તાજેતરમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસે ચૂંટણી પંચ અને ભાજપ પર લગાવેલ ‘વોટ ચોરી’ના આરોપના જવાબમાં ભાજપ નેતા અમિત માલવિયાએ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં સોનિયા ગાંધીનું નામ ભારતીય નાગરિકતા મળ્યા પહેલાં જ મતદાર યાદીમાં સામેલ કરી દેવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. હવે આ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ કૃત્યને ગંભીર અપરાધ ગણીને સોનિયા ગાંધી પર FIR કરવાની અપીલ કરતી અરજી દિલ્હી કોર્ટમાં કરવામાં આવી છે.
આ અરજી વિકાસ ત્રિપાઠી નામની વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ACJM) વૈભવ ચૌરસિયાએ 4 સપ્ટેમ્બરે થોડા સમય માટે આ મામલાની સુનાવણી કરી હતી અને કહ્યું કે કેસની આગામી સુનાવણી 10 સપ્ટેમ્બરના રોજ થશે.
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનું નામ ભારતીય નાગરિક બન્યાનાં ત્રણ વર્ષ પહેલાં મતદાર યાદીમાં સામેલ હોવાના આરોપસર દિલ્હીની એક કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં તેમની વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી છે.
આ અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીનું નામ 1980માં નવી દિલ્હી મતવિસ્તારની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ ભારતના નાગરિક નહોતાં. તેઓ 1983માં ભારતના નાગરિક બન્યાં હતાં. ત્રિપાઠીએ આરોપ લગાવ્યો છે કે સોનિયાનું નામ 1980માં મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું, 1982માં કાઢી નાખવામાં આવ્યું હતું અને પછી 1983માં ફરીથી ઉમેરવામાં આવ્યું હતું.
ત્રિપાઠી વતી હાજર રહેલા એડવોકેટ પવન નારંગે દલીલ કરી કે, “તેમની (ભારતીય નાગરિકતા માટેની) અરજી પણ એપ્રિલ 1983ની છે. તેમનું નામ 1980માં નવી દિલ્હી મતવિસ્તારની મતદાર યાદીમાં કેવી રીતે સામેલ થયું, જે પછી 1982માં કાઢી નાખવામાં આવ્યું અને 1983માં ફરીથી સામેલ કરવામાં આવ્યું.”
આ દરમિયાન વકીલે દલીલ કરી કે વર્ષ 1980માં મતદાર યાદીમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું જ્યારે તેઓ ભારતીય નાગરિક જ નહોતાં. એનો અર્થ એ છે કે કેટલાક બનાવટી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા અને તે એક ગુનો છે. તેમણે કોર્ટને સોનિયા ગાંધી પર FIR દાખલ કરવા માટે આદેશ આપવા વિનંતી કરી હતી. જોકે કોર્ટે કહ્યું કે આ મામલે 10 સપ્ટેમ્બરે આગામી સુનાવણી થશે.
કોર્ટે સોનિયા ગાંધી કે દિલ્હી પોલીસને હજુ સુધી કોઈ ઔપચારિક નોટિસ જારી કરી નથી.
શું હતો સમગ્ર મામલો
બિહાર SIR પ્રક્રિયાના વિરોધમાં રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ ભાજપ નેતા અમિત માલવિયાએ X પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે સોનિયા ગાંધી જ્યારે ઇટાલિયન નાગરિક હતાં ત્યારે તેમનું નામ ઇન્દિરા ગાંધીના સત્તાવાર નિવાસસ્થાનેથી મતદાન મથક 145ના સીરિયલ નંબર 388 પર ઉમેરવામાં આવ્યું હતું. તેમણે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા બાદ સોનિયા ગાંધીએ ભારતીય નાગરિકતા લેવામાં 15 વર્ષનો સમય કેમ લગાવ્યો હતો.


