હોમપેજદેશહિંદુ મંદિરની આસપાસ માંસની દુકાનોનાં લાયસન્સ રદ કરવાનો આદેશ રાજસ્થાન હાઇકોર્ટે રાખ્યો...

હિંદુ મંદિરની આસપાસ માંસની દુકાનોનાં લાયસન્સ રદ કરવાનો આદેશ રાજસ્થાન હાઇકોર્ટે રાખ્યો યથાવત, ધર્મસ્થળ ‘ખાનગી’ હોવાની દલીલો નકારાઈ

કોર્ટે અરજદારોની દલીલને નકારી કાઢી કે મંદિર ખાનગી મિલકત છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મંદિર એટલે એવી જગ્યા જ્યાં કોઈપણ વ્યક્તિ પૂજા કરી શકે અને જે સામાન્ય જનતા માટે ખુલ્લી હોય. આવાં મંદિરને જાહેર મિલકત ગણવામાં આવે છે.

- Advertisement -

રાજસ્થાન હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ કેસમાં ચુકાદો આપ્યો છે, જેમાં ધર્મસ્થાનોની 50 મીટરની ત્રિજ્યામાં સ્થિત માંસની દુકાનોનાં લાયસન્સ રદ કરવાના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દેવામાં આવી. આ નિર્ણય રાજસ્થાન મ્યુનિસિપાલિટીઝ એક્ટ, 2009ની કલમ 269 અને 340 હેઠળ 22 માર્ચ, 2021ના રોજ જારી કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના (SOP) કલમ 4ના અમલીકરણ સાથે સંબંધિત છે.

ન્યાયમૂર્તિ અનુપ કુમાર ધાંડની બેન્ચે આ કેસમાં માંસની દુકાનો ચલાવતા અરજદારોએ કરેલી દલીલોને નકારી કાઢી અને સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ધર્મસ્થાન સામાન્ય જનતા માટે ખુલ્લું હોય ત્યાં સુધી તેને જાહેર ધર્મસ્થાન ગણવું જોઈએ અને તેની આસપાસના વિસ્તારમાં જે-તે ધર્મસ્થળના નિયમોનું પાલન કરવું આવશ્યક છે.

શું હતો સમગ્ર મામલો

અરજદારોને માંસની દુકાનો ચલાવવા માટે લાયસન્સ આપવામાં આવ્યું હતું. જોકે 2024માં તેમને શો-કોઝ નોટિસ જારી કરવામાં આવી હતી અને 2025માં એક આદેશ પસાર કરવામાં આવ્યો, જેના દ્વારા તેમના લાયસન્સ રદ કરવામાં આવ્યાં. કારણ કે તેમની દુકાનો એક મંદિરથી 50 મીટરની ત્રિજ્યામાં સ્થિત હતી, જે SOPની કલમ 4નું ઉલ્લંઘન હતું.

- Advertisement -

આ આદેશ સામે અરજદારોએ જયપુરના જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરી, પરંતુ તેમની અપીલ નામંજૂર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ અરજદારોએ રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી દાખલ કરી. અરજદારોએ દાવો કર્યો કે સંબંધિત મંદિર ખાનગી મિલકત છે અને નોંધણી દેવસ્થાન વિભાગમાં કરવામાં આવી નથી.

બીજી તરફ સરકાર પક્ષથી દલીલ આપવામાં આવી કે SOP રાજસ્થાન મ્યુનિસિપાલિટીઝ એક્ટ, 2009ની કલમ 269 અને 340 હેઠળ જારી કરવામાં આવી હતી. આ સિવાય મંદિર કોઈ ઘરની અંદર નથી, પરંતુ બજારના ખુલ્લા વિસ્તારમાં સ્થિત છે અને સામાન્ય જનતા દ્વારા નિયમિતપણે પૂજા માટે ઉપયોગમાં લેવાય છે. આથી તેને ‘ખાનગી મિલકત’ ગણી શકાય નહીં.

કોર્ટનો નિર્ણય

બંને પક્ષોની દલીલ સાંભળી કોર્ટે જણાવ્યું કે SOPની કલમ 4નો હેતુ ધર્મસ્થાનો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે શાળાઓ પ્રત્યે સંવાદિતા અને આદર જાળવવાનો છે. આવા નિયમોનું ઉલ્લંઘન થાય તો સત્તાધિકારીઓને લાયસન્સ રદ કરવાનો અધિકાર છે. કોર્ટે એ પણ નોંધ્યું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લાયસન્સિંગ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ફૂડ બિઝનેસ) રેગ્યુલેશન્સ, 2011ના રેગ્યુલેશન 2.1.2(1)(5) અને શેડ્યુલ-4 હેઠળ પણ લાયસન્સ પ્રાપ્ત માંસની દુકાન અને ધર્મસ્થાન વચ્ચે ઓછામાં ઓછું 50 મીટરનું અંતર હોવું જોઈએ.

કોર્ટે અરજદારોની દલીલને નકારી કાઢી કે મંદિર ખાનગી મિલકત છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મંદિર એટલે એવી જગ્યા જ્યાં કોઈપણ વ્યક્તિ પૂજા કરી શકે અને જે સામાન્ય જનતા માટે ખુલ્લી હોય. આવાં મંદિરને જાહેર મિલકત ગણવામાં આવે છે. આ કેસમાં મંદિર ખુલ્લા વિસ્તારમાં હતું અને જનતા માટે સુલભ હતું, તેથી તેને ખાનગી મંદિર ગણી શકાય નહીં.

કોર્ટે એ પણ નોંધ્યું કે અરજદારોએ SOPની કલમ 4ની માન્યતાને પડકારી ન હતી. જ્યાં સુધી આ કલમ રદ ન થાય ત્યાં સુધી તેનું પાલન કરવું ફરજિયાત છે. આથી કોર્ટે અરજદારોની અરજીઓને ફગાવી દીધી અને લાયસન્સ રદ કરવાના આદેશને યથાવત રાખ્યો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં