Wednesday, December 4, 2024
More
    હોમપેજગુજરાતGMERS કોલેજમાં રેગિંગ બાબતે ABVP દ્વારા વિરોધ બાદ નોંધાઈ FIR: આંદોલન સાથે...

    GMERS કોલેજમાં રેગિંગ બાબતે ABVP દ્વારા વિરોધ બાદ નોંધાઈ FIR: આંદોલન સાથે કરાઈ હતી ન્યાય અને ફરિયાદની માંગ, 15 સિનીયર વિદ્યાર્થીઓના નામ

    ABVPએ ન્યાય અને તપાસમાં પારદર્શિતાની માગ કરતા કહ્યું હતું કે, “ABVP આ ઘટનામાં જવાબદાર લોકો વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરે છે અને કોલેજ પ્રશાસનને પારદર્શક તપાસ કરવાની માંગ કરે છે."

    - Advertisement -

    ગુજરાતના પાટણ (Patan) ખાતે GMERS કોલેજમાં (GMERS Medical College) MBBSમાં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થીનું રેગિંગના (Death Because Ragging) કારણે મોત નીપજતા ભારે હોબાળો મચી ગયો હતો. જે મામલે રવિવારે રાત્રે ABVPએ ઘટનાનો વિરોધ કરતા આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાય તેવી માંગ સાથે કોલેજમાં આંદોલન કર્યું હતું. તથા આ મામલે બેસાડવામાં આવેલી તપાસ કમિટી બને એટલું જલ્દી તેનો રિપોર્ટ સબમિટ કરે તે અંગે પણ માંગ કરવામાં આવી હતી. આ મામલે કોલેજ પ્રશાસને 15 સિનીયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ (Suspend) કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

    નોંધનીય છે કે પાટણ ખાતે ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. ત્યારપછી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને થતા તેઓ પણ કોલેજ ખાતે વિરોધ નોંધવા પહોંચ્યા હતા. તથા કોલેજ પ્રશાસન સમક્ષ ઉગ્ર પ્રદર્શન કરી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

    ABVPએ કરી ન્યાયની માંગ

    આ મામલે ABVPએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં પાટણ ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજ,ધારપુરમાં ચાલતા રેગિંગના જઘન્ય કૃત્યએ MBBSનાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનો જીવ લીધો આ સમાચાર સમગ્ર શિક્ષણ જગત માટે ખૂબ જ દુખદ અને શર્મનાક છે. ABVP આ ઘટનાની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરે છે. આવી અમાનવીય ઘટનાઓને કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં સ્થાન નથી.”

    - Advertisement -

    આ ઉપરાંત ABVPએ ન્યાય અને તપાસમાં પારદર્શિતાની માગ કરતા કહ્યું હતું કે, “ABVP આ ઘટનામાં જવાબદાર લોકો વિરુદ્ધ તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરે છે અને કોલેજ પ્રશાસનને પારદર્શક તપાસ કરવાની માંગ કરે છે. ઉપરાંત, ABVP નેશનલ મેડિકલ કમિશન (NMC)ને કડક એન્ટી-રેગિંગ માર્ગદર્શિકાઓ અમલમાં મૂકવા અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક તંદુરસ્તી સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા માટે માંગ કરે છે. અભાવિપ ગુજરાત પીડિત વિદ્યાર્થીના પરિવારને સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે ન્યાયની માંગણી કરે છે.”

    શું હતી સમગ્ર ઘટના

    સમગ્ર ઘટના શનિવાર, 16 નવેમ્બરની છે. પાટણ-ઊંઝા રોડ સ્થિત ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થઇ ગયો હતો. જેણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મેડિકલ કોલેજના એડિશનલ ડીને બાલીસણા પોલીસ મથકે 15 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી તેમને સસ્પેન્ડ કર્યા હતા.

    સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓમાં પ્રવીણ વરજંગભાઈ ચૌધરી, વિવેક ગમનભાઈ રબારી, ઋત્વિક પુરુષોત્તમભાઈ લીંબડીયા, મેહુલ પ્રતાપભાઈ ઢેઢાતર, સુરજલ રૂડાભાઈ બલદાણીયા, હરેશ ગંભીરભાઈ ચાવડા, વૈભવ વિકેશભાઈ રાવલ, પરાગ ભરતભાઈ કલસરિયા , ઉત્પલ શૈલેષભાઈ વસાવા, વિશાલ લગધીરભાઈ ચૌધરી, અવધેશ અશોકભાઈ પટે , હિરેન મનસુખભાઈ પ્રજાપતિ, તુષાર પીરાભાઈ ગોહેલકર, પ્રકાશ માધાભાઈ દેસાઈ અને જૈમીન સવજીભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે.

    26 વિદ્યાર્થીઓના નિવેદન લેવાયા

    ઘટનામાં મૃત્યુ પામેલ વિદ્યાર્થી અનિલ મેથાણિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. અને એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો. મૃતક સિવાય પણ અન્ય વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ બન્યા હતા. આ મામલે એન્ટી રેગિંગ કમિટીએ 26 વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા.

    જે અનુસાર અનિલ સહિતના વિદ્યાર્થીઓને આશરે સાડા ત્રણ કલાક સુધી સતત ઉભા રાખી ગીતો ગવડાવી અને ડાન્સ કરાવવામાં આવ્યો હતો. તથા વિદ્યાર્થીઓને ગાળો બોલવામાં આવી અને રૂમની બહાર જવા દેવામાં આવ્યા નહોતા. સિનીયર વિદ્યાર્થીઓએ આ માહોલની મજા લઈ જુનિયર્સ સાથે માનસિક તથા શારીરીક ઉત્પીડન કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું. આ મામલે આગામી તપાસ ચાલી રહી છે જેના પગલે વધુ ખુલાસાઓ થવાની સંભાવનાઓ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં