Saturday, April 27, 2024
More
    હોમપેજદેશ‘આવી ગયા છે પ્રભુ શ્રીરામ’: ટીવી પર ફરી એક વખત પ્રસારિત થશે...

    ‘આવી ગયા છે પ્રભુ શ્રીરામ’: ટીવી પર ફરી એક વખત પ્રસારિત થશે રામાનંદ સાગર નિર્મિત ‘રામાયણ’, 5 ફેબ્રુઆરીથી શરૂ

    ધારાવાહિકમાં ભગવાન રામના બાળપણથી લઈને રાવણ વધ સુધી તેમના જીવનની વાર્તા વિસ્તારથી કહેવામાં આવી છે. મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણ અને તુલસીદાસ રચિત રામચરિતમાનસ પ્રેરિત આ રામાયણ સીરિયલના કુલ 78 એપિસોડ છે.

    - Advertisement -

    રામાનંદ સાગર નિર્મિત ઐતિહાસિક અને વિખ્યાત ધારાવાહિક રામાયણનું પુનઃ પ્રસારણ થવા જઈ રહ્યું છે. દૂરદર્શન દ્વારા આ બાબતની જાણકારી આપવામાં આવી છે. 

    DD નેશનલે પોતાના અધિકારિક હેન્ડલ પરથી જાણકારી આપતાં લખ્યું કે, ‘પ્રભુ શ્રીરામ આવી ગયા છે. ફરી એક વખત પરત ફરી રહ્યો છે સમગ્ર ભારતનો સૌથી લોકપ્રિય શો ‘રામાયણ.’ રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરી એક વખત ડીડી નેશનલ પર જુઓ 5 ફેબ્રુઆરીથી દરરોજ સાંજે 6 વાગ્યે અને પુનઃ પ્રસારણ બપોરે 12 વાગ્યે. 

    આ વિશ્વવિખ્યાત ધારાવાહિક સૌપ્રથમ વર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી. શો રામાનંદ સાગર દ્વારા બનાવવામાં અને નિર્દેશિત કરવામાં આવ્યો હતો, જે રામાયણ પર આધારિત હતો. જેમાં શ્રીરામથી લઈને માતા સીતા અને મહાબલિ હનુમાન સુધીનાં પાત્રોએ લોકોનાં હૃદય પર અનૂઠી છાપ છોડી હતી અને આ પાત્રો જેમણે ભજવ્યાં હતાં તે કલાકારો આજે પણ એટલા જ જાણીતા છે. સીરિયલમાં ભગવાન રામનું પાત્ર અરુણ ગોવિલે ભજવ્યું હતું જ્યારે માતા સીતા દીપિકા ચીખલિયા બન્યાં હતાં. લક્ષ્મણનું પાત્ર સુનિલ લહેરીએ ભજવ્યું હતું. 

    - Advertisement -

    ધારાવાહિકમાં ભગવાન રામના બાળપણથી લઈને રાવણ વધ સુધી તેમના જીવનની વાર્તા વિસ્તારથી કહેવામાં આવી છે. મહર્ષિ વાલ્મિકી રચિત રામાયણ અને તુલસીદાસ રચિત રામચરિતમાનસ પ્રેરિત આ રામાયણ સીરિયલના કુલ 78 એપિસોડ છે.

    આ શો એવા સમયે પ્રસારિત થઈ રહ્યો છે જ્યારે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરમાં ભવ્ય અને ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો. 22 જાન્યુઆરીના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા. તેમણે વિધિવત પૂજા કરીને ભગવાનને મંદિરમાં આવકાર્યા હતા. તેમની સાથે સરસંઘચાલાક ડૉ. મોહન ભાગવત, UP સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સાથે મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ પણ હાજર રહ્યા હતા. આ સિવાય દેશભરમાંથી હજારો સાધુ-સંતો તેમજ વિવિધ ક્ષેત્રોની હસ્તીઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીએ દિવાળી જેવો માહોલ હતો. 

    લોકડાઉનમાં તૂટ્યા હતા તમામ રેકોર્ડ

    નોંધવું જોઈએ કે આ ત્રીજી વખત છે જ્યારે રામાયણ પ્રસારિત થઈ રહ્યું છે. વર્ષ 2020માં કોરોનાના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યા બાદ રામાયણનું પુનઃ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારે તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. ડીડી નેશનલની જાણકારી અનુસાર, દૂરદર્શન પર રામાયણ પુનઃ પ્રસારિત થયા બાદ તમામ વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયા હતા અને 7.7 કરોડ દર્શકોએ શો નિહાળ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં