Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં ભરાશે બાગેશ્વર ધામના દિવ્ય દરબાર: મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીને મોરારી બાપુ મળશે...

    ગુજરાતમાં ભરાશે બાગેશ્વર ધામના દિવ્ય દરબાર: મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીને મોરારી બાપુ મળશે કે કેમ તેવા સવાલો ચર્ચામાં, જાણીએ ક્યારે અને ક્યાં લાગશે દરબાર

    મળતી માહિતી અનુસાર અગામી સમયમાં ગુજરાતમાં બાગેશ્વર ધામના દરબાર લાગવા જઈ રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના અલગ અલગ શહેરોમાં દરબાર લાગવાના છે.

    - Advertisement -

    પોતાને પ્રખર હિંદુત્વવાદી ગણાવતા અને હિંદુ રાષ્ટ્રના સમર્થક અને પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અગામી સમયમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે, આ દરમિયાન ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં બાગેશ્વર ધામના દિવ્ય દરબાર પણ લાગવાના છે. આ દરબારની તડામાર તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.

    મળતી માહિતી અનુસાર અગામી સમયમાં ગુજરાતમાં બાગેશ્વર ધામના દરબાર લાગવા જઈ રહ્યા છે. બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના અલગ અલગ શહેરોમાં દરબાર લાગવાના છે. જેમાં સુરત, અને રાજકોટ ખાતે તેમના દિવ્ય દરબાર લાગવાની ઘોષણા થઈ ચુકી છે, જયારે અમદાવાદના વટવા ખાતે અગામી 25 મે ના રોજ કથાકાર દેવકીનંદન મહારાજની શિવ કથાના સમાપનમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સભાને સંબોધિત કરશે.

    ગુજરાતમાં બાગેશ્વર ધામના દરબાર ક્યાં-ક્યાં લાગશે?

    પ્રાથમિક માહિતી અનુસાર ગુજરાતમાં બાગેશ્વર ધામના દરબાર લાગવાની શરૂઆત સુરત શહેરથી થશે. આ દરબાર તારીખ 26 અને 27 મે 2023ના રોજ સુરતના લિંબાયતના નીલગીરી મેદાનમાં યોજવામાં આવશે. જે બાદ તેમનો ગુજરાતનો દ્વિતીય દરબાર રાજકોટ ખાતે લગાવવામાં આવશે. આ બંને સ્થળો પર લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે, આ સાથે જ અનેક VIP અને VVIP લોકો પણ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સાનિધ્યમાં આવશે તેવી પણ અટકળો ચાલી રહી છે. ત્યાર બાદ 1 ને 2 જુનના રોજ રાજકોટમાં દરબારનું આયોજન થવા જઈ રહ્યું છે.

    - Advertisement -

    રાજકોટમાં બાગેશ્વર ધામનો દરબાર

    પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સુરત બાદ સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવા જઈ રહ્યાં છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આ દરબારનું આયોજન થવા જઈ રહ્યું છે. જેના માટે સ્થાનિક કમિટી દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજક કમિટીના સભ્ય યોગીન છનીયારાએ VTVને જણાવ્યું હતું કે, “રાજકોટની પાવન ધરતી ઉપર રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ વિશ્વ પ્રસિદ્ધ બાગેશ્વરધામ બાલાજી હનુમાનના આસ્થાના કેન્દ્ર અને બાગેશ્વરધામ મધ્યપ્રદેશના પિઠાધિપતિ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટમાં સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે આવી રહ્યા છે.”

    યોગીને વધુ માહિતી આપતા આગળ જણાવ્યું હતું કે, “પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વર્તમાનમાં તેમની આધ્યાત્મિક આભાથી લોકોના જીવનની સમસ્યાનું સમાધાન કરવા બાબતે ખૂબ જ દેશ–વિદેશમાં લોકપ્રિય થયા છે, સાથે જ તેઓ સનાતન ધર્મની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્ર્ર વિશે પણ ખુલીને પોતાની વાત ખૂબ જ સ્પષ્ટ્તાપૂર્વક મુકી રહ્યા છે. જેના કારણે તેઓ આજની યુવા પેઢીમા પણ અતિ લોકપ્રિય બન્યા છે. જ્યાં પણ તેમના દિવ્ય લોકદરબારો લાગે છે ત્યા લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. રાજકોટમાં પણ સનાતન હિન્દૂ ધર્મ પ્રેમી જનતા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.”

    સૌરાષ્ટ્રના આંગણે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને મોરારીબાપુ મળશે કે કેમ?

    નોંધનીય છે કે જગ વિખ્યાત કથાકાર સંત મોરારી બાપુ ગુજરાત ખાતે વધુ મહત્વ ધરાવે છે, તેવામાં મધ્યપ્રદેશના બાગેશ્વર બાલાજી ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ પ્રવાસ દરમિયાન બાપુ તેમની મુલાકાત લેશે કે કેમ? તે સવાલ લોક મુખે ચર્ચાઈ રહ્યો છે. કારણકે થોડા સમય અગાઉ રાજકોટ ખાતે જ ધીરેન્દ્ર શાસ્ત્રી વિષે પ્રશ્ન પૂછવામાં આવતા કથાકાર મોરારી બાપુએ જે જવાબ આપ્યો તે સમાચારોમાં છવાયેલો રહ્યો હતો.

    રાજકોટમાં પત્રકારત્વ ભવનના સુવર્ણ જયંતીના કાર્યક્રમમાં કથાકાર મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે તેમણે આ પત્રકારોના સવાલોના જવાબ આપતી વખતે આ નિવેદન આપ્યુ હતુ. ધીરેન્દ્રશાસ્ત્રી વિશે પૂછાતા તેમણે કહ્યુ, ‘મને બહુ પરિચય નથી.’ જોકે મોરારી બાપુની જ રામ કથામાં 9 મહિના પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વક્તવ્ય આપ્યુ હતુ અને તેનો પણ એક વીડિયો સામે આવ્યો હતો.

    બુંદેલખંડની રામકથામાં મોરારી બાપુ સાથે હતા ધીરેન્દ્ર શાસ્ત્રી

    લગભગ 9 મહિના પહેલા મધ્યપ્રદેશના બુંદેલખંડમાં મોરારી બાપુની રામકથા ચાલી રહી હતી. તે વખતે ત્યાં બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અતિથિ તરીકે હાજર રહ્યા હતા. એટલું જ નહિ તેઓએ મોરારી બાપુના વ્યાસપીઠ પાસે સ્ટેજ પર ઉભા રહીને પોતાનું વક્તવ્ય પણ આપ્યું હતું.

    ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને પ્રણામ કરીને કહ્યું હતું કે, “જો હમણાં કોઈ યુગ તુલસી હોય કે કોઈ પ્રવર્તમાન તુલસી હોય તો એ માત્ર બાપુ જ છે.” સાથે જ તેઓએ મોરારી બાપુને મધ્યપ્રદેશના છત્તરપુર ખાતે આવેલ તેમના બાગેશ્વર ધામ ખાતે પધારીને હનુમાનજીના દર્શન કરવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. જોકે તે સમયે ધીરેન્દ્ર શાસ્ત્રી આટલા સમાચારોમાં નહોતા રહેતા કે તેમની સાથે કોઈ વિવાદ પણ જોડાયેલો નહોતો. પરંતુ માત્ર 9 મહિનામાં મોરારી બાપુ પોતાના સ્ટેજ પર આવેલ આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીને કઈ રીતે ભૂલી ગયા તે પ્રશ્ન પણ લોકોને સતાવી રહ્યો હતો.

    તેવામાં હવે રાજકોટ ખાતે જ બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જયારે દિવ્ય દરબાર લગાવવા જઈ રહ્યા છે, તેવામાં મોરારીબાપુ તેમના આ કાર્યક્રમમાં હાજરી આપશે કે કેમ તે જોવું રહ્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં