Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાવાગઢ: યાત્રિકોના વિશ્રામ માટે બનાવાયેલી કુટિરનો ઘુમ્મટ તૂટ્યો, એકનું મોત, અનેકને ઇજા

    પાવાગઢ: યાત્રિકોના વિશ્રામ માટે બનાવાયેલી કુટિરનો ઘુમ્મટ તૂટ્યો, એકનું મોત, અનેકને ઇજા

    અચાનક વાતાવરણ બદલાઈ ગયા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો, જેના કારણે અમુક લોકો આ વિશ્રામ કુટિરમાં જઈને ઉભા રહ્યા હતા. 

    - Advertisement -

    યાત્રાધામ પાવાગઢમાં સર્જાયેલી એક દુર્ઘટનામાં એ મહિલાનું મોત થયું છે તો અન્ય આઠથી દસ લોકોને ઇજા પહોંચી છે. અહીં યાત્રિકો માટે બનાવાયેલી વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટી પડ્યો હતો, જેના કારણે ઘટના સર્જાઈ હતી. હાલ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

    પાવાગઢમાં માચી ખાતે આ ઘટના બની હતી. અહીં આવતા યાત્રાળુઓને સુવિધાઓ મળી રહે તે માટે વિશ્રામ કુટિર બનાવવામાં આવી છે. ગુરુવારે (4 માર્ચ, 2023) અચાનક વાતાવરણ બદલાઈ ગયા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો, જેના કારણે અમુક લોકો આ વિશ્રામ કુટિરમાં જઈને ઉભા રહ્યા હતા. 

    આ જ સમય દરમિયાન કુટિરનો પથ્થરનો બનાવવામાં આવેલો ઘુમ્મટ તૂટી પડ્યો હતો, જેના કારણે કેટલાક લોકો દબાઈ ગયા હતા. રિપોર્ટ્સમાં ઇજાગ્રસ્તોની સંખ્યા 10 સુધીની જણાવવામાં આવી રહી છે. જેમાં બાળકો પણ સામેલ હોવાનું કહેવાય રહ્યું છે. જ્યારે એક મહિલાને માથાના ભાગે કાટમાળ પડતાં તેમનું મોત નીપજ્યું હતું. 

    - Advertisement -

    ઇજાગ્રસ્તોમાં 3 મહિલા, 3 પુરુષ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે મૃતક મહિલા વડોદરાની હોવાનું જાણવા મળ્યું છે. તેમને માથા અને પગના બાગે ઇજા પહોંચી હતી અને બંને પગ પણ ભાંગી ગયા હતા. જ્યારે એક મહિલાને પેટના ભાગે ઇજા થઇ છે. 

    ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક દોડી જઈને ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા તેમજ સ્થાનિક તંત્ર અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. 3 લોકો કાટમાળ નીચે દબાયા હતા, જેમને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ તમામને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

    પાવાગઢમાં ચાલુ વરસાદે અચાનક વીજળી પડવાના કારણે કુટિરનો ઘુમ્મટ તૂટી પડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. પંચમહાલના કલેક્ટર આશિષ કુમારે આ ઘટનામાં તપાસના આદેશ આપ્યા હોવાનું રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં