નેપાનગરમાં સેનાની ટ્રેનને પાટા પરથી ઉથલાવવાના પ્રયાસની આ ઘટના ગત 18 સપ્ટેમ્બર 2024ના રોજ બની હતી. ન્યુઝ 18એ આપેલા અહેવાલ અનુસાર, રેલવે કર્મચારી સાબિરે પાટા પર 10 ડીટોનેટર લગાવ્યા હતા. ઘટના સામે આવ્યા બાદથી જ તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો હતો. સુરક્ષા એજન્સીઓ સચેત થઇ ગઈ હતી અને NIA અને ATSની ટીમોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આ આખો મામલો ભૂસાવળ રેલવે ડિવિઝન હેઠળના નેપાનગર પાસેના સગફાટા સ્ટેશન સાથે સંબંધિત છે.

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર, જ્યારે સેનાની વિશેષ ટ્રેન ડીટોનેટર પાસેથી પસાર થઈ તે સમયે લોકો પાયલટે વિસ્ફોટનો અવાજ સાંભળ્યો. અવાજ આવતા જ તેમણે તરત જ ઈમરજન્સી બ્રેક લગાવીને ટ્રેન રોકી અને નેપાનગર ખાતે સ્ટેશન માસ્ટરને ઘટનાની જાણ કરી. ત્યાર બાદ નેપાનગર ખાતેના કન્ટ્રોલ રૂમે ટ્રેક પર ડીટોનેટર અંગેની માહિતી સગફાટા સ્ટેશનના કન્ટ્રોલ રૂમને આપી હતી. થોડીવાર ત્યાં રોકાયા બાદ ટ્રેનને ભુસાવળ તરફ આગળ વધારી દેવામાં આવી હતી.

    - Advertisement -

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેક પર મુકવામાં આવેલા ડીટોનેટર 2014નું હોવાનું કહેવાય છે અને તે માત્ર પાંચ વર્ષ માટે જ માન્ય હોય છે. છઠ્ઠા વર્ષે તેમનું પરીક્ષણ કરવામાં આવે છે. મહત્વની વાત તો તે છે કે રેલવે પોતે જ તેનું ઉત્પાદન કરે છે. આ ઘટના સામે આવ્યા બાદથી જ ATS, NIA અને અન્ય એજન્સીઓએ રેલવે અને સ્થાનિક પોલીસની સાથે મળીને આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. આ સમગ્ર મામલો સૈન્ય સાથે જોડાયેલો હોવાથી સેના પણ તપાસમાં જોતરાઈ છે.

    છેલ્લા કેટલાક દિવસોમાં આવી અનેક ઘટનાઓ

    ઉલ્લેખનીય છે કે, ટ્રેન ઉથલાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવી આ કોઈ પ્રથમ ઘટના નથી. તાજેતરમાં જ સુરતના કિમ રેલવે સ્ટેશન નજીક રેલવેના પાટા પર ફિશ પ્લેટ અને ચાવીઓ કાઢીને મૂકી દેવામાં આવી હતી. તે પહેલાં UPના રામપુરના બિલાસપુર અને ઉત્તરાખંડના રુદ્રપુર વચ્ચે એક રેલવે ટ્રેક પર લગભગ છ મીટર લાંબો ટેલિકોમ પોલ મૂકી દેવામાં આવ્યો હતો. અહીંથી પસાર થતી નૈની જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના લોકો પાયલટે સમયસર જોઈ લેતાં બ્રેક લગાવીને ટ્રેન થોભાવી દીધી હતી. જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો હતો.

    તે પહેલાં હરિયાણાથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જઈ રહેલી કાલિંદી એક્સપ્રેસ (14723) કાનપુરમાં અનવરગંજ-કાસગંજ રુટ પર રાખેલા સિલિન્ડર સાથે અથડાઈ હતી, ત્યારબાદ મોટો ધડાકો પણ થયો હતો. લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી દેતાં મોટી દુર્ઘટના ટળી હતી. તેવી જ રીતે ગત મહિને ઉત્તર પ્રદેશના કાનપુરમાં જ અમદાવાદ આવતી સાબરમતી એક્સપ્રેસ પણ પાટા પરથી ઉતરી ગઈ હતી. પછીથી ટ્રેક પરથી તીક્ષ્ણ વસ્તુઓ મળી આવી હતી. આ જ રીતે હમણાં થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના ફરૂખાબાદમાં એક ટ્રેન પસાર થવા પહેલાં લાકડાનો ટુકડો મૂકી દેવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં