શનિવારે (30 ડિસેમ્બર) અયોધ્યા યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક એક મહિલાના ઘરે પહોંચી ગયા હતા. આ મહિલાનું નામ મીરા માંઝી છે. વાસ્તવમાં તે મોદી સરકારની ઉજ્જ્વલા યોજનાની 10 કરોડમી લાભાર્થી બની હતી, જેથી વડાપ્રધાને તેના ઘરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પરિજનો સાથે સંવાદ કર્યો અને ચાની ચુસ્કી પણ માણી હતી.
જે ફોટા-વિડીયો સામે આવ્યા છે તેમાં વડાપ્રધાન મીરા અને તેના પરિજનો સાથે વાતચીત કરતા જોવા મળે છે. વડાપ્રધાન જ્યારે ઘરમાં પ્રવેશે છે ત્યારે મીરા ચરણસ્પર્શ કરીને તેમને આવકારે છે. ત્યારબાદ તેઓ મુલાકાતનું કારણ જણાવે છે અને કહે છે કે તેમની સરકારે દેશનાં 10 કરોડ ગેસ સિલિન્ડર આપ્યાં છે અને મીરાનો ક્રમ 10 કરોડમો છે. તેમણે કહ્યું કે, “હું વિચારતો હતો કે હું તેમના ઘરે જઈશ અને પછી જાણવા મળ્યું કે તે લાભાર્થી અયોધ્યામાં જ છે. જેથી હું અહીં આવી ગયો.”
Here’s what happened when PM @narendramodi reached the home of Ujwalla beneficiary Meera Majhi in Ayodhya #VikasitBharatSankalpYatra pic.twitter.com/OdU2LTvTki
— 🦏 Payal M/પાયલ મેહતા/ पायल मेहता/ পাযেল মেহতা (@payalmehta100) December 30, 2023
પીએમ તેમને યોજનાઓના મળેલા લાભ અંગે પૂછે છે ત્યારે મીરા તેમને જણાવે છે કે, “પહેલાં અહીં ઝૂંપડી હતી, પણ તમારી (મોદીની) કૃપાથી આવાસ યોજનાનો લાભ મળ્યો અને આ ઘર બની ગયું.” સાથે અનાજ વગેરે પણ મળતું હોવાનું ઉમેરીને કહે છે કે, “અમે તમારાથી કેટલા ખુશ છીએ તે શબ્દોમાં વર્ણવી શકીએ તેમ નથી. અમને બધી જ યોજનાઓના લાભ મળી રહ્યા છે.”
વડાપ્રધાનની મુલાકાત બાદ મીરા માંઝીએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતાં કહ્યું કે, “પહેલાં ભઠ્ઠી પર (રસોઈ) બનાવવી પડતી હતી, હવે ગેસ પર બનાવી રહ્યા છીએ. બહુ ખુશી થઈ રહી છે. હવે અમને થોડો વધુ સમય મળશે, બાળકોને પણ સમય આપી શકીશું.”
VIDEO | "I was overjoyed, never did I imagine that 'God' would visit my home like this. My happiness was beyond control," says Ujjwala Yojana beneficiary Meera on PM Modi visiting her house and having tea during his Ayodhya tour today. pic.twitter.com/oFJ9rW9iqm
— Press Trust of India (@PTI_News) December 30, 2023
PMની મુલાકાતને લઈને આગળ તેણે કહ્યું કે, “બહુ આનંદ થયો, મેં તો ક્યારેય વિચાર્યું ન હતું કે અમારા ઘરે આ રીતે ભગવાન એક દિવસ પધારશે. મારી ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. હું વિચારી રહી હતી કે તેમના માટે હું શું કરું જેથી તેઓ ખુશ થઈ જાય.”
વડાપ્રધાન મોદી શનિવારે અયોધ્યા પ્રવાસે હતા, જ્યાં તેમણે પુનર્નિર્માણ પામેલા રેલ્વે સ્ટેશન અને ત્યારબાદ નવનિર્મિત ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય પણ તેમણે હજારો કરોડની પરિયોજનાઓના શિલાન્યાસ-લોકાર્પણ કર્યાં. અહીં તેમણે સભા પણ સંબોધી હતી.