રાજસ્થાનના અજમેરમાં (Ajmer) ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લોંગિયા વિસ્તારમાં બાળકોના લખોટી રમતા થયેલ સામાન્ય ઝગડાએ સાંપ્રદાયિક રૂપ લઈ લીધું હતું. ઝગડો એટલો બધો વધી ગયો હતો કે બંને પક્ષો વચ્ચે સંઘર્ષ થયો હતો. જેમાં 6થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે બાળકો લખોટીઓ રમી રહ્યા હતા આ દરમિયાન બાળકો વચ્ચે ઝગડો થયો હતો. જે પછીથી હિંદુ-મુસ્લિમ સમુદાયના સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો. પરિણામે, બંને પક્ષો વચ્ચે ઉગ્ર લડાઈ થઈ, જેમાં 6 વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને JLN હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાં વાલ્મીકિ સમુદાયની મહિલા ભારતીનો પરિવાર પણ સામેલ છે.
મામલો વધુ ગંભીર બનતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને હળવો બળપ્રયોગ કરીને ભીડને વિખેરી નાખી હતી. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 9 પોલીસ સ્ટેશનના પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉપરાંત વિવિધ સ્થળોના અધિક પોલીસ અધિક્ષક, સીઓ અને પોલીસ સ્ટેશનના પ્રભારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.
આ મામલે અજમેર સ્થિત ગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહાવીર સિંઘે જણાવ્યું હતું કે, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકો લખોટીઓ રમી રહ્યા હતા. આ દરમિયાન બાળકો વચ્ચે ઝઘડો થયો. બાળકો વચ્ચેની લડાઈમાં મોટા લોકો પણ સામેલ થઈ ગયા. એક પક્ષનો આરોપ છે કે બીજી બાજુએ તેમના પર તલવારો અને લાકડીઓથી હુમલો કર્યો.”
તેમણે આગળ જણાવ્યું હતું કે, “સ્થળ પર બંને બાજુથી પથ્થરમારો પણ થયો હતો. ઘટનાસ્થળે પ્રદર્શન કે ઘેરાબંધી જેવી કોઈ પરિસ્થિતિ નથી. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે. કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. એક બાજુની મહિલાઓએ કહ્યું કે કેટલાક બાળકોએ ઘર પર લખોટીઓ ફેંકી હતી. જ્યારે તે સમજાવવા ગઈ ત્યારે બીજી બાજુથી 6-7 લોકોએ તેના પર તલવારો અને લાકડીઓથી હુમલો કર્યો.”
પીડિત મહિલાનો દાવો- ભીડમાં હતા અવૈધ બાંગ્લાદેશીઓ
જે મહિલાનો પરિવાર ઘાયલ થયો છે તેમણે જણાવ્યું હતું કે, “હુમલાખોરો તલવારો અને અન્ય તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યા હતા અને હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમના પરિવારના લગભગ 9 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની જવાહરલાલ નહેરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.” ભારતીએ એવો પણ દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
A mob of hundreds of alleged Bangladeshi Muslims attacked a Dalit Hindu family near Ajmer Dargah in Rajasthan.
— Treeni (@TheTreeni) February 19, 2025
They brought swords, sticks, and every weapon imaginable, and attacked the family. They tore the clothes of Hindu women, beat a pregnant woman, and injured six Hindus,… pic.twitter.com/l99f4oS0ew
ઘટના પછી, પોલીસે હુમલાખોરોની ધરપકડ કરી, પરંતુ પોલીસ સ્ટેશન પરિસરમાં પણ પરિસ્થિતિ વધુ વણસી ગઈ. ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનમાં જ હુમલાખોરોને માર માર્યો હતો, જેના કારણે વાતાવરણ વધુ તંગ બની ગયું હતું. આ ઘટના બાદ વાલ્મીકિ સમુદાયના લોકોએ ગંજ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારપછી, પોલીસે વિસ્તારમાં સુરક્ષા મજબૂત બનાવવા માટે વધારાના દળો તૈનાત કર્યા હતા. તથા આગામી કાર્યવાહી પણ શરૂ કરી હતી.