પંજાબમાં (Punajb) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) સુરક્ષામાં થયેલી ચૂક (Security Breach) મામલે ચાલતા કેસમાં કુલ 25 કથિત ખેડૂત નેતાઓ વિરુદ્ધ ધરપકડ વૉરન્ટ (Arrest Warrant) જારી કરવામાં આવ્યું છે. વારંવાર નોટિસ આપવા છતાં કોર્ટ સમક્ષ ઉપસ્થિત ન રહેતાં હવે તેમની ધરપકડ કરીને 22 જાન્યુઆરી સુધીમાં હાજર કરવા આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત, આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો પણ જોડવામાં આવી છે. નોંધવું જોઈએ કે આ ઘટના 2022માં બની હતી જ્યારે સુરક્ષા ચૂકના પગલે PM મોદીએ તેમનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો અને દિલ્હી પરત ફરવું પડ્યું હતું.
આ મામલે 6 જાન્યુઆરી, 2022ના રોજ IPCની કલમ 283 (જાહેર માર્ગમાં અવરોધ ઊભો કરવો) હેઠળ પ્રથમ FIR નોંધવામાં આવી હતી, જે જામીનપાત્ર ગુનો છે. ત્યારપછી અધિકારીઓની ત્રણ સભ્યોની SITની રચના કરવામાં આવી હતી. તપાસના આધારે FIRમાં વધુ ગંભીર કલમો ઉમેરવામાં આવી હતી. જેમાં કલમ 307 (હત્યાનો પ્રયાસ), કલમ 353 (જાહેર સેવક પર હુમલો), કલમ 341 (ખોટી રીતે રોકવું), કલમ 186 (કર્તવ્ય નિર્વહનમાં અવરોધ ઊભો કરવો), કલમ 149 (ગેરકાયદેસર મંડળી રચવી) અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ અધિનિયમની કલમ 8-Bનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે હાલ IPCના સ્થાને ભારતીય ન્યાય સંહિતા (BNS) લાગુ છે પરંતુ ગુનો બન્યો તે સમયે IPC લાગુ હોવાના કારણે કેસ IPC હેઠળ ચાલે છે.
A court in Punjab's Ferozepur district has issued arrest warrants against 25 farmers in connection with the security breach during Prime Minister Narendra Modi's visit to the state in 2022. pic.twitter.com/Fbfuv7SMBU
— ANI (@ANI) January 17, 2025
3 જાન્યુઆરી, 2025ના રોજ ફિરોઝપુર કોર્ટે 25 ખેડૂતો સામે ધરપકડ વૉરન્ટ જારી કર્યું હતું. આરોપીઓને કોર્ટમાં હાજર થવા માટે અગાઉ સમન્સ અને વૉરન્ટ પણ મોકલવામાં આવ્યાં હતાં, પરંતુ તેઓ હાજર થયા ન હતા. ત્યારબાદ કોર્ટે કડક વલણ અપનાવીને તેમને 22 જાન્યુઆરી સુધીમાં ધરપકડ કરીને રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે FIRમાં બીકેયુ ક્રાંતિકારીના મહાસચિવ બલદેવ સિંઘ ઝીરા અને અન્ય ખેડૂત નેતાઓ અને સભ્યો સહિત 26 લોકોનાં નામ હતાં. જેમાંથી એક આરોપી મેજર સિંઘનું મૃત્યુ થઇ ચુક્યું છે, જ્યારે બાકીના 25 લોકો હાલ ટ્રાયલનો સામનો કરી રહ્યા છે.
શું હતી સમગ્ર ઘટના
નોંધનીય છે કે 5 જાન્યુઆરી, 2022ના રોજ પ્રધાનમંત્રી પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધવાના હતા. આ ઉપરાંત ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ આપવા માટે હુસૈનીવાલા સ્મારકની પણ મુલાકાત લેવા જવાનું આયોજન હતું. પરંતુ એ દિવસે ખરાબ હવામાનના પગલે તેમને હેલિકોપ્ટરની જગ્યાએ રોડ માર્ગે લઈ જવામાં આવ્યા.
દરમ્યાન ખેડૂતો આંદોલનકારીઓએ રસ્તો જામ દીધો હતો અને તેના કારણે હાઇ-વે ઉપર 20 મિનીટ સુધી PM મોદીનો કાફલો રોકાઈ રહ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને સભા કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.
સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો વડાપ્રધાનને એક જાહેર માર્ગ ઉપર વીસ મિનિટ સુધી રોકી રાખવામાં આવે એ અત્યંત ગંભીર બાબત કહેવાય છે, કારણ કે તેમની મિનિટ-મિનિટનાં આયોજન હોય છે અને તેમાં કોઈ ફેરફાર કરવા માટે સત્તર જગ્યાએથી પરવાનગી લેવી પડતી હોય છે. આ મામલે પછીથી FIR દાખલ કરવામાં આવી હતી, જેનો કેસ હાલ ચાલી રહ્યો છે.