Sunday, March 23, 2025
More
    હોમપેજગુજરાત614 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર નગરદેવી ભદ્રકાળીએ પૂર્ણ કરી નગરયાત્રા: અહમદશાહે બંધ કરાવેલી...

    614 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર નગરદેવી ભદ્રકાળીએ પૂર્ણ કરી નગરયાત્રા: અહમદશાહે બંધ કરાવેલી પરંપરાનો પુન:આરંભ, અમદાવાદના સ્થાપના દિવસની માણેક બુરજ ખાતે થઈ ઉજવણી

    ભદ્રકાળી મંદિરથી નીકળેલી યાત્રા કારંજ પોલીસ સ્ટેશન, ત્રણ દરવાજા, પાનકોર નાકા, માણેકચોક, ગોળલીમડા, જગન્નાથ મંદિર, જમાલપુર શાકમાર્કેટથી ફૂલબજાર રોંગસાઈડમાં થઈ રિવરફ્રન્ટની અંદર, મહાલક્ષ્મી મંદિર, વિકટોરિયા ગાર્ડન, અખંડાનંદ સર્કલ, વસંત ચોક, લાલદરવાજા, સિદ્દી સૈયદની જાળી, વીજળી ઘર, બહુચરમાતાના મંદિર થઈ નિજ મંદિરે પરત ફરી હતી.

    - Advertisement -

    આજે 26 ફેબ્રુઆરી એટલે કે અમદાવાદનો (Ahmedabad) સ્થાપના દિવસ છે. આજથી 614 વર્ષ પહેલાં 1411માં અહમદશાહે માણેક બુરજ પાસે ઇંટ મુકીને અમદાવાદની સ્થાપના કરી હતી. કહેવાય છે કે અમદાવાદની સ્થાપના પહેલાં અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા દરવર્ષે નગરચર્યાએ નીકળતા હતા. જેમાં રથયાત્રાની જેમ જ હર્ષોલ્લાસ સાથે નાગરિકો ભાગ લેતા હતા. અહમદશાહે અમદાવાદની સ્થાપના કર્યા બાદ આ નગરયાત્રા (Bhadrakali Mata Nagaryatra) બંધ કરાવી દીધી હતી.

    ત્યારે આજે 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળીએ અમદાવાદના સ્થાપના દિવસના દિવસે જ નગરયાત્રા કરી હતી. તથા યાત્રા પૂર્ણ કર્યા બાદ નિજ મંદિર પરત ફર્યા હતા. વહેલી સવારથી જ યાત્રા રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. સવારે અમદાવાદના મેયર પ્રતિભા જૈન તથા રાજ્યના સહકાર પ્રધાન જગદીશ પંચાલે પહિંદ વિધિ કર્યા બાદ નગરયાત્રા શરૂ થઈ હતી.

    નોંધનીય છે કે ભદ્રકાળી માતાજીની મૂર્તિ અચલ હોવાથી પ્રતિકાત્મક રીતે માતાજીનો ફોટો અને ચરણ પાદુકાને રથમાં બિરાજમાન કરીને નગરયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું. 6.25 કિમી લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. નગરયાત્રામાં અખાડા, ધજા-પતાકા અને ડીજે પણ જોડાયા હતા. લાલ દરવાજા ખાતે એએમટીએસના કર્મચારીઓ દ્વારા માતાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    ભદ્રકાળી મંદિરથી નીકળેલી યાત્રા કારંજ પોલીસ સ્ટેશન, ત્રણ દરવાજા, પાનકોર નાકા, માણેકચોક, ગોળલીમડા, જગન્નાથ મંદિર, જમાલપુર શાકમાર્કેટથી ફૂલબજાર રોંગસાઈડમાં થઈ રિવરફ્રન્ટની અંદર, મહાલક્ષ્મી મંદિર, વિકટોરિયા ગાર્ડન, અખંડાનંદ સર્કલ, વસંત ચોક, લાલદરવાજા, સિદ્દી સૈયદની જાળી, વીજળી ઘર, બહુચરમાતાના મંદિર થઈ નિજ મંદિરે પરત ફરી હતી.

    અમદાવાદના સ્થાપના દિનની AMCએ કરી ઉજવણી

    આ ઉપરાંત અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે AMC દ્વારા માણેકચોક ખાતે પુષ્પ અર્પણ અને માણેક બુરજ એટલે કે એલિસબ્રિજ ખાતે ધજા ચઢાવી, પૂજા અને આરતી કરવામાં આવી હતી.  આ પ્રસંગે અમદાવાદ મેયર પ્રતિભા જૈન, ભાજપના કોર્પોરેટરો, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો, પૂર્વ ધારાસભ્ય ભુષણ ભટ્ટ અને ડે. મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા હતા. 

    અમદાવાદનો સ્થાપના દિવસ: જ્યાં શહેરની પહેલી ઈંટ મૂકાઈ હતી તે માણેક બુરજ ખાતે પૂજા વિધિ સાથે ઉજવાઈ બર્થડે 3 - image
    (ગુજરાત સમાચાર)

    અમદાવાદની સ્થાપના માટે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. કહેવાય છે કે 1411માં અહેમદશાહ તેના શિકારી કૂતરા સાથે અહીં આવ્યો હતો. ત્યારે સાબરમતીનું પાણી પી રહેલા સસલાએ તેના શિકારી કૂતરાને ડરાવી દીધા હતા. ત્યારે અહેમદશાહને અહીં શહેર વસાવવાની ઈચ્છા થઈ હતી. જેના માટે કહેવાય છે કે ‘જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહ ને શહર બસાયા’.

    જોકે આ પહેલાં અમદાવાદનું નામ કર્ણાવતી અને આશાવલ્લી હોવાનો પણ ઉલ્લેખ જોવા મળે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં